તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉરી એટેક: આપણો કોઈ વાંક ખરો કે નહીં?

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આતંકવાદીઓ છેક આપણા આર્મી મથક સુધી ઘૂસી આવ્યા ત્યાં સુધી આપણને કેમ કોઈ ગંધ ન આવી? આપણી સલામતીની જવાબદારી આપણી ખરી કે નહીં?
કાશ્મીરના ઉરીમાં આતંકવાદીઓએ હુમલો કર્યો. આપણા 18 સૈનિકોના જીવ ગયા. દેશના લોકોને આવી ઘટનાથી આંચકો લાગે એ સ્વાભાવિક છે. દિલમાં વળતો ઘા કરવાનો આક્રોશ જાગે એ પણ સમજી શકાય એવી વાત છે. સોશિયલ મીડિયામાં લોકોએ તડાપીટ બોલાવીને પાકિસ્તાનને ભાંડ્યું. કેટલાંકે તો ત્યાં સુધીની વાતો કરી દીધી કે મોદીને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ! અમુક ડાહ્યા અને સમજુ લોકોએ વળી એવી ચર્ચાઓ પણ કરી કે ભાઈ, યુદ્ધ એ કંઈ ખાવાના ખેલ નથી, યુદ્ધમાં પરિણામ જે આવવાનું હોય એ આવે પણ ખુંવારી તો બંને પક્ષે થાય છે. પાકિસ્તાન અને યુદ્ધ માટે દરેક પાસે પોતાનાં મંતવ્યો અને પોતાની માન્યતાઓ છે.

ઉરી એટેકને થોડુંક જુદી રીતે જોવાની પણ જરૂર છે. આતંકવાદીઓ છેક આપણા અાર્મી મથક સુધી ઘૂસી ગયા ત્યાં સુધી કોઈને એની ગતિવિધિઓની ગંધ સુધ્ધાં ન આવી? આપણું ઇન્ટેલિજન્સ આટલું બધું નબળું છે? ખુદ સંરક્ષણપ્રધાન મનોહર પરિકરે કહ્યું કે, ક્યાંક કંઈક ચૂક થઈ ગઈ છે. એના વિશે કેમ વધુ ચર્ચા થતી નથી? વળી, આ કંઈ પહેલી ઘટના નથી. ઉરી અગાઉ પઠાણકોટમાં પણ આવો જ હુમલો થયો હતો. એ વખતે સલામતીની વાતો થઈ હતી એનું શું થયું?

આપણે થોડીક નજર આપણા પર પણ નાખવા જેવી છે. કોઈ મોટી આતંકવાદી ઘટના બને ત્યારે આપણે ઝબકીને જાગીએ છીએ. રેડ એલર્ટ અને હાઈ એલર્ટ જેવા શબ્દો વાપરવા માંડીએ છીએ. થોડા સમયમાં બધું થાળે પડે એટલે પાછું જેમ ચાલતું હોય એમ ચાલતું રહે છે. આપણે કોઈ ઘટનામાંથી કોઈ પાઠ લેવાનું શીખ્યા જ નથી!

હા, બચાવ કરવો હોય તો એવો કરી શકાય કે બોર્ડર એવડી મોટી છે કે આતંકવાદી ગમે ત્યાંથી ઘૂસી જાય. ચલો માની લઈએ, પણ એ છેક આર્મી મથક સુધી આવી જાય? આપણે આપણા આર્મી મથકની ફરતે પણ સિક્યોરિટી ગોઠવી શકતા નથી? અઢાર અઢાર સૈનિકોની કીમતી જિંદગીનો આવી રીતે અંત આવે? આપણા દેશે હવે એક વાત સમજવાની જરૂર છે કે હવે કામચલાઉ હાઈએલર્ટ કે રેડએલર્ટનો જમાનો નથી, હવે તો 365 દિવસ રાઉન્ડ ધ ક્લાેક ચોકન્ના રહેવાનો સમય છે. તમે એક ચૂક કરી તો ગયા. આતંકવાદીઓ તો ટાંપીને જ બેઠા છે. એને તો મોકો જ જોઈતો હોય છે. આપણું કામ તેને મોકો ન આપવાનું છે.

અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર એટેક થયો પછી અમેરિકાએ તેની સિક્યોરિટી સિસ્ટમ્સ અને ઇન્ટેલિજન્સ વર્કિંગમાં ધરમૂળથી ફેરફાર કરી નાખ્યો. લંડનમાં ટ્યૂબ ટ્રેન પર એટેક પછી આખી સિસ્ટમ પ્રૂફ કરી દેવાઈ. આપણે શું કરીએ છીએ? માત્ર સીસીટીવી ગોઠવીને સંતોષ માની લઈએ છીએ. આ સીસીટીવી ચાલુ છે કે બંધ એની પણ કોઈ પરવા નથી કરતું!

હમણાં મુંબઈમાં સ્કૂલ સ્ટુડન્ટ્સે અમુક શંકાસ્પદ શસ્ત્રધારીઓને જોયા હોવાનું બહાર આવ્યું હતું. આ બાતમી પછી આખું તંત્ર સતર્ક થઈ ગયું. કંઈ મળ્યું નહીં. કોઈ પકડાયું નહીં. બધાએ હાશકારો અનુભવ્યો. પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ ખૂબ મહેનત કરી. જોકે, પછી બધું રાબેતા મુજબનું થઈ ગયું. ખરેખર કોઈ હતું કે નહીં એ સવાલ ત્યાંનો ત્યાં છે. માનો કે અાતંકવાદી હોય તો એણે આ બધી ધમાચકડી જોઈ થોડો સમય માટે પોતાની માયા સંકેલી લીધી હોય એવું ન બને?
તાજ હોટલ ઉપર હુમલો થયો ત્યારે પાકિસ્તાનમાં બેઠેલા તેના આકાઓ સેટેલાઇટ ફોન પર આતંકવાદીઓને સૂચના આપતા હતા. મુંબઈની આ વખતની ઘટનામાં એવું ન બન્યું હોય એની કોઈ ગેરંટી નથી કે આતંકવાદીઓને સૂચના અપાઈ ગઈ હોય કે હમણાં શાંત થઈ જાવ. કહેવાનો મતલબ એ જ છે કે, કંઈ થયું નહીં અને કંઈ મળ્યું નહીં એનો અર્થ જરાયે એવો ન કાઢવો જોઈએ કે કંઈ હતું નહીં. આપણે સતર્ક રહેવાની જરૂર છે અને આ સતર્કતા રાઉન્ડ ધ ક્લાેક રાખવી પડશે.

હવે થોડીક વાત પાકિસ્તાનની. આપણો પડોશી એ આપણો સૌથી નજીકનો દુશ્મન છે. પાકિસ્તાનની મથરાવટીથી માત્ર આપણે જ નહીં, હવે તો આખી દુનિયા સારી પેઠે પરિચિત છે. દુનિયામાં ક્યાંય પણ આતંકવાદી ઘટના બને એનું એકાદું મૂળિયું તો પાકિસ્તાન સુધી પહોંચે જ છે. આપણે એક વાત હવે સમજી લેવાની જરૂર છે કે પાકિસ્તાન કોઈ દિવસ સુધરવાનું નથી. તમારે દુશ્મનને દુશ્મન જ સમજવો પડે અને તેની સામે દુશ્મન જેવો જ વ્યવહાર કરવો પડે. દૂધમાં અને દહીંમાં પગ રાખવાની નીતિ સરવાળે મુશ્કેલી જ સર્જવાની છે.

હા, યુદ્ધ એ ઉકેલ નથી, પણ એ સિવાયના બીજા અનેક રસ્તાઓ છે. એમાંના ઘણા રસ્તાઓ તો આપણે આપણી સંસદ પર આતંકવાદીઓએ હુમલો કર્યો એ પછી અપનાવ્યા પણ હતા.

પાકિસ્તાન આતંકવાદીઓને માત્ર છાવરતું જ નથી, આતંકવાદીઓ પેદા કરવાનું કામ કરે છે. પાકિસ્તાનમાં સરકાર, જાસૂસી સંસ્થા આઈએસઆઈ, પાકિસ્તાન મિલિટરી, આતંકવાદી સંગઠનો અને કટ્ટરવાદીઓ પોતપોતાની રીતે મોરચા ખોલીને બેઠાં છે. પાકિસ્તાન તો એવો દેશ છે જ્યાં સરકાર ઉપર પણ કાયમ લટકતી તલવાર રહે છે, આવામાં નવાઝ શરીફ પાસે શરીફાઈની આશા રાખવી એ માત્ર ને માત્ર મૂર્ખામી છે. આપણે ભલે હુમલો ન કરીએ, આતંકવાદીઓના અડ્ડા પર આક્રમણ ન કરીએ, પરંતુ જે કરી શકીએ એ તો કરીએ.

આંતરરાષ્ટ્રીય કક્ષાએ કૂટનીતિજ્ઞ પગલાં લઈ આપણે પાકિસ્તાનને એકલું પાડવાના પ્રયાસો કરીએ છીએ. પાકિસ્તાનને ‘ટેરર સ્ટેટ’ જાહેર કરવાની માગણીઓ કરીએ છીએ એ સારી છે, પણ એ બધું તો થવાનું હશે ત્યારે થશે, અત્યારે શું? માત્ર વાતો કરીને બેસી રહેવાનું?

યાદ રાખો, ઉરી એટેકની ઘટના પહેલી નથી અને છેલ્લી પણ નથી. આવી ઘટનાઓ અનેક વાર બની છે અને હજુ પણ બનતી રહેવાની છે. જો ઊંઘતા રહેશું તો તેની ફ્રીક્વન્સી વધી જવાની છે. આપણે પહેલાં તો આપણી સલામતીમાં કોઈ સેંધ ન મારે એના માટે સતર્ક થવાનું છે. ઉરી એટેક પછી થોડુંક ચિંતન એ પણ કરવાની જરૂર છે કે આપણે ક્યાં થાપ ખાઈ ગયા? આપણે કેમ ઊંઘતા ઝડપાઈ ગયા? હવે આવી ઘટના ન બને એના માટે કરવું જોઈએ એ કરીએ છીએ ખરાં? પાકિસ્તાનને તો પાઠ ભણાવવાનો થશે ત્યારે ભણાવીશું, ઉરી એટેકમાંથી આપણે પણ કંઈ ઓછું શીખવાનું અને સતર્ક થવાનું નથી! કોઈ તમારા પર હુમલો કરી જાય ત્યારે તમારી કમજોરી પણ છતી થતી હોય છે!
અન્ય સમાચારો પણ છે...