‘તુમ એક ગોરખધંધા હો’થી ‘આગે આગે ગોરખ જાગે’ સુધી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘તુમ એક ગોરખધંધા હો’થી ‘આગે આગે ગોરખ જાગે’ સુધી
રાણી મૈનાકિનીના મોહમાં લપેટાયેલા મત્સ્યેન્દ્રનાથને માયાથી મુક્ત કરાવવાની ગોરખનાથની વાર્તા હમણાં બધા યાદ કરે છે. આખા ભારતને ગોરખનાથ માત્ર આ વાર્તાથી જ યાદ છે, ગોરખનાથનું મૂળ પ્રદાન ભુલાઈ ગયું છે.  ગોરખનાથ, જ્યારથી ગોરખપુરના યોગી આદિત્યનાથ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બન્યા છે ત્યારથી આ નામ ફરી ચર્ચામાં આવ્યું છે. ચેત મછંદર ગોરખ આયા અને આગે આગે ગોરખ જાગેની ચર્ચા થઈ રહી છે, પણ માત્ર આટલું જ ચર્ચાઈ રહ્યું છે, વધુ કશું નહીં અને યાદ છે આગે આગે ગોરખ જાગે અેવી કહેવત તથા ગોરખધંધા.

આપણે પ્રદાન ભૂલી જઈએ છીએ, વાર્તાઓ યાદ રાખી લઈએ છીએ. નવ નાથ અને ચોર્યાસી સિદ્ધ એવું યાદ રાખીએ છીએ અને એની સાથે ગિરનારને પણ યાદ કરીએ છીએ, પણ એક એવા વિકટ સમયમાં, જ્યારે ભારત યોગને ભૂલી ગયું હતું, અંધકાર યુગ જેવી સ્થિતિ હતી ત્યારે જેમણે યોગને ફરી સજીવન કર્યો, ફરી અેકસૂત્રે બાંધ્યો એ ગોરખનાથને ભૂલી ગયા છીએ. આપણે ગોરખનાથ જ નહીં, નાથ સંપ્રદાયના બધા જ યોગીઓને હઠયોગી તરીકે જ ઓળખીએ છીએ અને હઠયોગને આપણે નેગેટિવ ગણી લીધો છે.

આપણે પતંજલિને યાદ રાખી લીધા છે, તેમના યોગસૂત્રને કારણે./અદ્્ભુત કામ કર્યું છે ઋષિ પતંજલિએ, પરંતુ જ્યારે તમે પતંજલિ યોગસૂત્ર વાંચો ત્યારે ખ્યાલ આવે છે કે તેમણે સૂત્ર આપ્યા પણ વિધિ બહુ બતાવી નથી. તે પછી સમય વીતતાં યોગ અને તેની વિધિ, આસન વગેરે ભુલાતાં ગયાં. ગોરખનાથે યોગનાં સૂત્રોને ફરી વખત મૂર્તરૂપ આપ્યું. એમના સમયમાં ભારતમાં યોગ જ નહીં, હિન્દુધર્મ પણ વિખરાઈ રહ્યો હતો. તેમણે બંનેને ફરીથી જનસામાન્ય સાથે જોડી દીધા. સંત તુલસીદાસે કહ્યું છે, ‘ગોરખ જગાયો યોગ.’

ગોરખનાથનો અનોખો પરિચય ઓશોએ ‘મરો હે જોગી મરો’માં કરાવ્યો છે. જગતભરના દાર્શનિકોને લોકો સમક્ષ મૂકવાનું અદ્વિતીય કામ  ઓશોએ કર્યું છે. તેમણે ગોરખનાથ વિશે કહ્યું છેે ગોરખનાથે જેટલા અાવિષ્કાર કર્યા મનુષ્યની ભીતર આંતરખોજ માટે એટલા કદાચ કોઈએ નથી કર્યા. તેમણે એટલી વિધિઓ બતાવી કે વિધિઓના હિસાબે વિચારીએ તો ગોરખ સૌથી મોટા સંશોધક છે. મનુષ્યના અંતરમનમાં જવા માટેનાં એટલાં દ્વાર તોડ્યાં કે લોકો બારણાંઅોમાં ગૂંચવાઈ ગયા. એટલે એક શબ્દ ચાલી પડ્યો છે, ‘ગોરખધંધા’.

ગોરખધંધા શબ્દ આપણે હવે ખરાબ ધંધાના પર્યાય તરીકે વાપરીઅે છીએ. હકીકતમાં ગોરખધંધાનો અર્થ બહુ જ અલગ છે. મૂળ શબ્દ પણ ગોરખધંધા નહીં, ગોરખધંદા છે. એવું તાળું, જે કોઈ ચાવીથી ખૂલે નહીં. એવો કોયડો જેનો કોઈ ઉકેલ જ ન હોય. નુસરત ફતેહ અલી ખાને નાઝ ખિયાલવીની એક સૂફી કવ્વાલી અદ્્ભુત ગાઈ છે. 30 મિનિટથી પણ વધુ લાંબી આ કવ્વાલીમાં ઈશ્વરને એક ઉકેલી ન શકાય એવો કોયડો ગણાવાયા છે.

કભી યહાં ઢૂંઢા કભી વહાં ઢૂંઢા, કભી વહાં પહુંચા,
તુમ્હારી દીદ કે ખાતિર કહાં કહાં પહુંચા,

ગરીબ મિટ ગયે, પામાલ હો ગયે લેકિન,
કિસી તલક ન તેરા આજ તક નિશાન પહુંચા.

હું કોણ છું? ઈશ્વર કોણ છે? આ જીવનનો ઉદેશ શું છે? એવા પ્રશ્નો જો તમને થતા હોય તો આ કવ્વાલી સાંભળજો. ઇન્ટરનેટ પર તરત મળી જશે. શબ્દો જેટલા અદ્્ભૂત છે. એટલી જ મજેદાર રીતે એને ગવાઈ પણ છે. તુજે દેર ઓ હરમ મેં મૈંને ઢૂંઢા તૂ નહીં મિલતા. મગર તશરીફ ફરમા તુઝે અપને દિલ મેં દેખા હૈ. તુમ એક ગોરખધંધા હો.

ફરીથી ગોરખનાથ પર અાવીએ. માત્ર યોગને પુન:જીવિત કરવાનું જ કામ તેમણે નથી કર્યું. શંકરાચાર્યની જેમ ભારતભરમાં તેમણે હિન્દુધર્મને પુન: જાગૃત કરવાનું ભગીરથ કામ કર્યું છે અને એટલે જ અાખા દેશમાં ગોરખનાથ સાથે જોડાયેલી વાર્તાઓ, કહેવતો, સ્થળો વગેરે મળી આવે છે.  આપણને ગુજરાતીઓને અને અમને જૂનાગઢીઓને તો ગોરખનાથ  સાવ પોતિકા લાગે. ગિરનાર પર હજી એની આહલેક ગુંજ્યા કરે છે. આદેશ. અલખ નિરંજન.

ગોરખટૂક હોય, ગોરખ શિખર હોય કે સિદ્ધ ધૂણો, ગોરખનાથના ચીપિયાનો ધ્વની હજી ગાય છે, ચેત મછંદર ગોરખ આયો, જાગ મછંદર ગોરખ  આયો. ના કોઇ બારૂ ના બંદર ચેત મછંદર. આપ તરાવો, આપ સમંદર ચેત મછંદર, નિરખે તૂ વો તો હૈ નિંદર ચેત મછંદર. ધૂણી ધાખે હૈ અંદર ચેત મછંદર. ઠામ રૂપિણી દીખે દુનિયા, દીખે રૂપ અપારા. સપના જગ લાગે અતિ પ્યારા ચેત મછંદર.

નાથ સંપ્રદાય ગોરખનાથ કરતાં ઘણો પુરાતન છે, પણ ગોરખનાથે તેને નવું રૂપ આપ્યું. હઠયોગને તાંત્રિક જેવી વિધિ ગણવાની માન્યતા તેમણે તોડી. પોતાના સમયમાં ગોરખનાથ હિન્દુ ધર્મનું સર્વોચ્ચ નેતૃત્વ હતા. તેમના પછી થઈ ગયેલા સંતોમાં ગોરખનાથની છાયા સ્પષ્ટ દેખાય છે. કબીર પર પણ. ગોરખનાથનું સૌથી મહત્ત્વનું કામ માનવ મનના તળિયા સુધી પહોંચીને સાધના દ્વારા સર્વોચ્ચ પદ પ્રાપ્તિ માટેના રસ્તા બતાવવાનું. ધ્યાનની વિધિને તેમણે કેટલી સરળ બનાવી હશે કે કહ્યું, ‘ હસિબા, ખેલીબા ધરિબા ધ્યાનમ્.’ મસ્ત સૂત્ર છે. ધ્યાનમાં યત્ન ન હોય. આયાસ ન હોય.

હસતા રમતા લાગી જાય તે ધ્યાન અને જો આયાસપૂર્વક ધ્યાન લગાવવું પડતું હોય તો તે અભ્યાસ છે, પ્રયત્ન છે, મનને દબાવીને ઊભી કરાયેલી સ્થિતિ છે. બધું જ છે, માત્ર ધ્યાન નથી. સહજ હોય.
 ‘આસન બૈસિબા, પવન નિરોધિબા,
થાન મૌત સબ ધંધા.

વદતં ગોરખનાથ આત્મા વિચારત...’
 ગુરુ ગોરખનાથે કહ્યું છે આસન બાંધીને બેસવું, શ્વાસને નિયંત્રિત કરવો, એક સ્થાન પર બેસી રહેવું, મૌન રહેવું એ બધું તો ધંધો છેે. ભક્તો આવશે. વાહ વાહ થશે, પણ એ બધું વ્યર્થ છે. આત્મા અંગે વિચાર. જે ઈશ્વર અંદર બેઠો છે તે અંગે વિચાર. હું કોણ છું એ વિચાર. જીવ અને શિવનો સંબંધ ગોરખનાથ બહુ સરળ ભાષામાં સ્પષ્ટ કરે છે. તેમની વાણીમાં થોડો કટાક્ષ છે. થોડી આકરી તેમની વાણી, પણ સીધી ચોટ કરનાર છે.

‘ યહુ મન શક્તિ, યહુ મન શિવ,
યહુ મન પાંચ તત્ત્વ કા જીવ,

યહુ મન લે જે ઉનમન રહે,
તો તીનોં લોક કી બાત કહૈ,

 દાબી ન મારિબા, ખાલી ન રાખિબા’
 આ મન જ શક્તિ અને શિવ છે. આ મન જ પાંચ તત્ત્વનો જીવ છે. એવું મન રાખ જે ઉન્મન હોય. અ-મન હોય. શૂન્ય મન હોય. જાણે મન છે જ નહીં. તો ત્રણે લોકની વાત મન કરવા માંડશે. એ મનને દબાવીને ન રાખીશ. અેને ખાલી ન રાખીશ. મનને પ્રયત્નપૂર્વક દબાવવું નહીં અને ખાલી પણ ન રાખવું.
અને આ તો હાઇટ છે :

‘ મરો હે જોગી મરો, મરણ હૈ મીઠા.
તિસ મરની મરો જીસ મરની મરી ગોરખ દીઠા.’
 હે જોગી મરી જાઓ. મરણ છે મીઠું. શૂન્ય થઈ જાઓ. દેહના મૃત્યુની વાત નથી. અંદરથી મરી જવાની વાત છે. અહંને ઓગાળી નાખો. અહં શૂન્ય થઈ જાઓ. ખાલી થઈ જશો તો ભરાશો. એવા ખાલી થઈ જાઓ જેવા ગોરખનાથ થયા હતા.

‘કથત ગોરખ મુક્તિ લે મનવા, મારી લૈ રે મન દ્રોહી’
 જો મુક્તિ જોઈતી હોય તો આ મનને કાબૂમાં રાખતા શીખ. અહીં જાણે ભગવદ્ ગીતા પડઘાય છે : ‘મન એવ કારણ બંધ-મોક્ષર્યો બંધન અને મુક્તિ બંનેેનું કારણ એકમાત્ર મન છે. મન જ બંધનમાં બાંધે છે અને એ મન જ બંધનમાંથી છોડાવે છે. ગોરખનાથ કહે છે, દ્રોહી છે મન. દગો કરનાર છે, અેને નિયંત્રણમાં રાખો. મનને આડશો ઊભી કરવાની આદત છે. એ મનને જીતો તો જગ જીતી ગયા.

ગોરખનાથ બહુ મીઠા છે, પણ અહીં અટકીએ. ગોરખનાથને તેના પ્રદાન મુજબ ઓળખવાનો આ પ્રયત્ન હતો, જેમાં અધ્યાત્મના બાગમાં લટાર મરાઈ ગઈ. અલખ નિરંજન.
છેલ્લો ઘા : અવધુ મન ચંગા તો કથરોટ મેં ગંગા.
            - ગોરખનાથ
 
 
અન્ય સમાચારો પણ છે...