તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વુમન કાર્ડ : વિશેષતા છે, વિવશતા નહીં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 
મિસ્ટર જોહર એક સ્ત્રીને ‘સ્ત્રી’ હોવા માટેની શરમ શા માટે મહેસૂસ કરાવે છે? મારે તો ‘વુમન કાર્ડ’ કે ‘વિક્ટિમ કાર્ડ’ની કોઈ જરૂર નથી પડી, પરંતુ આ પ્રકારના શબ્દપ્રયોગ દરેક સંવેદનશીલ અને જરૂરિયાતમંદ  મહિલા માટે નિરાશાજનક છે. વુમન કાર્ડ હોવાને કારણે કોઈ સ્ત્રી ઓલિમ્પિકના મેડલ કે નેશનલ એવોર્ડ નથી લાવી શકવાની. અરે! હું તો ગળાકાપ સ્પર્ધામાં મારી બદમાશીનું કાર્ડ પણ વાપરી શકું. અહીં વાત મેં કયું કાર્ડ વાપર્યું કે નથી વાપર્યું એની નથી, સ્ત્રીની જાતિ(જેન્ડર)ના અપમાનની છે. મારી લડત વ્યક્તિ કરણ જોહર સાથે નહીં, પણ ભેદભાવની માનસિકતા સાથે છે.’

‘કોફી વિથ કરણ’માં આજ સુધી ઘણી બધી ચર્ચા-ચાંપલાશ-ચોવટ આપણે સાંભળી છે. કરણ એના વાક્્ચાતુર્ય માટે જાણીતો અને ચહીતો છે, પણ હમણાં બન્યું એવું કે સામે છેડે જે બેઠેલી એ આત્મવિશ્વાસ અને વૈચારિક સ્પષ્ટતા સાથે જાણીતી અને બિન્ધાસ્તથી માંડીને જેવાં વિશેષણ સાથે જોડાતી કંગના હતી. શો દરમિયાન થયેલ શબ્દો અને વિચારોની જુગલબંધીનો રિક્ટર સ્કેલ સહેજ વધુ હોવાથી સ્ટુડિયોની ધરતીમાં કંપન આવ્યું અને ત્યાર બાદ કરણના મનમાં આફ્ટર શોક શરૂ થયા.

કંગના રનૌત પર સ્ત્રી હોવાનો લાભ ઉઠાવવાનો આક્ષેપ મૂક્યો, કંગનાએ કરણને પડકારી સ્ત્રી શબ્દનું પ્રતિનિધિત્વ કર્યું. અરબી-અમેરિકન કવયિત્રી મોહજા કાફે સ્ત્રીઓની ભાષા વિશે સરસ વાત કરેલી. સ્ત્રીઓ બે પ્રકારની ભાષા બોલે છે. એક - પુરુષની ભાષા અને બીજી - મૌન સહનશીલતાની ભાષા. અમુક સ્ત્રી ત્રીજી ભાષા બોલે છે. રાણી એટલે કે ક્વીનની ભાષા. કંગનાની ભાષા ‘ક્વીન’ની ભાષા છે. કંગનાનો રોષ એવી મહિલાઓ માટે છે જેને વુમન કાર્ડ બતાવ્યા વગર છૂટકો નથી.

ખરેખર તો સ્ત્રી પર કાયમ એ આરોપ રહ્યો છે કે સ્ત્રી તેના સ્ત્રી હોવાનો  કાયમ લાભ ઉઠાવે છે. ખાસ કરીને પડકારજનક કહી શકાય તેવા અઘરા કામમાં સ્ત્રી તેનું વુમન કાર્ડ બતાવીને પલાયનવાદી બને છે તેવું બહુમતી પુરુષવર્ગનું માનવું છે. હિલેરી ક્લિન્ટનના વોટ માટે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે પણ બિલકુલ આ જ દોષારોપણ અને તારણ કાઢેલું. હિલેરી પાસે પાંચ ટકા વોટ વુમન કાર્ડના છે. ટ્રમ્પે જીતવા માટે કયું કાર્ડ વટાવ્યું એ તો આખું વિશ્વ જાણે છે. જો કંગના વુમન કાર્ડ રમે છે તો કરન ‘મેન કાર્ડ’ વાપરે છે એમ પણ કહી શકાયને?

વુમન કાર્ડ એટલે શું? સામાન્ય રીતે પુરુષો સ્ત્રીની બાયોલોજિકલ જરૂરિયાતને પણ મશ્કરીનું સાધન બનાવતા હોય છે. ઘણા બધા પુરુષોને બોલતા સાંભળ્યા છે કે, ‘કાશ આપણે માસિક હોવાનું બહાનું કાઢી શકતા હોત?કાશ આપણે પ્રેગ્નન્ટ થઈને આટલી બધી રજા ભોગવી શકતા હોત? ભરચક બસમાં જગ્યા મેળવી શકતા હોત? સ્ત્રીઓની જેમ વુમન કાર્ડ બતાવીને સહાનુભૂતિ ભેગી કરી શકતા હોત!’ ક્યારેક હાડમારી, વધારે કામ અને સતત અપેક્ષાઓ રાખતા સમાજને કારણે પુરુષોને સ્ત્રીઓની આવી ઈર્ષ્યા થાય તે સાહજિક છે, પરંતુ વુમન કાર્ડ રમવા માટે ‘વુમન’ બનવું પડે, એની તૈયારી છે?

આઠ-દસ કલાકની નોકરી દરમિયાન સતત રક્તસ્ત્રાવ થતો હોય અને જે તે સ્થળે બાથરૂમની પણ વ્યવસ્થા ન હોય એ મૂંઝવણ અનુભવી છે? ભૂખથી બુમરાણ મચાવતાં શિશુને સ્તનપાન કરાવવા માટે ‘યોગ્ય’ જગ્યા શોધતી હાંફળીફાંફળી સ્ત્રી જોઈ છે? નાનપણથી દરેક વાતમાં જેણે માત્ર ‘ના’ સાંભળી છે, જીભ હોવા છતાં બોલી ન શકતી હોય એવી સ્ત્રી જાહેર સ્થળોએ પુરુષોને જોઈને જ્યારે સતત સાડલાનો છેડો સરખો કરે ત્યારે જો એ પોતાનું વુમન કાર્ડ બતાવીને સલામત જગ્યા શોધે તો એ ખોટું છે?

સ્ત્રી હોવાની વાત આગળ મૂકીને કોઈ ખજાનો નથી લૂંટી લેવાનો, માત્ર ક્યારેક શારીરિક કે માનસિક નબળાઈને કારણે, ક્યારેક મજબૂરન એક સ્ત્રીને વિશેષ સવલતો લેવી પડે છે. આપણા દેશમાં નેતા-અભિનેતા વીઆઈપી કાર્ડ બતાવી શકે અથવા કહો કે વટાવી શકે, પણ એક સફળ સ્ત્રી જ્યારે ટોચ પર જવાનું શરૂ કરે ત્યારે એના ‘કાર્ડ’ અને ‘કેરેક્ટર’ના તપાસ કાર્યક્રમો શરૂ થાય. સવાલ એ ઊભો થાય છે કે આપણને કોઈ દુખિયારી કે અબલા કાર્ડ આપી ઉપકાર કરે એ સ્વીકાર્ય છે?
 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો