તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્ત્રીનાં નવાં ઘરેણાં-ઝનૂન, જોખમ અને સાહસિકતા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્યા રેક જમણી બાજુ ઉત્તુંગ ગિરિશિખરો દેખાતાં ને ડાબી બાજુ પૃથ્વીનું પેટાળ આરપાર દેખાતું, દરેક વળાંક એ માર્ગના અંતિમ બિંદુ જેવા દેખાતા, એવા દુર્ગમ રસ્તે ભારત બેન્ઝની ત્રણ ટ્રક તેના લક્ષ તરફ આગળ ધપી રહી છે. રસ્તા જોઈને સૌથી પહેલી સલામ ટ્રક ડ્રાઇવરને કરવાનું મન થાય. હિસ્ટ્રી ચેનલના ‘આઇસ રોડ ટ્રકર’ શોના ત્રણ ચાલક વરુણ શર્મા, સંગ્રામ સિંહ સાથે સલામીની હકદાર છે એક સ્ત્રી-મંદિરા બેદી “ક્યોંકી સાંસ ભી કભી બહુ થી’ જેવી સામાજિક સિરિયલની મંદિરાને અભિનય પછી ક્રિકેટમાં જોઈ-સાંભળી ત્યારે ક્રિકેટના ગ્લેમર વિશે ઘણાનાં ભવાં ચડ્યાં.
એક એક્ટ્રેસને શું ક્રિકેટ આવડે? પણ એકાદ બે મેચમાં રૂપકડા તૈયાર થઈને હાજરી પુરાવવા આવેલી અદાકારા એ નહોતી. એક રમતને રમતવાત ના લેતાં સંપૂર્ણ અભ્યાસ સાથે આઈપીએલમાં પોતાનો કિરદાર નિભાવે છે. એ જ મંદિરા “આઇસ રોડ ટ્રકર’માં ચીકની-ચૂપની એન્કર તરીકે નહીં, પણ સ્ત્રી માટે લગભગ અશક્ય લાગતા કામમાં ઝંપલાવે છે. લેહ-મનાલીના ઘાટી વાળા રસ્તે બારાલાચલામાં મોસમ અને રસ્તા એકબીજાને જ્યારે હંફાવતા હોય ત્યારે એ દરેક ચુનોતીનો સામનો કરી સાચે જ ભયાનક રાતના ડરને એણે પાર કર્યો, પર્વતીય શિખરો વટાવીને 16000 ફૂટ ઊંચાઈ પર લાચુન્ગલા પર જતી મંદિરા રોજ ભયને ‘બાય’ કહી આગળ વધે છે.

કાતિલ ઠંડીમાં પહાડી પ્રદેશના સાવ અંતરિયાળ વિસ્તારના કસ્બા તેમજ ઊંચાઈએ આવેલા આર્મી સ્ટેશન જેવા પૃથ્વીની પેલે પાર ક્ષિતિજે દેખાતા વિસ્તારમાં માલ સામાન પહોંચાડવાનું કામ આઇસ રોડ ટ્રકરની ટીમ કરે છે. અઢાર હજારથી વધુ ફીટ ઊંચે જતાં ટ્રકરની હિંમત અને તબિયત સાથ આપે એ ખાસ્સું અઘરું. હિમાલિયન રેન્જીસની અડીખમ પહાડી વચ્ચે જ્યાં સતત જીવન અને મૃત્યુ સાક્ષાત્ તડકા-છાંયા જેમ સંતાકૂકડી રમતાં હોય ત્યાં હિંમત અને ભયની પણ સંતાકૂકડી ચાલતી હોય. રિઆલિટી શોના અમુક તાયફા બાદ કરીએ તો દરેક ટ્રકર સાથે જોડાયેલ ગોફ રો(કેમેરા) ઘણું કહી જાય છે.

ખતરનાક મુસાફરીમાં મિસ બેદી હસતાં હસતાં એક પછી એક પડકારનો સામનો કરે છે. ટીવી સિરિયલની અભિનેત્રી પાસેથી સાડી ને ઘરેણાં જોવા સિવાય કંઈક વધુ મળી શકે એમ છે. સામાન્ય રીતે સ્ત્રી સાથે સાહસ નામનો શબ્દ જોડાય છે ત્યારે ભય ભાગે છે. સાહસ થકી વિચારોનું ક્ષેત્રફળ પણ વધે છે અને જાત પ્રત્યેની કટીબદ્ધતા વધારે છે. દરેક કઠિન પડકારનો સામનો કરવાની તાકાત આપે છે. એ નિયત લક્ષ ઉપરાંત વિવિધ અનુભવોનું પેકેજ પણ આપે છે.
જે જીવનની વાસ્તવિકતા સાથે જોડાયેલ અજાણ્યા પ્રદેશ તરીકે ઓળખાતા મૃત્યુને વિઝિબલ મોડમાં જોઈ શકે છે અને સમજીને જીવનનો આનંદ લઈ શકે છે. માત્ર એક ડગલું પાછળ ભરીને પ્રકૃતિથી માંડીને પોતાની જાતનાં ગૂઢ રહસ્યો જાણવાની તક મળે છે. સમય, સ્થળ, વાતાવરણના હાથમાં હાથ નાખીને સાવ અજાણી રાહને આલિંગન આપી શકાય છે. સાહસિકતા ખરેખર કોઈ નાત, જાત, સીમા કે વિસ્તારની મોહતાજ નથી, એની માટેની સૌથી પહેલી શરતનું નામ છે ઝનૂન. ઉત્કટતા દરેક અસલામતી અને ભયને ઓળંગી દરેક મુસાફરીને આસાન બનાવે છે.

સાહસ જ્યારે સ્ત્રી સાથે જોડાઈ જાય છે ત્યારે એનું જીવન પોતાની માટે ટટ્ટાર અને અન્ય સ્ત્રી માટે પથદર્શક બની રહે છે. સામાન્ય રીતે પુરુષ માટે અપેક્ષિત પ્રવૃત્તિઓ સ્ત્રી કરી બતાવે છે ત્યારે એને સમાજ દ્વારા પ્રશંસા સાથે જબરાઈની ફ્રી ગિફ્ટ આપવામાં આવે છે. કમસીન કાયા, કામણગારી કન્યા માત્ર બનીઠનીને શોભામાં અભિવૃદ્ધિ કરવા માટે નથી, એનામાં રહેલ દૃઢ મનોબળ એના દરેક અંગને સમયાંતરે ઓઇલિંગ કરી શકે છે.
ભય માટે રોગપ્રતિકારક શક્તિ વધારવાની સર્વોત્તમ રસી એટલે પડકાર. આથી જ છોકરીની જાત સાથે જોડાયેલ dont’sનું લિસ્ટ ધીમે ધીમે ઓછું કરવા જેવું છે. પુરુષ માટે સિક્સ પેકની અપેક્ષા રાખતા આપણે સ્ત્રી માટે વિશ્વવ્યાપી વાઇટલ સ્ટેસ્ટિક્સ- સેક્સી દેખાવ પર અટકી જઈએ છીએ. આથી જ છોકરીના ઉછેરમાં સાહસિકતાના પાઠ જવલ્લે જ જોવા મળે છે. દીકરીમાં ભયનો ઉછેર કરવાને બદલે સાહસિકતાની ગળથૂથી પાવાનો સમય આવી ગયો છે.
અન્ય સમાચારો પણ છે...