ગર્ભ ન રહેતો હોય તો સ્ત્રીમાં જ ખામી હોય?
-પ્રશ્ન : મારી પ્રથમ પ્રસૂતિ વખતે દીકરીનો જન્મ થયો. હવે અત્યારે મને બીજો મહિનો થયો છે. મારા પતિને આ સ્થિતિમાં પણ સાથ માણવા જોઈએ છે. મારાથી ક્યારેક સહન નથી થતું છતાં હું એમને સાથ આપું છું. શું આનાથી મારા ગર્ભસ્થ શિશુ પર કંઈ અસર થશે ખરી?
ઉત્તર : બને ત્યાં સુધી ગર્ભાવસ્થા દરમિયાન સાથ માણવાની ઇચ્છા પર થોડો સંયમ રાખવામાં આવે તો તે પત્ની અને ગર્ભસ્થ શિશુ માટે સારું રહે છે. આમ છતાં તમે તમારા ગાયનેકોલોજિસ્ટની સલાહ લઈ જુઓ અને જો તમારા પતિને એ વિના ચાલતું જ ન હોય તો તમારે કઈ પોઝિશન અપનાવવી તે પણ પૂછી જોવું વધારે હિતાવહ રહેશે.
-પ્રશ્ન : મને એક વાર મિસકેરેજ થઈ ગયું હતું. એ પછી ત્રણ વર્ષ વીતી જવા છતાં મને ગર્ભ રહેતો નથી. મારા પતિ કહે છે કે મારામાં કંઈ ખામી છે અને તેથી મને ગર્ભ નથી રહેતો. જો એવું જ હોય તો મને મિસકેરેજ કેવી રીતે થાય? મારે શું કરવું?
ઉત્તર : તમારી દલીલ થોડાઘણા અંશે સાચી છે કે જો તમારામાં ખામી હોય તો મિસકેરેજ કેવી રીતે થાય? પરંતુ આવું થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. શક્ય છે કે તમને માસિકસ્રાવ એટલા સમય સુધી ન આવ્યો હોય અને તમને લાગ્યું હોય કે મિસકેેરેજ થયું છે. ખોટી અટકળો બાંધવાને બદલે તમે ગાયનેકોલોજિસ્ટને બતાવી જુઓ અને તમારા પતિને પણ કહો કે તેઓ કોઈ સેક્સોલોજિસ્ટને બતાવે. સંતાનપ્રાપ્તિ માટે પતિ પણ પત્ની જેટલા જ જવાબદાર હોય છે.
-પ્રશ્ન : મારી એક બહેનપણીએ એક વાર મારી સાથે પતિ-પત્ની સાથ માણતાં હોય એ રીતે સાથ માણ્યો હતો. મને ત્યારે તો ખાસ ગમ્યું નહોતું, પણ હવે મને ઇચ્છા થાય છે કે હું મારી બહેનપણી સાથે એવી રીતે વર્તું. મારે શું કરવું? મને આવી ઇચ્છા કેમ થતી હશે? આનો કોઈ ઉપાય ખરો?
ઉત્તર : અમુક ઉંમર બાદ જાતીય સ્રાવ સક્રિય થવાથી જાતીય ઇચ્છા જાગે છે. એવામાં જો તમે કહ્યું એમ કોઈ પણ વ્યક્તિ તમને એવી રીતે સ્પર્શ કરે કે ઉત્તેજિત કરી તમારામાં આવેગ ઉત્પન્ન કરે તો સ્વાભાવિક રીતે જ વ્યક્તિ એ આવેગમાં વહી જાય છે. તમારી સાથે પણ આવું જ બન્યું છે. તમને જે શરૂઆતમાં નહોતું ગમ્યું તે હવે તમને ઇચ્છા જાગવાથી ગમવા લાગ્યું છે, પણ આપણો સમાજ હજી એટલી ઝડપથી આ સંબંધોને સ્વીકારતો નથી. માટે તમે યોગ્ય પાત્ર શોધી લગ્ન કરી લો તે સારું રહેશે.