કાળાં નાણાં શોધી કાઢવાની જેહાદનો ત્રાસ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સર્વેક્ષણમાં સંખ્યા કરતાં જેનો મત જાણવો છે તેની પસંદગી વધારે મહત્ત્વની હોય છે અને આવી પસંદગી માટે ઘણા અટપટા નિયમોનો આશરો લેવો પડે છે
કાળાં નાણાંની નાબૂદી, બનાવટી ચલણનો નાશ અને ત્રાસવાદીઓનાં ભંડોળ પર કાપ એવા વિવિધ ઉમેદા હેતુથી કરવામાં આવેલી ચલણબદલીને પખવાડિયું પૂરું થયું છતાં પરિસ્થિતિ ધાર્યું હતું તેમ પૂરેપૂરી થાળે પડી નથી. વહીવટી તંત્રના અંધાપા અને નબળાઈઓના કારણે લોકોએ વધારે ને વધારે હાલાકી લાંબા સમય સુધી ભોગવવી પડી અને તેમાં સુધારણા કરવા માટે ભારત સરકારે રોજબરોજ નવા નોખા નિયમો જાહેર કરવા પડે છે.
આ નિયમો શરૂઆતથી જ લાગુ પડાયા હોત તો કદાચ જનતાની હાડમારી થોડી ઓછી થઈ શકી હોત. 2000ના બદલે 500ની ચલણી નોટોથી વિતરણ શરૂ થયું હોત તો પણ ખરીદી વેચાણમાં વધારે સરળતા રહી હોત. લોકોએ તમામ મુશ્કેલીઓ ચૂપચાપ સહન કરી લીધી છે. વિરોધ પક્ષોની ચડામણી અને સર્વોચ્ચ અદાલતની દહેશત છતાં કશે તોફાનો થયાં નથી.

તોફાન હવે પાર્લામેન્ટમાં શરૂ થયાં છે. લોકોની અગવડ દૂર થાય તેવા ઉપાયો સૂચવવા અને તેની ચર્ચા કરવાના બદલે પાર્લામેન્ટનું કામકાજ ખોરવી નાખ્યું. મોરચાઓ કાઢવા અને આંદોલનો કરવાં જેવાં વિઘાતક પગલાં ભરવાની રણનીતિ અપનાવવામાં આવી છે. સામા પક્ષે વિરોધ પક્ષોની મારફતે વ્યક્ત થઈ રહેલી જનતાની હાડમારીની કથા સાંભળવા-સમજવાના બદલે વડાપ્રધાને મમતા બેનરજી અને માયાવતીને ઝાડી કાઢ્યાં છે.

આપણા દેશમાં લોકશાહીના ગણેશની સ્થાપના એવા અવળા મોઢે થઈ છે કે શાસક પક્ષ અને વિરોધીઓ લોકતંત્રના સહાયક બનવાના બદલે લોકશાહીને નુકસાનકારી થઈ પડ્યા છે. પોતાની બહુમતી પર મુસ્તાક સરકાર વિપક્ષોની વાત અને રજૂઆતની હંમેશાં ઉપેક્ષા કરતી આવી છે અને વિપક્ષો સરકારની ભૂલો દેખાડવાનું રચનાત્મક કામ કરવાના બદલે હંમેશાં સરકારને પછાડવાની કોશિશ કરે છે, તેથી લોકશાહીની વિધેયક સંસ્થાઓ મજબૂત બનવાના બદલે નબળી પડતી જાય છે. આવો અભિગમ લાંબા ગાળે લોકશાહી માટે ખતરનાક નીવડી શકે.

ચલણ બદલીનો આ ત્રીજો પ્રયોગ અગાઉના બંને પ્રયોગો કરતા અલગ પ્રકારનો છે. વર્ષ 1946-47માં અને વર્ષ 1978માં મોટી નોટો ચલણમાંથી પાછી ખેંચાઈ અને બેન્કોમાં બદલી આપવામાં આવી. કાળાંબજારનાં નાણાં બીજા ત્રીજા મારફતે બદલી કાઢવામાં આવ્યાં. આ વખતે બદલાની રકમ અતિશય ઓછી છે. મોટી રકમ જમા કરાવનારનાં નામ નોંધાય છે. પોતાના ખાતાનો ગેરવપરાશ કરનાર માટે કારાવાસની સજા ફરમાવવામાં આવી છે.
કાળાં નાણાંનું પગેરું શોધવાનું સૂઝ્યા તેટલા કારસા ગોઠવવામાં આવ્યા છે. બેનામી મિલકતમાં કાળાં નાણાં રોકનાર માટે બેનામી મિલકત અંગેનો અલગ કાયદો ઘડાયો છે અને ચલણ બદલી પછી બીજા વધારે કઠોર પગલાં ભરવાની ચેતવણી આપવામાં આવી છે.

કાળાં નાણાં શોધી કાઢવાની આ જેહાદના કારણે પોતાને વધારે ત્રાસ ભોગવવો પડે છે. તે સામાન્ય માણસ સમજે છે અને તેથી જ કદાચ લોકો હર પ્રકારની અગવડ મૂંગા મોઢે વેઠી રહ્યા છે અને આ કડકાઈનો વિરોધ કરનાર લોકોની ઉશ્કેરણીની અસર થતી નથી. નરેન્દ્ર મોદીનાં પગલાંનો વિરોધ કરવામાં અગ્રેસર આગેવાનો પણ પોતે કાળાંબજારના ટેકેદારો ન ગણાય તેની સાવચેતી રાખીને પગલાં ભરી રહ્યા છે.

ચલણ બદલીનો સૌથી ઉગ્ર વિરોધ મમતા બેનરજીએ કર્યો છે, પણ કોઈ મહત્ત્વનો રાજકીય પક્ષ કે આગેવાન મમતાના ઉગ્ર પગલાને ટેકો આપવા તૈયાર નથી. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ તેમની સાથે જોડાયા છે. સાથી પક્ષ તરીકે સત્તા ભાગીદારીના બધા લાભ લેવા છતાં પોતાનું પૂંછડું ઊંચું રાખવા માટે ભાજપના આગેવાનોની સતત અને અતિ કઠોર ભાષામાં હાંસી ઉડાવનાર શિવસેનાના સાંસદોએ વડાપ્રધાનની વઢ ખાધા પછી ફેરવી તોળ્યું છે અને ચલણ બદલીની રાજનીતિને વધાવી લીધી છે.

કેજરીવાલ જેની સાથે હોય તેનું બળ વધવાના બદલે ઊલટું ઘટે તેવી છાપ મુખ્યમંત્રીએ પોતાના માટે ઊભી કરી છે. દિલ્હીનું ટચુકડું તંત્ર સંભાળવામાં નિષ્ફ‌ળ ગયેલા અરવિંદ કેજરીવાલે લોકસભા ચૂંટણીમાં જોરશોરથી ઝુકાવ્યું અને લોહીલુહાણ થઈને પટકાયા. આવા આગેવાનો જેટલા ગાજે છે તેટલા વરસી શકતા નથી, પણ અત્યારે તો મમતા બેનરજીની જોડે કેજરીવાલની ચકલી ફુલેકે ચડી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રચારકાર્યમાં પાવરધા છે અને તેમની તોલે મૂકી શકાય તેવો બીજો નેતા આજે ભારતમાં દેખાતો નથી.
તેમની રાજવટના કારણે ભારતનો અવાજ દેશ-પરદેશમાં બુલંદ બન્યો છે, પણ ચલણ બદલીમાં આખું ભારત પોતાને ટેકો આપે છે તેવું પુરવાર કરવા માટે કરવામાં આવેલા સર્વેક્ષણમાં તેમણે ખતા ખાધી છે. વડાપ્રધાનની એપ્સ પર પાંચ લાખ લોકોએ મત પ્રદર્શિત કર્યો અને તેમાંથી 93 ટકા લોકોએ ચલણ બદલીની રાજનીતિનું સમર્થન કર્યું છે.

પણ આ સર્વેક્ષણ હાસ્યાસ્પદ છે, કારણ કે સર્વેક્ષણનું જે અલગ શાસ્ત્ર છે તેના એક પણ નિયમનું પાલન અહીં કરવામાં આવ્યું નથી. વડાપ્રધાન પોતાની એપ્સ પર લોકમત એકઠો કરે ત્યારે તેમને માત્ર પ્રશંસકો અને ખુશામતખોરોનો જ અવાજ સાંભળવા મળે. વડાપ્રધાનને પ્રતિભાવ આપનારની સંખ્યા ઘણી મોટી છે તે ખરું, પણ વિજ્ઞાનસિદ્ધ સર્વેક્ષણમાં સંખ્યાનું મહત્ત્વ નથી. ચૂલે મૂકેલા ભાત ચડી ગયા છે કે નહીં તે ઠરાવવા માટે ગૃહિણીઓ એક જ દાણો તપાસે છે બધા ચોખા અથવા ચપટી ભરીને ચોખા તપાસવાની જરૂર નથી.

સર્વેક્ષણમાં સંખ્યા કરતાં જેનો મત જાણવો છે તેની પસંદગી વધારે મહત્ત્વની હોય છે અને આવી પસંદગી માટે ઘણા અટપટા નિયમોનો આશરો લેવો પડે છે. મોદીનું સર્વેક્ષણ તે સર્વેક્ષણ નથી, એક બાજુનો અવાજ છે અને આવા અવાજોથી સત્તા ભોગવનાર લોકોએ ચેતવું જોઈએ. વડાપ્રધાનને પસંદ પડે તેવી વાત કરનારનો તોટો હોતો નથી. મહાભારતમાં વિદુરે ધૃતરાષ્ટ્રને ચેતવણી આપી છે તે પ્રમાણે રાજાઓને પ્રિય લાગે તેવું બોલનાર તો ચોતરફ ઊભરાય છે, પણ રાજાના હિતમાં હોય તેવી અપ્રિય વાત કહેનાર બહુ ઓછા હોય છે અને આવી અણગમતી વાત સાંભળનાર રાજાઓ પણ બહુ ઓછા હોય છે.

વડાપ્રધાનનો લોકોએ વિરોધ કર્યો નથી. લાંબી, કંટાળાજનક લાઇનોમાં કલાકો સુધી ઊભા રહેવા છતાં કશે ટોળાંબાજી કે તોફાનો થયાં નથી તેટલું વડાપ્રધાન માટે ગનીમત છે. સંતોષકારક છે, પણ 93 ટકાના ટેકા જેવી વાત કરવા માટે જરૂરી તટસ્થ અને આધારભૂત માહિતી આપણી પાસે નથી. વડાપ્રધાન પાસે પણ નથી. આવાં ગતકડાં કરીને લોકોમાં હાંસીપાત્ર થવું તે નરેન્દ્ર મોદી જેવા સમર્થ લોકનાયકને શોભતું નથી.
અન્ય સમાચારો પણ છે...