સ્વપ્નદૃષ્ટા સામ પિત્રોડાની આત્મકથા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જીવનયાત્રામાં ક્યાંથી ક્યાં સુધી પહોંચવું છે તે વ્યક્તિએ જાતે જ નક્કી કરવાનું હોય છે. સફળતા માત્ર ધ્યેય નક્કી કરી દેવાથી મળતી નથી, સપનાં ઘડીને બેસી રહેવાથી તે સાકાર થતાં નથી. એ માટે વ્યક્તિમાં ચોક્કસ પ્રકારની દૃષ્ટિ અને ગમે તેવા વિપરીત સંજોગમાં પણ ધ્યેયસિદ્ધિ માટે સંઘર્ષ કરવા દૃઢતાની જરૂર પડે છે. જે વ્યક્તિએ બાવીસ વરસની ઉંમર સુધી કોઈને ફોન કર્યો ન હોય તે વ્યક્તિ ટેલિકોમક્ષેત્રમાં અદ્્ભુત ક્રાંતિ સર્જીને ભારતનાં ગામે ગામને પી.સી.ઓ. અને એસ.ટી.ડી.થી જોડી આપે તે વાત જ પ્રેરણાત્મક છે. આ યાત્રા સત્યનારાયણ ગંગારામ પિત્રોડાની સામ પિત્રોડા બનવા સુધીની છે.
સામ પિત્રોડાની અંગ્રેજીમાં લખાયેલી આત્મકથા ‘ડ્રિમિન્ગ બિગ: માય જર્ની ટુ કનેક્ટ ઇન્ડિયા’નો ગુજરાતી અનુવાદ ‘વિરાટ સ્વપ્ન’ અમદાવાદના ‘ડિવાઈન  પબ્લિકેશન’ દ્વારા ૨૦૧૬માં પ્રગટ થયો છે. આ આત્મકથા વાંચતાં એક એવી ગુજરાતી વ્યક્તિનું દર્શન થાય છે જેનું બાળપણ ઓરિસ્સાના નાનકડા ગામ તિતિલાગઢમાં વીત્યું, ત્યાંથી અમેરિકા થઈને જેણે આખા વિશ્વમાં કોમ્યુનિકેશન ક્ષેત્રમાં પોતાની પ્રતિભાની ઊંડી છાપ પાડી. એમણે ભારતને ટેલિકોમના માધ્યમથી જોડવાનું સપનું જોયું અને તેને સાકાર કરવા માટે 
બધા અવરોધોને પાર કર્યા. એમના માટે ‘કામ કરતા રહેવું’ એ જ સાચો ધર્મ છે, એ જ આધ્યાત્મિકતા છે.
એક વાર તેઓ શિકાગોથી દિલ્હી આવ્યા હતા. ‘હોટેલ તાજ’માંથી પત્નીને શિકાગો ફોન કરવાના પ્રયત્ન કર્યા, પરંતુ ફોન લાગ્યો જ નહીં. બીજે દિવસે સવારે એમણે કથળેલી ટેલિફોનસેવા સામે વિરોધ દર્શાવવા લોકોએ કાઢેલી ‘મૃત ટેલિફોન’ની સ્મશાનયાત્રા જોઈ. એમને લાગ્યું કે આ પરિસ્થિતિનો ઉકેલ લાવવો જ જોઈએ. લખે છે: ‘થોડા અહંકારથી અને થોડી અજ્ઞાનતાના ભાવ સાથે મેં વિચાર્યું કે મારા સિવાય તેનો ઉકેલ કોણ લાવી શકે?’ અહીંથી ભારતમાં ટેલિકોમ ક્ષેત્રમાં ક્રાંતિનાં મૂળ રોપાયાં હતાં. તેઓ અમેરિકાનિવાસના વીસ વરસના અનુભવમાંથી શીખ્યા હતા કે જે કંઈ બરાબર કામ કરતું ન હોય તો એને રિપેર કરવું જ જોઈએ. ‘સબ ચલતા હૈ’ જેવો અભિગમ ચાલે નહીં. એમણે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી અને એમના પુત્ર રાજીવ સમક્ષ પોતાના વિચારો વ્યક્ત કર્યા. એમનું સપનું ટેલિફોનસેવાને ભારતનાં ગામડાં સુધી લઈ જવાનું હતું. તેઓ માનતા હતા કે સારી ટેલિફોનસેવાથી દેશના લોકો એકમેક સાથે સંકળાશે, ગ્રામીણ વિસ્તારોમાં આર્થિક વિકાસને વેગ મળશે, રોજગાર અને શિક્ષણની તકો વધશે અને ભારતની લોકશાહી મજબૂત બનશે.
સહેલું નહોતું. પડકાર સિસ્ટમની અંદર જ ભર્યા હતા. લોકોનો કામ પ્રત્યેનો અભિગમ, સરકારીતંત્રની જડતા, નિરાશાવાદી વલણ, નિષ્ઠાનો અભાવ જેવી પરિસ્થિતિઓ સામે આવતી રહી હતી, પરંતુ એમણે પ્રામાણિકતા, અલગ પ્રકારની કાર્યશૈલી, કાર્યકર્તાઓમાં સમાનતાનો અને દેશ માટે કશુંક બહુમૂલ્ય કાર્ય કરી રહ્યા હોવાની ભાવના જગાવીને તે કાર્ય સિદ્ધ કર્યું. ટેલિકોમમાં સર્જાયેલી ક્રાંતિના આપણે સાક્ષી છીએ. 
રાજીવ ગાંધીની સરકાર ચૂંટણીમાં હારી, પછી નવી સરકારે સામ પિત્રોડા પર માછલાં ધોવામાં બાકી રાખ્યું નહોતું. જે વ્યક્તિ મહિનાનો એક રૂપિયાનો જ પગાર લઈને દેશને આધુનિક બનાવવાનું મહત્ત્વનું કાર્ય કરી રહી હતી એના પર ભ્રષ્ટાચારના આરોપ પણ લગાવવામાં આવ્યા હતા. ભારતને સર્જનાત્મક ઊર્જા ધરાવતા લોકોની જરૂર નથી તે વાત ફરી એક વાર સાબિત થઈ હતી. અંગત રીતે એમની આર્થિક સ્થિતિ પણ ખૂબ નબળી થઈ ગઈ હતી. એમને લાગ્યું હતું કે એમણે હવે પછીની જીવનયાત્રા ‘અંધારામાં જ ખેડવાની’ છે.
ઉજ્જ્વળતાનું સપનું ધરાવતા મુસાફરે ‘અંધારા’માંથી પણ પસાર થવું પડે છે. સામ પિત્રોડાએ આત્મકથાનું સમાપન કરતાં કલ્પ્યું છે કે એમની પૌત્રી આરિઆ ભવિષ્યમાં દાદા વિશે કહેશે: ‘તેમનું જીવન સારી રીતે પસાર થયું હતું. તેમણે અને તેમની પત્નીએ બહુ આકરી મહેનત કરી હતી... તેઓ અમેરિકામાં લાખો ડોલર કમાયા હતા. ત્યાર બાદ તેમણે ભારતને ટેલિકોમ અને ટેક્નોલોજી દ્વારા આધુનિક બનાવવા ત્યાંના વડાપ્રધાન રાજીવ ગાંધી સાથે કામ કર્યું હતું. આ કામગીરી દરમિયાન તેમણે પોતાની જાતને લગભગ ખતમ કરી દીધી હતી અને ભાંગેલા હૈયે તથા બધું ગુમાવીને તેઓ અમેરિકા પાછા આવ્યા હતા. જોકે તેઓ તંગ આર્થિક પરિસ્થિતિમાંથી ફરી બહાર આવ્યા હતા. અમેરિકામાં પોતાની જિંદગીનું નવેસરથી ઘડતર કર્યું અને બે વખત મૃત્યુની સમીપ પહોંચી જવા જેવા અનુભવો છતાં તેમણે ફરીથી જ્ઞાન, ડિજિટલાઇઝેશન અને ઇનોવેશન દ્વારા સુધારા લાવીને ભારતને વધુ આધુનિક બનાવવા માટે ડૉ. મનમોહનસિંઘ સાથે કામ કર્યું હતું.’ 
ઓરિસ્સાના અવિકસિત ગામ તિતિલાગઢમાં ઊછરેલો, અમેરિકામાં વિકસેલો, ભારતનું હિત હૈયે રાખનાર ગુજરાતી યુવક સત્યનારાયણ ગંગારામ પિત્રોડા કહે છે: ‘હું એક જ સમયે અનેક દેશ, વિવિધ સંસ્કૃતિઓ તથા બહુવિધ વાસ્તવિકતાઓ વચ્ચે જીવ્યો છું. હું ભરપૂર 
ઊર્જા અને એકાગ્રતા ધરાવું છું અને મારી સામે ઊભાં થયેલાં દુનિયાભરનાં વિઘ્નોને પાર કરીને પણ કામ પૂરું કરતાં શીખ્યો છું.’ કોઈ પણ જીવનનો આથી સંતોષજનક નિષ્કર્ષ બીજો હોઈ શકે નહીં.
vinesh_antani@hotmail.com
અન્ય સમાચારો પણ છે...