ખેડૂતે આત્મહત્યા કેમ કરવી પડે છે?

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડૂતે આત્મહત્યા કેમ કરવી પડે છે?
રોજબરોજ અને વર્ષે વર્ષે ખેડૂતોએ કરેલી આત્મહત્યાના આંકડાઓ સતત વધતા જાય છે અને તેમાં દેવાદાર ખેડૂતોની હતાશા મુખ્ય કારણ છે તેવું માની લેવામાં આવે છે. અસહ્ય બની ગયેલો દેવાનો ભાર નાબૂદ કરવો જોઈએ અને ખેડૂતોનાં તમામ કરજ માફ કરી દેવાનું કામ સરકારે બજાવવું જ જોઈએ તેવા મુદ્દા પર ધારાસભ્યો ધમાલ મચાવી રહ્યા છે. સમસ્યા સમજીને તેનો કાયમી ઉકેલ આણવાના બદલે ભોળિયા ખેડૂતોને ભરમાવીને, તેમનું મનોરંજન કરીને મત મેળવી લેવાની આ રાજનૈતિક ચાલબાજીથી દેશના અર્થતંત્રને કેટલું અને કેવું નુકસાન થાય છે તે જાણવા-સમજવાની દરકાર રાખવામાં આવતી નથી.

કરજ માફી કરવામાં આવે તો તેનાથી કશું વળવાનું નથી, કારણ કે હવે પછીનાં બે-ત્રણ વર્ષમાં ખેડૂતો ફરી દેવાદાર થવાના છે. કરજ માફી તે કામચલાઉ રાહત છે અને જેના માટે જરૂરી છે તેને તેનો લાભ મળવાનો નથી. કરજ માફી મર્યાદિત હોય છે અને બેન્કોએ ધીરેલી રકમ માફ કરી દેવામાં આવે છે અને સરકાર બેન્કોને નાણાં ભરપાઈ કરી આપે છે. શ્રીમંતો અને મધ્યમ કક્ષાના ખેડૂતો જ બેન્કો પાસેથી કરજ લઈ શકે છે. તેમણે જે વ્યાજ આપવું પડે છે અને મૂળ રકમની ચુકવણીનો જે સમય મળે છે તે તેમના માટે બોજારૂપ નથી. શ્રીમંત ખેડૂતો અને મધ્યમ કક્ષાના ખેડૂતો દેવાના બોજના કારણે આપઘાત કરતા નથી.

આપઘાત તદ્દન નાના ખેડૂતો કરે છે. તેમને બેન્કો લોન આપતી નથી, કારણ કે લોન લેવા માટે જરૂરી અસ્ક્યામત તેમની પાસે નથી. આ નાના અને અતિશય ગરીબ ખેડૂતો શાહુકારો પાસેથી કરજ લેતા હોય છે અને લીધેલી રકમ પર 30થી 40 ટકા જેટલું વ્યાજ ભરે છે. કરજના ચક્કરમાં એક વાર ફસાયા પછી તેમાંથી છૂટવાનો રસ્તો નથી, કારણ કે મૂળ રકમ કરતાં વ્યાજનો બોજો તેમને કચડી નાખે છે. સરકાર જે કરજ માફી કરે તેનો કશો લાભ તેમને મળવાનો નથી, કારણ કે સરકાર શાહુકારોને નાણાં ચૂકવતી નથી અને લોહીચૂસ શાહુકારો મુદ્દલ અને વ્યાજ વસૂલ કરવા માટે ત્રાસ ગુજારીને ખેડૂતની જિંદગી મરણ કરતાં બદતર કરી મૂકે છે. બેન્કોનાં કરજમાંથી છુટકારો મેળવનાર શ્રીમંતને રાહતની કશી જરૂર પડતી નથી અને જેનો દમ ઘૂંટાય છે તેને કશી રાહત મળતી નથી.

બીજું, સરકાર જે રાહત આપે છે અને જેટલાં નાણાં ખર્ચે છે તે બધાં નાણાં ભારતના અતિશય ગરીબ લોકોએ ચૂકવેલા કરવેરાથી ભરાયેલી તિજોરીમાંથી આવે છે. સરકાર નાણાં કમાતી નથી. નાણાં એકઠાં કરે છે. ચોખ્ખી રીતે કહીએ તો બેન્કો મારફતે શ્રીમંત ખેડૂતોને અપાયેલી રાહત તેમના કરતાં અનેકગણાં વધારે ગરીબ લોકોએ ચૂકવવી પડે છે. આપણા લોકતંત્રમાં ગરીબ અને અભણ લોકોનો અવાજ નથી તેનો આવો ગેરલાભ ઉઠાવવામાં આવે છે.

ખેતીનું અર્થશાસ્ત્ર જ ખેડૂતોને પાયમાલ કરે છે અને તેનો ઉપાય શોધવા માટે મૂળ પાયાથી શરૂઆત થવી ઘટે છે. આપઘાત કરનાર ખેડૂતોનો સર્વે કરવામાં આવે અને આપઘાતનાં કારણોનું વિશ્લેષણ કરવામાં આવે તો આ જાણકારી મેળવવાનું મુશ્કેલ નથી. દુષ્કાળ ન હોય ત્યારે ખેતી ઘણો કસદાર અને નફાકારક વ્યવસાય છે, પણ આપણા ખેડૂતોને તેનો લાભ મળતો નથી. ખેતીનો વ્યવસાય વધારે ને વધારે જોખમી બનતો જાય છે, કારણ કે ખેતી પોતાના ઘરવપરાશ માટે કરવાનો જમાનો પૂરો થયો છે અને ખેતી બજાર સાથે જોડાઈ ગઈ છે.

દુષ્કાળમાં ખેતરના પાકની અછત હોય તેના ઊંચા ભાવનો લાભ ખેડૂતોને મળતો નથી, કારણ કે ભાવ વધારા અંગે થયેલા ઊહાપોહના પરિણામે સરકાર નીચા ભાવ બાંધે છે અથવા નિકાસ અટકાવે છે અથવા ખેડૂતની કમાણી અંગે બીજા અવરોધ ઊભા કરે છે. વધારે પાક નીપજે તો ભાવ એટલા બધા નીચા જાય છે કે ખેડૂતોએ ખર્ચેલી મૂડી પણ તેમને પાછી મળતી નથી. આવા વખતે નુકસાન ભોગવનાર ખેડૂતને કોઈ કશી રાહત આપતું નથી.

આપણા ખેડૂતોએ બજારમાં ટકી રહેવામાં બે મુશ્કેલી વેઠવી પડે છે. એક તો પોતે પકાવેલી વસ્તુઓ અનાજ-શાકભાજી કે દૂધ સંઘરી રાખવા માટે જરૂરી ગોદામો કે કોલ્ડસ્ટોરજ તેમની પાસે નથી, તેથી જે પેદા થાય તેનો જથ્થો સસ્તા ભાવે વેચી નાખવો પડે છે અને તેનો સંઘરો કરનાર વેપારીઓ અછતના વખતે માલ વેચીને કમાણી કરે છે. ભારતનું અર્થતંત્ર વચેટિયું અર્થતંત્ર છે. તેમાં ઉત્પાદક અને વાપરનાર વચ્ચે સીધો સંબંધ કપાઈ ગયો છે.

ફળફૂલ, દૂધ કે શાકભાજી પકાવનાર ખેડૂતને પોતાનો માલ ઓછા ભાવે વેચવો પડે છે અને વાપરનારે આ માલની ઘણી ઊંચી કિંમત ચૂકવવી પડે છે. વચ્ચેનો ગંજાવર ન‌ફો વચેટિયા ખાઈ જાય છે અને આવા વચેટિયાઓનું મોટુંમસ જાળું હોવાથી માલ ટપ્પે ટપ્પે મોંઘાે થતાે જાય છે. આ વિષચક્રમાંથી અને દેવાના કાયમી બોજમાંથી ખેડૂતોને છોડાવવા હોય તો દેવા માફીમાં પ્રજાનાં નાણાં વેડફી નાખવાના બદલે કાયમી વ્યવસ્થા ઊભી કરવી પડશે. ખેડૂતો પોતાનું ઉત્પાદન સારી રીતે સાચવીને સંઘરી શકે તેવી સગવડ તેમને મળવી જોઈએ અને શક્ય હોય તેટલા પ્રમાણમાં ઉત્પાદન કરનાર ખેડૂત અને વાપરનાર ગ્રાહકનો સીધો સંપર્ક સ્થાપી શકાય તેવી બજાર પેઠ ઊભી કરવી જોઈએ.

આ દિશામાં ભારત સરકારે કેટલાંક પગલાં ભર્યાં છે, પણ વહીવટી તંત્રની જડતાના કારણે આ વ્યવસ્થા નુકસાનકારી થઈ પડી છે. બજારમાં ઠલવાતા જથ્થાબંધ માલના કારણે ખેડૂતોએ નીચા ભાવે માલ વેચી નાખવો પડે છે તે વખતે સરકાર પોતે બાંધેલા ભાવે માલ ખરીદ કરીને ખેડૂતોને ઘણી રાહત આપે છે, પણ આ માલ ખાસ કરીને અનાજના સંગ્રહ માટેના સરકારી ગોદામોની કામગીરી બહુ વખાણવા જેવી નથી અને દર વર્ષે લાખો ટન અનાજની બરબાદી થાય છે.

કેટલીક વખત આવી બરબાદી જાણી બૂઝીને કરવામાં આવે છે, કારણ કે સડી રહેલું અનાજ અતિશય સસ્તા ભાવે ખરીદીને શરાબના ઉત્પાદકો પોતાના નફામાં ઉમેરો કરે છે. ભારત ખેતીપ્રધાન દેશ છે, પણ ખેડૂતો પોતાની પ્રધાનતાનો પૂરો લાભ ઉઠાવી શકે તેટલા સક્ષમ નથી અને શહેરી નાણાચક્રમાં તેમનું અતિશય મોટા પ્રમાણમાં શોષણ થતું રહે છે. આ શોષણક્રિયાનું નિવારણ ન થાય ત્યાં સુધી તેમનો છુટકારો થવાનો નથી. કરજ માફી જેવા કામચલાઉ થાગડથીગડથી કશું વળવાનું નથી.
અન્ય સમાચારો પણ છે...