તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચીન-પાકિસ્તાન ઉઘાડા પડવા લાગ્યા છે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાકિસ્તાનને આપવામાં આવતી નાણાકીય અને લશ્કરી સહાય સદંતર બંધ કરી દેવી જોઈએ તેવો મત અમેરિકામાં વધારે ને વધારે પ્રબળ બનતો જાય છે
સમાજવાદ તરફના જવાહરલાલ નેહરુના અંગત ઝુકાવના કારણે કોંગ્રેસી રાજવટે અપનાવેલી અમેરિકા વિરોધી વિદેશનીતિને ધરમૂળથી પલટી નાખવાના ડો.મનમોહન સિંહે આદરેલા ભગીરથ પ્રયાસને નરેન્દ્ર મોદીએ સરટોચે પહોંચાડ્યા છે અને મનમોહન સિંહ-મોદીના આ સહિયારા પ્રયાસના વૃક્ષને હવે ફૂલ બેઠાં છે. મિત્રતાનો દાવો કરીને દુશ્મન જેવો વર્તાવ કરનાર પૂર્વ (ચીન) અને પશ્ચિમ (પાકિસ્તાન)ના આપણા પાડોશીઓ હવે દુનિયામાં ઉઘાડા પડવા લાગ્યા છે. ત્રાસવાદીઓ અને ત્રાસવાદી સંસ્થાઓને પોષણ આપનાર અને તેમને સાચવી લેનાર પાકિસ્તાન અંગે અમેરિકાના રાજકીય આગેવાનો વિવિધ સ્તરે વિચારણા ચલાવી રહ્યા છે. પાકિસ્તાન મિત્રરાજ્ય છે કે નથી તેવા ઠરાવ પર અમેરિકન સેનેટમાં આવતા અઠવાડિયે ચર્ચા થવાની છે.

ઓસામા બિન લાદેન અને તાલિબાની ત્રાસવાદીઓને પાકિસ્તાને આપેલું સંરક્ષણ અમેરિકાને નડ્યું છે અને અફઘાનિસ્તાનમાં ત્રાસવાદ ફેલાવનાર હકક્કાની જૂથને પાકિસ્તાનના લશ્કરી જાસૂસી તંત્રે (ISI) આપેલી મદદની નોંધ લેવાઈ રહી છે. પાકિસ્તાનને આપવામાં આવતી નાણાકીય અને લશ્કરી સહાય સદંતર બંધ કરી દેવી જોઈએ તેવો મત અમેરિકામાં વધારે ને વધારે પ્રબળ બનતો જાય છે. ત્રાસવાદ વિરોધી કારવાઈ કરવાના ઓઠે મેળવેલી મદદનો ઉપયોગ ભારત સામે થાય છે તેવી ભારત સરકારે કરેલી ફરિયાદની ગંભીર નોંધ લેવામાં આવી છે. ભારત પર થયેલા ત્રાસવાદી હલ્લાઓ (મુંબઈ, ગુરુદાસપુર, પઠાણકોટ)નું મથક પાકિસ્તાન છે. તેમાં કોઈને કશી શંકા નથી અને તેમાં સંડોવાયેલા આરોપીઓને પાકિસ્તાને આંગળી પણ અડકાવી નથી તે બાબતમાં દુનિયામાં કોઈને કશી શંકા નથી.

અમેરિકન સેનેટની એશિયા કમિટીના અધ્યક્ષે તાજેતરમાં કરેલા નિવેદનમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે અમેરિકાએ જાહેર કરેલી ત્રાસવાદી સંસ્થાઓમાંથી છ સંસ્થાઓને પાકિસ્તાને છાની રીતે અથવા ઉઘાડે છોગે મદદ આપી છે. ટૂંકમાં કહીએ તો 1965થી ભારત સરકાર પાકિસ્તાની ત્રાસવાદ અંગે જે કહેતી રહી છે તેનો સ્વીકાર અમેરિકાના રાજપુરુષો કરવા લાગ્યા છે. આ ફેરવિચારણાનું બીજું કારણ પાકિસ્તાન, ચીનની મૈત્રી અને તેમની વચ્ચેના વધતા જતા સંબંધો છે. પાકિસ્તાને ઝડપભેર બનાવેલાં અણુશસ્ત્રો પણ અમેરિકાને ખૂંચે છે અને ભારત સામે અણુશસ્ત્રો વાપરવામાં આવશે તેવી ધમકી પાકિસ્તાનમાં વરિષ્ઠ લશ્કરી અધિકારીઓએ અને રાજપુરુષોએ પણ આપી છે તે અમેરિકાના ધ્યાન બહાર નથી. અમેરિકાના કટ્ટર દુશ્મન ઉત્તર કોરિયા અને પાકિસ્તાન વચ્ચેનો સહકાર પણ અમેરિકાને ખૂંચે છે.

અમેરિકાના બદલાયેલા વલણનો અમલ કરવામાં આવે અને આર્થિક મદદ અટકાવી દેવામાં આવે તો પાકિસ્તાની અર્થતંત્ર લથડી પડે અને પાકિસ્તાનની હાલત અતિશય ગંભીર બની જાય, પણ અમેરિકા આવું અંતિમ પગલું ભરવામાં આનાકાની કરે છે, કારણ કે અફઘાનિસ્તાનમાં કામ કરી રહેલાં અમેરિકન લશ્કરી અને રાજકીય જૂથને મદદ મોકલવા માટે પાકિસ્તાનનો સહકાર જરૂરી છે. અમેરિકાની આર્થિક મદદ અને પાકિસ્તાનનો સહકાર એકબીજાની સાથે ગાઢ રીતે સંકળાયેલા છે.

પાકિસ્તાનની સમસ્યાઓ વધારે ઘેરી બનતી જાય છે અને ત્રાસવાદીઓને ટેકો આપવાનું ચાલુ રાખનાર પાકિસ્તાન જોડેની વાટાઘાટો ભારતે બંધ કરી દીધી છે, તેથી પણ પાકિસ્તાની રાજવટની પ્રતિષ્ઠાને ઘણો મોટો ફટકો પડ્યો છે. ચીન પણ અતિ ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. આર્થિક ક્ષેત્રે મહામંદીમાં ફસાઈ પડેલા ચીનને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મોટો ફટકો પડ્યો છે. ચીનની દક્ષિણે આવેલો સાગર પોતાનું ક્ષેત્ર છે અને તેમાં કોઈ પણ પરદેશી રાષ્ટ્રને આર્થિક અથવા લશ્કરી પ્રવૃત્તિ કરવાનો અધિકાર નથી તેવા ચીનના દાવાને આસપાસનાં છ સમુદ્રી રાષ્ટ્રોએ પડકાર્યો છે. વિયેટનામ અને ફિલિપાઇન્સ આ વિરોધના
આગેવાનો છે.

ચીનના દાવાને પડકારતી અરજી ફિલિપાઇન્સની સરકારે હેગની આંતરરાષ્ટ્રીય અદાલતમાં દાખલ કરી હતી. આ અદાલતનો ફેંસલો ગયા અઠવાડિયે જાહેર થયો છે. આ વિસ્તારમાં ચીનનો ભૌગોલિક કે ઐતિહાસિક અધિકાર નથી તેવું જાહેર કરીને અદાલતે આ વિસ્તારને આંતરરાષ્ટ્રીય સમુદ્રી ક્ષેત્ર જાહેર કર્યો છે.

આ ચુકાદાથી અતિશય ઉશ્કેરાયેલા ચીની સત્તાધીશોએ અદાલતનો આદેશ કચરાની ટોપલીને પાત્ર છે તેવું જાહેર કર્યું છે અને ચીન અદાલતના ફેંસલાને માન્ય કરવાનું નથી. આ વિસ્તાર પરનો પોતાનો કબજો છોડવા ચીન તૈયાર નથી, પણ અદાલતનો ફેંસલો ચીન કબૂલ રાખે કે ન રાખે તેનાથી કશો ફરક પડવાનો નથી. બીજાં રાષ્ટ્રો આ ફેંસલાના આધારે ચાલવાનાં છે. અમેરિકાનાં નૌકાદળનાં જહાજો આ વિસ્તારમાં દાખલ થયાં છે. તાઇવાને પોતાનું લશ્કરી જહાજ મોકલી આપ્યું છે. વિયેટનામના દરિયાકાંઠે તેલની ખોજ કરવાનો કોન્ટ્રાક્ટ મેળવનાર ભારતીય વ્યાપારી પેઢીને ભારત સરકારે અનુમોદન આપ્યું છે. ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા, અમેરિકા આ વિસ્તારનાે આંતરરાષ્ટ્રીય દરજ્જો જાળવી રાખવા માટે કટીબદ્ધ છે.

ચીનની આર્થિક અને લશ્કરી તાકાત અતિશય પ્રબળ છે, પણ આખી દુનિયા સામે એકલા હાથે લડવાની શક્તિ ચીનમાં નથી અને દુનિયાનું બીજું કોઈ મહત્ત્વનું રાષ્ટ્ર ચીનની બાજુએ ઊભા રહેવા તૈયાર નથી.

દક્ષિણ ચીન સમુદ્રની બાબતમાં રશિયાએ પોતાનું વલણ જાહેર કર્યું નથી, પણ ચીનના દાવાને ટેકો આપીને રશિયા યુરોપિય સંઘ જોડે પોતાના સંબંધ બગાડવા તૈયાર નથી. ચીન ગમે તેટલા ફૂંફાડા મારે, પણ છેવટે તો યુનોની આંતરરાષ્ટ્રીય અદાલતનો ચુકાદો માન્ય રાખ્યા વગર ચાલવાનું નથી. લડાઈની વાતો દૂર રહી, પણ દુનિયાનાં રાષ્ટ્રો ચીન જોડેનો વેપાર અટકાવે અથવા ઘટાડે તો ચીનની આર્થિક સમસ્યા અત્યારે છે તેના કરતાં ઘણી વધારે ગંભીર બની જાય.
nagingujarat@gmail.com
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો