તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૌંદર્યમંડિત ઉપસ્થિતિનાં દર્શન

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સૌંદર્યમંડિત ઉપસ્થિતિનાં દર્શન
આખા ઇન્ડોનેશિયાનું સૌથી વિખ્યાત સ્થાન કહેવાય બોરોબુદુર. અને બીજું એવું સ્થાન પ્રમ્બાનન કહી શકાય. આ બંને પ્રાચીન મંદિરો છે. બોરોબુદુર બૌદ્ધ ધર્મ અને પ્રમ્બાનન હિન્દુ ધર્મનો મહિમા કરે છે. આ બંને જાવા ટાપુ પર આવેલાં છે અને જોગ્જાકાર્તાથી જ ત્યાં જવાતું હોય છે. એવી સલાહ આપવામાં આવતી હોય છે કે ભીડથી બચવું હોય તો સવારે છ વાગ્યે બોરોબુદુર પહોંચી જવું. અરે, થોડી વધારે પ્રવેશ-ફી આપીને પણ પ્રભાતે સાડા ચારે જો ત્યાં જતાં રહો તો વધારે સારું.

મેં એવું કાંઇ કર્યું નહીં. મારી મેળે મુન્તિલાન ને કોતા બોરોબુદુર થઇને, ત્રણ બસો બદલીને, હું બૌદ્ધ મહાસ્મારક પર ગઇ. બહુ જ હરિયાળી છે ધરતી. કેળ, પપૈયાં, આંબા, નાળિયેર, તાડ, વાંસ વગેરેથી ભરચક. અહીંત્યહીં કાદવિયા પાણીમાં આછા ફીણવાળાં વમળ બનાવતી જતી નદીઓ દેખાઈ. ડાંગરનાં ખેતરો સૂરજના તડકામાં ચમકતાં હતાં. બોરોબુદુર પહાડ દેખાવા માંડે ત્યાં જ મહામંદિર આવી જાય છે. બૌદ્ધધર્મી શૈલેન્દ્ર રાજવંશ દ્વારા આઠમી-નવમી સદીમાં એની રચના થયેલી. કદાચ બોરોબુદુર નામ સંસ્કૃતના ‘વિહાર બુદ્ધ ઉહ્ર’ શબ્દો પરથી અપભ્રંશ થયું હોય તેમ કહેવાય છે.

એકસો જેટલાં વર્ષમાં બાંધકામ પૂરું થયું એટલામાં બૌદ્ધ ધર્મ પડતી પામ્યો હતો, ને તેથી આ સ્થાપત્યને ત્યજી દેવાયું હતું. હજારથી વધુ વર્ષો એના પ્રત્યેની બેકાળજીમાં વીત્યાં. છેક ઓગણીસમી સદીના અંત ભાગમાં અમેરિકાની ખૂબ મોટી નાણાકીય સહાય દ્વારા એનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો. આ સ્થાપત્યના છ ચોરસ, અને ત્રણ ગોળાકાર સ્તર છે અને વચમાં અતિવિશાળ ઘુમ્મટવાળો મુખ્ય સ્તૂપ છે. બધાં સ્તર પર ધીરે ધીરે ફરો, વચ્ચેનાં પગથિયાં ચઢતાં જાઓ, ને 432 જેટલી બુદ્ધપ્રતિમાઓનાં દર્શન કરતાં જાઓ. દુનિયાની અજાયબીઓમાંની એક એવી આ જગ્યા જોવા મળે તે ભાગ્ય જ ગણાય.

મોટા મોટા વીસ લાખ પાષાણોથી આ સપ્રમાણ સ્તૂપ બનાવાયો છે. કહે છે કે વજ્રયાન અથવા તાંત્રિક પ્રથામાં માનનારાં બુદ્ધ-ભક્તોને માટે, આ ચોરસ અને ગોળ સ્તરોથી બનતો મંડલાનો અાકાર અતિ-પૂજનીય હતો. સૌથી ઉપરનું પ્લેટફોર્મ વર્તુળાકાર છે, અને અનંત નિર્વાણનું સૂચન કરે છે. વળી, નીચેથી ઉપર જતાં જાણે દરેક જણ પૃથ્વી પરથી સ્વર્ગ સુધીની પ્રતીકાત્મક ગતિ કરે છે. દૈહિક આમોદમાં રત રહેનારાં સજા પામે છે અને સત્કાર્યમાં પરોવાયેલાં પુણ્યશાળી બને છે. આવું દર્શાવતાં શિલ્પ પણ અહીં બનાવેલાં છે, પણ એમને જરા ધ્યાનપૂર્વક શોધો ત્યારે એ દેખાય છે.

બોરોબુદુર સંસ્થાનમાં દરેક સ્તરની દીવાલો પર કેટલાંય ધાર્મિક દૃશ્યો કોતરવામાં આવેલાં છે. આ બધું જ ધ્યાનથી જોવું પડે. પથ્થરની જાળી જડેલા હોય તેવા કુલ 72 નાના સ્તૂપોની અંદર બુદ્ધ-પ્રતિમાઓ આસન્ન છે. એમાંની કેટલીયે મસ્તક વગરની થઇ ગયેલી છે. બે મૂર્તિઓ પૂરેપૂરી દૃશ્યમાન હતી, અત્યંત સુંદર હતી, અને બંનેનાં મુખ પર મૃદુ સ્મિત સોહતું હતું. સ્થાનિક ઇન્ડોનેશિયન યુવાનો બુદ્ધ-મૂર્તિઓના ખોળામાં બેસીને ફોટા પડાવવા બહુ ઉત્સુક લાગ્યા. આ પ્રાચીન ઉપસ્થિતિ કેટલી મૂલ્યવાન છે, તેનો કોઇ ખ્યાલ એમને હતો નહીં.

એમનું આવું તોફાન જોવું જરા પણ ગમતું ન હતું. આમ કરતાં છેવટે બપોરના બે વાગ્યા. તાપ અને તડકાથી ત્રસ્ત થયેલાં મોટા ભાગના પ્રવાસીઓ, અને આ ઉદ્્ધત યુવાનો આખરે જતા રહ્યા. હું જ એકલી બેસતી, ચાલતી, ફરતી, ચઢતી રહી. ખાલી અને શાંત થયેલી જગ્યા જાણે શીતળ પણ બની હતી. ખરેખર જ એક પુણ્યવંત યાત્રા સંપન્ન થઇ હતી. બીજા એક દિવસે જોગ્જાથી નીકળીને પ્રમ્બાનન મંદિર જોવા ગઇ.

એ આમ તો શિવ મંદિર છે, પણ એના સ્થાપત્ય અને શિલ્પોમાં બૌદ્ધ શૈલીની અસર જરૂર છે. નવમી-દસમી સદીઓ દરમિયાન, જાવા ટાપુ પર સ્થાપિત એવા બૌદ્ધ શૈલેન્દ્રની અને હિન્દુ સંજય રાજવંશોએ ભેગાં મળીને આવા કેટલાક મંદિર-સમૂહ બનાવેલા. સોળમી સદીમાં થયેલા મોટા ધરતીકંપોમાં ઘણા નાશ કે નુકસાન પામેલા. છેલ્લે 2006માં ધરતીકંપ થયો અને અગણિત પથ્થરો ખરી પડેલા. એ પછી થોડે અંશે સમારકામ થતું ગયું છે, પણ એ જમાનાનો સમૃદ્ધ વારસો ઘણો ઓછો બચ્યો છે. જેમ કે, એ જમાનામાં આ વિસ્તારમાં શત શત મંદિરોની રચના થયેલી.

એમાંથી કેવળ આઠ નાનાં અને આઠ મોટાં મંદિર વચલા કમ્પાઉન્ડમાં બચીને રહેલાં છે. પણ એમની દીવાલો રામાયણના પ્રસંગોને લગતાં, ખૂબ ઝીણવટ ભરેલાં કોતરણી-કામથી ખીચોખીચ છે. કૃષ્ણના જીવનના પ્રસંગો પણ કોતરેલા છે. ચતુર્ભુજ બ્રહ્માનું મંદિર ફરી બની રહ્યું છે. વિષ્ણુના મંદિરની દીવાલો રહી નથી. ઊભેલા વિષ્ણુની તેત્રીસ મીટર ઊંચી પ્રતિમા ખુલ્લા આકાશ નીચે રહેલી છે, અને કુદરતી તત્ત્વોથી કોઇ રક્ષણ પામતી નથી.મુખ્ય ગર્ભગૃહમાં ચાર હાથવાળા શિવ, બૌદ્ધ પ્રતીક કમળ પર ઊભેલા છે. આ સિવાય, સુંદર ગણેશ, મહિષાસુરમર્દિની, અગસ્ત્ય વગેરેનાં શિલ્પ જાણે જોતાં જ રહીએ. એક સૌંદર્યમંડિત ઉપસ્થિતિનાં દર્શન થયાં.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો