જેલમાંથી બહાર આવેલો હાર્દિક બદલાયેલો છે. કુંભારના નીંભાડામાંથી બહાર આવતાં માટલાં જેવો ટકોરાબંધ. એટલે એક્શન પણ હવે નવા જ હશે
નવ મહિનાના જેલવાસે હાર્દિક પટેલને થોડો બદલ્યો છે, પણ તેનું ટિમ્બર યથાવત્ છે. પાટીદાર આંદોલનની શરૂઆતમાં અત્યંત ઝડપથી બદલાતી ઘટનાઓ અને સંજોગોને કારણે નિર્ણયો લેવામાં થાપ ખાઈ જઈને અથવા જાહેરમાં શું બોલવું અને શું ન બોલવું એની બરાબર સમજણ ન હોવાના કારણે રાજદ્રોહ જેવા ગુનામાં નવ મહિના સુધી જેલમાં રહેવું પડ્યું અને પોતાનું અપહરણ થયું હોવાની જે વાત ઊભી કરી હતી તેમાં વાસ્તવમાં શું બન્યું તેનાથી જનતા છેક સુધી અંધારામાં રહી હતી, જેને લીધે હાર્દિકની છાપ ઉતાવળિયા–અણસમજુ યુવાનની પડી હતી.
રાજકોટમાં પણ દેખાવો ધાર્યા મુજબ થયા નહોતા અને રાષ્ટ્રધ્વજ પકડવાના મુદ્દે કેસ થઈ ગયો તે લટકામાં. સાવ સામાન્ય ભૂલોમાંથી પેદા થયેલી મોટી મુશ્કેલીઓથી હાર્દિક હવે સમજ્યો હશે કે શું ન કરવું. શું કરવું એ બાબતે તો તે પહેલેથી જ મક્કમ છે. એની ભાષા અને શબ્દો નથી બદલાયા, શબ્દોની પસંદગી બદલાઈ છે. હવે એ બાંધી મુઠ્ઠીએ વાત કરતો થયો છે. આંદોલનની રીતરસમ બદલાશે, પણ તેવર એના એ જ રહેશે એવું હાર્દિક ભલે કહેતો હોય, તેવર પણ શાંત પડ્યા છે. જોકે, પાટીદારોને તો પેલો જૂનો હાર્દિક જ વધુ ગમતો હશે, જે ક્રાંતિની વાત કરતો હતો, અામૂલ પરિવર્તનની વાત કરતો હતો.
જેલવાસ માણસને હંમેશાં બદલે છે. એકાંત માણસને વિચારવાની મોકળાશ આપે છે. વિચારોને વધુ શુદ્ધ અને તીક્ષ્ણ બનાવે છે. જેલવાસમાં ફરજિયાત એકાંતવાસ છે. એટલે ગુનેગાર હોય તે કંટાળી જાય, થાકી જાય, નિરાશ થઈ જાય અને તેનાં માનસિક પરિવર્તન અલગ હોય, પણ જે માણસ ગુનેગાર નથી અને પોતાના કોઝ માટે જેલમાં આવ્યો છે તેનાં પરિવર્તન અલગ હોય છે. આઝાદી સમયે જેલમાં જનારા હજારો લોકોમાંથી કોઈ જેલમાં તૂટી ગયા હોય એવું બનતું નહોતું. ઊલટું, એ લોકો જેલની વ્યવસ્થામાં જ પરિવર્તન લાવી દેતા હતા. આઝાદીની લડાઈના તમામ મોટા નેતાઓએ જેલવાસ દરમિયાન વિપુલ પ્રમાણમાં લખ્યું છે અને પોતાના વિચારોને ધારદાર બનાવ્યા છે. આઝાદીની યોજનાઓનાં ઘણાં આયોજનો જેલમાં જ વધુ સારી રીતે ઘડી શકાયાં હતાં.
જે હાર્દિક જેલમાં ગયો હતો તે બહાર નીકળ્યો નથી. બહાર નીકળેલો હાર્દિક પરિવર્તિત છે. હવે તે સરકાર સાથે બેસવાની વાત કરે છે. હવે તે છ મહિના રાહ જોવાની વાત કરે છે, હવે તે રણનીતિ ઘડવાની વાત કરે છે, હવે તે દેશના ગરીબોના ઉદ્ધારની વાત કરે છે. અગાઉનો હાર્દિક પ્રિડિક્ટેબલ હતો. તે શું કરશે તેનો અંદાજ અગાઉથી આવી જતો હતો. હવેનો હાર્દિક અનપ્રિડિક્ટેબલ છે. તે શું કરશે તેનો અંદાજ મેળવતાં વાર લાગે છે. જેલમાં એ શીખ્યો હશે કે જાહેર જીવનમાં પડેલી વ્યક્તિ જે કાંઈ બોલે છે તે જાહેર સ્ટેટમેન્ટ જ છે એટલે સો વાર વિચારીને બોલવું. ઘરમાં કે ગામના ચોરે જે રીતે વાત કરતાં હોઈએ અે રીતે જાહેરમાં બોલીએ તો ભરાઈ પડીઅે.
હાર્દિક ઉદયપુરમાં રહીને રાજવટો ગાળશે. છ મહિનાના આ રાજવટા પાછળ મુખ્યમંત્રી આનંદીબહેનનું જે ગણિત હોય તે, હાર્દિક ધારે તો આ છ મહિનાનો સારો ઉપયોગ કરી શકે. બહેને કદાચ એવી ગણતરી માંડી હોય કે પોતે ગુજરાતની ગાદી પર છે ત્યાં સુધી હાર્દિક બહાર રહે અને પાટીદાર આંદોલન છેલ્લા કેટલાક મહિનાથી સુસ્ત પડ્યું છે તે તેમનું તેમ રહે તો પોતે હેમખેમ વૈતરણી પાર કરી જાય. અથવા છ મહિના સુધી અને પછી પણ અમુક સમય સુધી અન્ય રાજકીય પક્ષોને પાટીદાર મતોની આશાએ લટકાવ્યા બાદ છેલ્લી ઘડીએ હાર્દિક સાથે સમાધાન કરી લેવું, જેથી ભાજપને બીજા પાંચ વર્ષનું જીવતદાન મળી જાય. જોકે, બહેનના સ્વભાવ પ્રમાણે તેઓ રાજકીય ગણતરીઓ કરવાને બદલે પોતાની જીદ મનાવવા માટે ગમે તે હદે જઈ શકે છે. રાજહઠની સાથે સ્ત્રીહઠનો સરવાળો નહીં, ગુણાકાર થયો છે અને એટલે પરિણામ આત્યંતિક આવે છે.
રાજવટાનો જો યોગ્ય ઉપયોગ થાય તો તેના ફાયદા મેળવી શકાય છે. હાર્દિકની જેમ જ અમિત શાહને પણ રાજવટો મળ્યો હતો. જોકે, અમિત શાહ અને હાર્દિકના કેસમાં આસમાન જમીનનો ફરક હતો. શાહ ફોજદારી કેસમાં ફસાયા હતા અને ભાગેડુ જાહેર પણ રહી ચૂક્યા હતા. હાર્દિક પરનો કેસ રાજકીય છે. શાહ ગુજરાત બહાર રહ્યા ત્યાં સુધીમાં તેમણે ભાજપમાં અન્ય રાજ્યોમાં પોતાની વગ વિસ્તારી જેને લીધે તેઓ જતે દહાડે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ બની શક્યા અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન. રાજ્ય બહાર રહેવાની નોબત ગમે તે કારણે આવી હોય, મહત્ત્વ તેના ઉપયોગનું છે.
હાર્દિક પટેલે ગુજરાત બહારનું પોતાનું સરનામું ભલે ઉદયપુરનું આપ્યું હોય, તેણે છ મહિના આખા દેશનું ભ્રમણ કરવું જોઈએ. આ દેશને જાણવા માટેનો એકમાત્ર ઉપાય રૂબરૂ જઈને જોવાનો જ છે. મહાત્મા ગાંધીને પણ ભારતમાં સેવા કરતા પહેલાં આખા દેશમાં ભ્રમણ કરવાની સલાહ ગોપાલકૃષ્ણ ગોખલેએ આપી હતી અને ગાંધીજીએ એ સલાહનું અક્ષરશ: પાલન કર્યું હતું. હાર્દિકે જો રાજકીય નેતા બનવું હોય તો દિલ્હી જવું જોઈએ અને જો લોકોના બનવું હોય તો અંતરિયાળ ભારતને સમજવું જોઈએ. હાર્દિક કયો રસ્તો પકડે છે તેના આધારે એ ભવિષ્યમાં કેવું કામ કરવા માગે છે તે નક્કી થશે. હાર્દિક ભલે ગરીબોના ઉત્થાનની વાત કરતો હોય, તેની પ્રાથમિકતા પાટીદાર જ હોવી જોઈએ અને હશે.
અન્ય રાજ્યોમાં વસતા પાટીદારોને સંગઠિત કરીને તેનું રાષ્ટ્રવ્યાપી સંગઠન બનાવવા તરફની તેની ગતિ હોઈ શકે. જોકે, આગામી સમયમાં ઉત્તરપ્રદેશમાં યોજાનારી ચૂંટણીથી હાર્દિક અળગો રહેશે તેવું કહી ચૂક્યો છે. આ યોગ્ય નિર્ણય છે. જ્યાં પોતાની મજબૂત પકડ ન હોય તેવી જગ્યાએ તાકાત અજમાવીને ખતા ખાવાનો કોઈ અર્થ નથી. જ્યાં ફાયદો ન હોય ત્યાં તાકાત વાપરી નાખીને એક્સપોઝ થઈ જવા કરતાં અળગા રહેવું જ સારું. બીજું, ચૂંટણી પ્રચારથી દૂર રહીને તે પોતાને પક્ષનિરપેક્ષ ગણાવી શકશે, જે તેના આંદોલનનો મહત્ત્વનો આધાર છે.
કદાચ એવું પણ બને કે 2017ની ચૂંટણીઓમાં પણ હાર્દિક કોઈ પક્ષ સાથે જોડાય નહીં, પણ પાટીદારો તેના ઇશારે કોઈ એક પક્ષને મત આપે. જોકે, 2017ની ચૂંટણીમાં પાટીદારો પોતાના પસંદગીના ઉમેદવારોને મત આપશે, જેથી વિધાનસભામાં પોતાના ઉમેદવારોની સંખ્યા વધે. એ માટે તેઓ કદાચ પસંદગીના પક્ષ પર દબાણ કરે એવું બને. પાટીદારોએ જો આંદોલનને સફળ બનાવવું હશે તો છેલ્લે તો વિધાનસભામાં પોતાની તાકાત બતાવવી પડશે. બાકી સરકાર ગમે તે હોય, ગમે તેની હોય, તેને ફરી જતાં જરાય વાર નથી લાગતી. સરકાર સાથે ચર્ચાઓ કરવાની હોય તો તે તાત્કાલિક શરૂ કરી દેવી જોઈએ, જેથી શાંતિપૂર્ણ ઉકેલ લાવી શકાય. અરાજક પરિસ્થિતિ ચાલુ જ રહે એવું જો પાટીદારો ઇચ્છતા હોય તો છ મહિના પણ ઓછા જ પડશે.
છેલ્લો ઘા : માણસની નિયત જેટલી ઝડપથી બદલે છે એટલી ઝડપથી બીજું કશું આ દુનિયામાં નથી બદલતું.
kana.bantva@dbcorp.in