ઊગતા સૂર્યનો પ્રદેશ એટલે અરુણાચલ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પૂર્વમાં મ્યાનમારની સરહદે, લોહિ‌ત નદીના પ્રદેશમાં આવેલી દોંગની ખીણમાં ભારતવર્ષનું સૂર્યનું પ્રથમ કિરણ પડે છે. સવારે ૪-૩૦ વાગે... અને એટલે આ રાજ્યનું નામ પડયું છે, 'અરુણાચલ’
ઉત્તર-પૂર્વના 'સેવન સિસ્ટર્સ’ તરીકે ઓળખાતાં સાત રાજ્યોમાંનું સૌથી મોટું રાજ્ય તે અરુણાચલ પ્રદેશ અને આ સાતેય રાજ્યોમાં મુગટની જેમ ગોઠવાયેલ અંગ્રેજી 'સી’ આકારનું આ રાજ્ય, ઊગતા સૂર્યના પ્રદેશ તરીકે ઓળખાય છે, કારણ કે ઉત્તરે ચીન અને પૂર્વમાં મ્યાનમારની સરહદે, લોહિ‌ત નદીના પ્રદેશમાં આવેલી દોંગની ખીણમાં ભારતવર્ષનું સૂર્યનું પ્રથમ કિરણ પડે છે.
સવારે ૪-૩૦ વાગે... અને એટલે આ રાજ્યનું નામ પડયું છે, 'અરુણાચલ’ ભૂપેન હઝારિકાના સંગીતે મઢાયેલ અને કલ્પના લાઝમી દ્વારા દિગ્દર્શિ‌ત ધારાવાહિ‌ક 'લોહિ‌ત કિનારે’ આજ પ્રદેશની કથાઓ પર આધારિત છે. પૂર્વ અરુણાચલના લોહિ‌ત જિલ્લામાં પરશુરામકુંડ આવેલ છે. જ્યાં પરશુરામે તેમનાં પાપ ધોયાં હતાં. આજે પણ ત્યાં મકરસંક્રાંતિએ મેળો ભરાય છે અને અનેક યાત્રાળુઓ ત્યાં સ્નાન કરવા જાય છે.
પૂર્વમાં મ્યાનમારની સરહદે નામદાફા નેશનલ પાર્ક છે. જે તેની જૈવિક વિવિધતાઓ માટે પ્રખ્યાત છે. એક સમયે 'નેફા’ એટલે કે ર્નોથ ઇસ્ટ ફ્રન્ટિયર એજન્સી તરીકે ઓળખાતો આ પ્રદેશ આસામનો ભાગ હતો અને અહીંના દાફલા, બંગની, અપાતાની, મોનપા જેવી વિવિધ જાતિના લોકો તેમની લાક્ષણિક જીવનશૈલી અને બોલચાલની ભાષા ધરાવતા હતા. તેમની કોઇ લિપિ ન હતી. ૧૯૬૨માં ચીનના આક્રમણ પછી, ભારત સરકારની ઊંઘ ઊડી અને ૧૯૭૨માં આ પ્રદેશને કેન્દ્ર શાષિત પ્રદેશ તરીકે ઘોષિત કરાયો અને તેનું નામકરણ થયું અરુણાચલ. ૧૯૮૭માં તેને સ્વતંત્ર રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયો.
આ વખતે અમે પ‌શ્ચિ‌મ અરુણાચલ પ્રદેશમાં આવેલા તવાંગ જઇ રહ્યા છીએ. જ્યાં બે દિવસની હિ‌માલયની જીપ સફારી કરીને પહોંચીશું. આજે રાત્રિરોકાણ માટે બોમડીલા પહોંચવાનું છે. અમારી મુસાફરીની જે દિનચર્યા બનાવેલી તેની ફાઇલ મેં કાઢી. નામેરીથી બોમડીલાનું અંતર હતું ૧૨પ કિ.મી. અને મારા ટ્રાવેલ એજન્ટ અનુસાર લગભગ પાંચ કલાકમાં અમે ત્યાં પહોંચી જઇશું. આસામના બિસ્માર રસ્તાઓની હવે અમને આદત થઇ ગઇ છે એટલે માનસિક અંદાજ મૂક્યો કે ઓછામાં ઓછા દસ કલાકે તો જરૂરથી પહોંચી જઇશું
ઉત્તર-પૂર્વનાં રાજ્યો માટે કેન્દ્ર સરકાર ભલે નાણાંની રેલમછેલ કરતી હોય પણ અહીં ભ્રષ્ટાચાર એટલી હદે છે કે અમુક ઠેકાણે તો માત્ર કાગળ પર જ રસ્તા બને છે અને કાગળ પર જ એનું દર વર્ષે સમારકામ થાય છે અને જો કોઇ આ અંગે ફરિયાદ કરે તો તેનું મૃત્યુ પણ નિ‌શ્ચિ‌ત જ છે. આથી જ ગયા વર્ષે અરુણાચલના લોકોએ રસ્તા સુધારવા માટે આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી. જોકે હાલમાં બી.આર.ઓ. - બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન આ રસ્તાઓનું પુરજોશમાં સમારકામ કરી રહ્યું છે, એટલે વચ્ચે વચ્ચે ક્યાંક સારો રસ્તો પણ આવે.
અરુણાચલ સરહદી રાજ્ય છે, જેની ઉત્તરે ૧૦૮૦ કિ.મી.ની ચીન અને પ‌શ્ચિ‌મે ૧૬૦ કિ.મી.ની ભુતાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ છે. એટલે લશ્કરી વાહનો તથા સિપાઇઓના કોન્વોય આ રસ્તેથી જ સરહદ સુધી પહોંચે છે. આસામમાં પણ આંતરિક પરિસ્થિતિ સારી તો નથી જ આથી રસ્તા પર થોડા થોડા અંતરે લશ્કરના સશસ્ત્ર જવાનો તહેનાત છે. હું ચાલુ ગાડીએ ફોટા પાડી રહી હતી. થોડેક આગળ ગયા ત્યાં અમારી જીપ એક ચેક-પોસ્ટ પર અટકાવી અને મને કહેવામાં આવ્યું, તમે ફોટા પાડો પણ લશ્કરના જવાનો કે કોન્વોયના ફોટા નહીં પાડતા. રસ્તાની બંને બાજુએ ડાંગરનાં લીલાછમ ખેતરો અને દૂર દેખાતા વાદળથી ઘેરાયેલા ભૂરા પહાડો.
ખૂબ જ રળિયામણું દૃશ્ય લાગતું હતું. ખેતરોમાં ચાડિયા મૂકેલા હતા. એક ઠેકાણે, ચાડિયાને પણ વરસાદથી બચાવવા તેના પર છત્રી બાંધેલી હતી રસ્તામાં વાહનોની અવરજવર ખાસ ન હતી, પણ રસ્તા પહોળા થઇ રહ્યા હોવાથી, રસ્તા પર મજૂરો કામ કરતા હતા અને એથી અમે મંથર ગતિથી બ્રહ્મપુત્ર નદીનાં મેદાનોના વિસ્તારમાં આગળ વધી રહ્યા હતા. એક સમયે અહીં જંગલો હતાં, જેના વૃક્ષો હવે કપાઇ ગયાં છે અને રસ્તાની ધારે બચી ગયેલાં વાંસ અને શીમળાનાં વિશાળ વૃક્ષો-એક સમયે અહીં કેટલું ગાઢ જંગલ હશે તેની સાક્ષી પૂરે છે.
લગભગ ૨પ કિ.મી. આગળ ગયા ત્યાં આસામ-અરુણાચલ રાજ્ય વચ્ચેની સરહદ આવી. આ સ્થળનું નામ છે, ભાલુંકપોંગ કે જે પ‌શ્ચિ‌મ કામેંગ જિલ્લામાં આવેલું છે. અમારી જીપ ચોકપોસ્ટ પાસે ઊભી રહી. અહીં નાનકડું બજાર હતું. એક દુકાનમાં ઘણાં બધાં લીંબુ વેચાતાં હતાં. બે-ત્રણ નાની હોટલ કે જ્યાં ચા-નાસ્તો મળતાં હતાં અને એકાદ સ્થળે રહેવાની સગવડ પણ હતી. અહીંનાં મકાનો પર બૌદ્ધ ધજાઓ લહેરાઇ રહી હતી.(ક્રમશ:)
યાત્રા, ડો. રાજલ ઠાકર