તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માનવીની ભવાઈ અને અરુંધતી ભટ્ટાચાર્ય

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માનવીની ભવાઈ  અને અરુંધતી ભટ્ટાચાર્ય
વિજય માલ્યાની લોનના સાત હજાર કરોડ જતા કરનાર સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનાં ચેરમેન અરુંધતી રોયે ઉત્તર પ્રદેશમાં ખેડૂતોની લોન માફ કરવાનાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં વચનનો વિરોધ કર્યો છે. હોંશે હોંશે માલ્યાની લોન  રાઇટ-ઓફ કરનાર આ બહેનને થોડા રૂપિયાની લોન માટે આત્મહત્યા કરવા સુધીનાં પગલાં ભરનાર ખેડૂતો પ્રત્યે સહાનુભૂતિ જાગતી નથી. તવંગરોને કુર્નિશ બજાવવાની અને ગરીબોને લાત મારવાની માનસિકતા હજી ઉચ્ચ વર્ગમાંથી જતી નથી. અરુંધતી બહેન અને અન્ય બેન્કો માલ્યા જેવી સરભરા ખેડૂતોની કરે એવી અપેક્ષા નથી, પણ થોડી માનવતા તો રાખો. ખેડૂતોની પીડા વિશે થોડું વિચારો તો ખરા.

ખેડૂતોની લોન માફ કરવાની વાત આવે એટલે માત્ર બેન્કો જ નહીં, બીજા ઘણાંના પેટમાં દુખવા માંડે છે. લોન માફી સરકાર આપે છે તો પછી બેન્કોને શું વાંધો હોવો જોઈએ? ખેડૂત સહુથી વલ્નરેબલ લોન લેનાર હોય છે. બેન્કોને આ ઢીલા-પોચા ગ્રાહકો ગુમાવવા પડે એની તકલીફ છે. તેઓ  આલિયા-માલિયાની અબજો રૂપિયાની લોન માંડવાળ કરવા દોડીને કોર્ટમાં સોગંદનામાં કરી દે છે, તેની મિલકતો પર જપ્તી લાવવામાં થાય અેટલો વિલંબ કરે છે.

ફરિયાદ નોંધાવવામાં પણ આળસ કરે છે. ક્યારેક તો એવું લાગે કે બેન્કનાં ઋણ નાણાં પાછાં લેવામાં જ રસ નથી. આ જ બેન્કો ખેડૂતોની લોન વસૂલવામાં એવી કડકાઈ અપનાવે છે જાણે ખેડૂત જમીન વેચીને વિદેશ ભાગી જવાનો હોય. હજી સુધી કોઈ ખેડૂત ડિફોલ્ટર બનીને વિદેશ ભાગી ગયો નથી. બેન્કના પૈસાથી વિદેશમાં મહેલો ખરીદ્યા હોય એવો ખેડૂત બતાવો. જગતનો તાત તો બિચારો હદ થઈ જાય ત્યાં સુધી પેટે પાટા બાંધીને ખેંચતો રહે છે અને જ્યારે કોઈ માર્ગ ન રહે ત્યારે જે કૂવાના સહારે જીવન ગુજાર્યું હોય તે જ કૂવામાં ઝંપલાવે છે અથવા ખેતરના ખૂણાના જે ઝાડના છાંયે વિસામો કર્યો હોય તેની ડાળીએ લટકી જાય છે.

અથવા ખેતરમાં જ વાપરવાની જંતુનાશક દવા પીને લાંબો થઈ જાય છે. ખેડૂત આત્મહત્યા કરે એટલેે મામલતદારથી માંડીને મંત્રી સુધીના એ  સાબિત કરવા મંડી પડે છે કે કિસાને દેવાને કારણે આપઘાત નથી કર્યો, અંગત કારણસર કર્યો છે. ખેડૂતની આત્મહત્યાને હવે હળવાશથી લેવાનો ટ્રેન્ડ થઈ ગયો છે. ઘણા છાને ખૂણે એવું પણ કહેતાં અચકાતા નથી કે ખેડૂતે દેવું કરવંુ જ શા માટે જોઈએ. વાતાવરણ એવું ઊભું કરવાની કોશિશ થાય છે જાણે કૃષિકાર જ દોષિત હોય.

તમે એવો કોઈ ઉદ્યોગપતિ જોયો છે જેણે ઉત્પાદિત કરેલી વસ્તુ પોતે પડતર કિંમતથી પણ ઓછા ભાવે ડીલરને આપતો હોય અને ડીલર્સ પચાસ ગણી કિંમતે વેચતા હોય? ખેડૂતના ખેતરમાં જ્યારે ડુંગળી તૈયાર થાય ત્યારે તેનો ભાવ બે રૂપિયે કિલો થઈ જાય છે. પડતરથી પણ ઓછો ભાવ અને એ જ સમયે લારી પર એ જ ડુંગળી દસ-પંદર રૂપિયે કિલોના ભાવે વેચાતી હોય, થોડા મહિના પછી તો સો રૂપિયે કિલો થઈ જાય.

હમણાં ઉત્તર ગુજરાતના બટાકા રસ્તા પર ફેંકી દેવા પડ્યા એટલો ભાવ ઘટી ગયો હતો, ત્યારે જ બજારમાં બટાકા વીસ રૂપિયે કિલોના ભાવે વેચાતા હતા. થોડા સમય પહેલાં જ ટામેટાંના ભાવ એટલા તૂટી ગયા કે ખેડૂતોને બજાર સુધી લઈ જવાનું પણ પોસાય નહીં. જે દાળના ખેડૂતને પચાસ રૂપિયા પણ નથી મળતા તે જ દાળ બજારમાં બસ્સો રૂપિયે કિલો વેચાય છે. ખેડૂત માલને સાચવી રાખવાની સ્થિતિમાં નથી હોતો એટલે ભાવ વધે ત્યાં સુધી માલ પકડી રાખી શકતો નથી. જે ભાવ આવે તે ભાવે તેણે તો પાક વેચી દેવો પડે છે અને એટલે તેણે લોન લેવી પડે છે, બેન્ક પાસેથી કે પછી શાહુકાર પાસેથી અને તેઓ દેવાંના ચક્રમાં ફસાઈ જાય છે.

તે દર વર્ષે દેવું ભરવા માટે નવી લોન લેતો રહે છે. કિસાન સહકારી મંડળીઓ અને બેન્કો તેમને દર વર્ષે નવી લોન આપે છે, જૂની લોન ભરવા માટે. એમાં એકાદ વર્ષ નબળું પડે, દુષ્કાળ પડે અેટલે ખેડૂતને ખાવાના સાંસા થઈ જાય. એમની તો આકાશી રોજી છે.  ખેડૂતોની ટીકા કરનારા વ્હાઇટ કોલર બાબુ લોગોએ લહેરાતાં ખેતર માત્ર ફોટાઓમાં કે ફિલ્મોમાં જ જોયાં હોય છે. અે હરિયાળીની પાછળનો પરસેવો અેમણે જોયો નથી હોતો. સરસવ (રાઈ)ના પીળી ચાદર ઓઢેલા ખેતરમાં રૂમડાં લેતાં હીરો હિરોઇન રોમાન્ટિક લોગે છે, પણ એ જ રાયડાના ખેતરમાં પાંચ-છ ડિગ્રી ઠંડીમાં પાણી વાળનાર ખેડૂને જ ખબર હોય છે કે કેટલી વીસે સો થાય.

કાળઝાળ તડકામાં જ્યારે શહેરી નાગરિક એસીની ઠંડક શોધતો હોય છે ત્યારે ચામડી તતડાવી નાખતા ઉનાળામાં ખેડૂત ખેતરમાં ઢેફાં ભાંગતો હોય છે. જ્યારે વરસાદમાં આપણે છત્રી શોધતા હોઈઅે છીએ ત્યારે ખેડૂત ભીંજાતા ડીલે વાવણી કરતો હોય છે અને આટલી મજૂરી પછી જ્યારે પાક નિષ્ફળ જાય, ઘરમાં હાંડલાં કુસ્તી કરવા માંડે ત્યારે નાસીપાસ થયેલો ખેડૂત બિચારો શંુ કરે? એવે વખતે આપણે ભણેલાં-ગણેલાંઓ, પોતાની જાતને સમજદાર માનનારાઓ એ બાપડાનો વાંક કાઢીએ છીએ. એની લોન માફ કરવાની વાતનો વિરોધ કરીએ છીએ.

પાંચ-છ ડિગ્રી ઠંડીમાં પાણી વાળનાર ખેડૂતને જ ખબર વરવી વાસ્તવિકતા સમજાય, અરુંધતી ભટ્ટાચાર્યને નહીં. એ બહેને ક્યારેય બરડો ફાડી નાખતા તડકામાં ખેતરનાં ઢેફાં નહીં ભાંગ્યાં હોય. વૈશાખનો સૂરજ જ્યારે આગ ઓકતો હોય ત્યારે ખેડૂત પરસેવે નહાતાં નહાતાં ખેતરમાં કામ કરતો હોય છે અરુંધતીબહેન અને જ્યારે વરસાદમાં તમે છત્રી શોધતા હો છો ત્યારે એ જ ખેડૂત વરસતા વરસાદમાં વાવણી કરતો હોય છે અને આટલી મજૂરી પછી જ્યારે પાક નિષ્ફળ જાય ત્યારે નાસીપાસ થયેલો ખેડૂત લોનના હપ્તા ક્યાંથી ભરે? કેટલાક બનાવટી ખેડૂતો, જે અાવકવેરો બચાવવા માટે ખાતેદાર બની બેઠા હોય છે તેમના સિવાય કોઈ કિસાને જો તેની પાસે નાણાં હોય તો બેન્કના હપ્તા ભરવામાં પાછીપાની કરી નહીં હોય.

સાચો ખેડૂત ડિફોલ્ટર હોઈ શકે નહીં. જગતનું પેટ ભરનાર દેવાળું ફૂંકતો નથી, બેન્કો અને બેન્કોએ જેમને ફાંટ ભરીને રૂપિયા લોન તરીકે આપ્યા હોય તે ઉદ્યોગપતિઓ દેવાળાં કાઢતાં હોય છે. એ ઉદ્યોગપતિઓને તમે અચ્છોવાના કરો અને જ્યારે ખેડૂતની વાત આવે ત્યારે ક્રેડિટ ડિસિપ્લિન તમને યાદ આવે છે? માલ્યાને ક્રેડિટ ડિસિપ્લિન શીખવી હોત તો એના સાત હજાર કરોડ માંડવાળ કરવા પડ્યા ન હોત. ઘણી વાર તો એવું લાગે છે કે બેન્કોના અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ મળેલા હશે. ગાંધી-વૈદ્યનું સહિયારું ચાલતું હશે.

ખેડૂતો તો બિચારા શું આપે બેન્કના મગરમચ્છોને? કિસાન આખી જિંદગી આપતો રહે છે. એ ભીખ નથી માગી શકતો અને એટલે જ એ અાપઘાત જેવાં પગલાં ભરે છે.
છેલ્લો ઘા  : અરુંધતી ભટ્ટાચાર્યને કોઈ" માનવીની ભવાઈ'નો અનુવાદ મોકલાવો.
 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો