તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કડી: પલંગ પરથી કાનમાં પહેરવાની સોનાની એક કડી મળી આવી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિઠલપુરના રાજમાર્ગ પર એક ‘ગુલાબ ભવન’ હતું. ત્રણ મજલાના એ મકાનમાં પહેલે માળે એક સહકારી બેન્કનો પટાવાળો કાંતિલાલ રહેતો હતો. બીજા માળે રમેશ એના પરિવાર સાથે રહેતો હતો. એને ફ્રૂટની દુકાન હતી. કાંતિલાલને કોઈ સંતાન ન હતું. પતિ-પત્ની બે જ જણ હતા. જ્યારે રમેશને પત્ની માયા, એક પુત્રી કુસુમ અને વિનોદ પુત્ર હતો. નખશિખ નમણી ને સુંદર કુસુમ યુવાન હતી.
મકાનમાં છેલ્લે માળે મકાનમાલિક શેઠ નગીનદાસ પોતે પત્ની વિમળા સાથે રહેતા હતા. તેમના બે છોકરા કેનેડા સેટ થઈને રહેતા હતા. આ નગીન શેઠનું કસરતી કસાયેલ શરીર કડેધડે હતું. પોતે રંગીન મિજાજના. જ્યારે તેમનાં પત્ની વિમળાબહેન શરીરે સ્થૂળકાય હતા. કામકાજ સિવાય એ નીચે ઊતરતાં ન હતાં.

હવે એક દિવસ વિમળાબહેન એમના ભાઈની છોકરીનાં લગ્નમાં ગયાં હતાં. નગીનદાસ એકલા હતા. જોકે, નગીનદાસના ઘરનું કામ રસોઈ પાણી રમેશભાઈની પુત્રી કુસુમ કરી આપતી હતી. બીજું, નગીનદાસને ત્યાં આવતું ન્યૂઝપેપર હંમેશ નીચે કાંતિલાલ લઈ લેતો અને વાંચીને પછી નગીનદાસને આપી જતો. કાંતિલાલની પત્ની નગીનદાસની નજરે ચડવાનું ટાળતી હતી. તેની નજર સારી ન હતી. આજ સવારે નિત્યક્રમ પ્રમાણે વહેલી સવારે કાંતિલાલ નગીનદાસને ન્યૂઝપેપર આપવા ઉપર ગયો. તો બારણું ખુલ્લું હતું. કાંતિલાલ અંદર ગયા. એણે જોયું તો લોહીથી ખરડાયેલ નગીનદાસની લાશ સેટી પલંગ પર પડી હતી. કાંતિલાલ ધ્રૂજી ઊઠ્યો.

ખૂન... ખૂન... એની બૂમાબૂમથી નીચેના ભાડૂતો તેમજ પાડોશીઓ આવી ગયા. કોઈએ વિમળાબહેનને જાણ કરી. કેનેડા છોકરાઓને ફોન કરાયો. વિમળાબહેન આવે એ પહેલાં રમેશે નજીકના પોલીસ સ્ટેશને જાણ કરી નગીનદાસની હત્યાના ખબર આપ્યા. એ સાથે પોલીસ અધિકારી રાજદેવ સાહેબ એમના મદદનીશો સાથે આવી પહોંચ્યા. ગુલાબ ભવન પાસે લોકોની બહુ ભીડ હતી. સાહેબે નગીનદાસની લાશનું પરીક્ષણ ઝીણી નજરે કર્યું તો નગીનદાસના ગળે છરીથી વાર થયેલો જણાયો. છરી સામાન્ય શાકભાજી સુધારવાની હતી, જે લોહિયાળ ત્યાં પડી હતી.
 
તેના પરની ફિંગરપ્રિન્ટ લેવાઈ તેમજ પલંગ પરથી કાનમાં પહેરવાની સોનાની એક કડી મળી આવી. પછી લાશના ફોટોગ્રાફ લેવાયા. પંચનામું થયા બાદ લાશ પી.એમ. માટે મોકલવાની તૈયારી ચાલતી હતી ત્યાં વિમળાબહેન આવી પહોંચ્યાં. એમણે મરણપોક મૂકી. વાતાવરણ ગમગીન થઈ ગયું. એ શાંત પડતાં એમનું સ્ટેટમેન્ટ લેવાયું. એમના કહેવા મુજબ નગીનદાસને કોઈ જાતનો અણબનાવ કે દુશ્મનાવટ ન હતી. છતાં એમની હત્યા થઈ એ જ પ્રશ્ન હતો. રાજદેવ સાહેબે આજુબાજુના લોકો તેમજ ભાડૂતોની પૂછપરછ કરી, પણ હત્યારાનો કોઈ સુરાગ ન મળ્યો.

અંતે બીજા દિવસે રાજદેવ સાહેબે અંગત ખબરીને હત્યારાની તપાસ કરવા કહ્યું તેમજ લાશ પાસેથી પલંગમાંથી મળેલી સોનાની કડી જોઈ રાજદેવ સાહેબે અનુમાન કર્યું કે હત્યામાં કોઈ સ્ત્રીનો હાથ હોવો જોઈએ. વળી, ખબરીએ રિપોર્ટ આપ્યો કે નગીનદાસ શેઠની પત્ની સાવ મુડદલ જેવી હંમેશાં માંદી રહે છે, તેથી નગીનદાસ પોતે રહ્યો રંગીનમોજી તબિયતનો એટલે કુસુમ પાછળ પૈસા વાપરવામાં એ પાછું વળીને જોતો ન હતો અને એ એક બે વાર કુસુમ સાથે શરીરસંબંધ પણ બાંધી ચૂક્યો હતો. પૈસાના લોભે કુસુમ એની ચુંગાલમાં ફસાયેલી. તો સાહેબને એક સવાલ એ હતો કે પૈસા તેમજ અન્ય વસ્તુ મળતી હોય તો કુસુમ એની હત્યા શા માટે કરે? એ તો બિચારી ના પાડતી હતી કે મેં શેઠની હત્યા કરી નથી અને હું હત્યા બારામાં કશું જાણતી નથી. કુસુમની મા માયાને કુસુમ પર બેહદ પ્રેમ હતો.

કુસુમને પોલીસ સ્ટેશને બોલાવતાં એ ગભરાઈ ઊઠી હતી. બીજા દિવસે રાજદેવ સાહેબે માયાને બોલાવીને સ્ત્રીઓ કાનમાં સોનાની કડી પહેરે એ કડીને માધ્યમ બનાવી પહેલાં કડી બતાવીને પૂછ્યું, ‘માયાબહેન, ગઈ કાલે કુસુમ અહીં આવી હતી. આ એની કડી ભૂલી ગઈ છે. લો તમે આપી દેજોને.’ કડી હાથમાં લઈને માયા ઉતાવળે બોલી ગઈ, ‘સાહેબ, આ કડી કુસુમની નથી. આ કડી તો મારી છે.’ ‘પણ એ કડી તો નગીનદાસની લાશ પાસેથી મળી છે.’ ત્યારે એકાએક માયાને પોતાની ભૂલ સમજાઈ. કુસુમના ભોળપણનો લાભ લેતા નગીનદાસની હત્યા કર્યાનું કબૂલ્યું. એક કડી માયાની હાથકડી બની રહી.
અન્ય સમાચારો પણ છે...