તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેસ્ટ બ્રાન્ડિંગ બ્રેઇન દર્શનભાઈ પટેલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ માર્કેટમાં સારાં કે સસ્તાં ઉત્પાદનો જ નહીં, પણ એ ઉત્પાદનો માર્કેટ લીડર બને છે, જે ગ્રાહકોની જરૂરિયાતો પૂરી કરે છે. ડિઓડરન્ટ ફોગ માટે મશહૂર વિની કોસ્મેટિક્સના સંસ્થાપક-સીઈઓ દર્શન પટેલ બે ડઝન કન્ઝ્યુમર બ્રાન્ડ્સને માર્કેટમાં લીડર બનાવી ચૂક્યા છે. ગ્રાહકોની જરૂરિયાત અને ઇચ્છાને સમજવાની તેમનામાં અદ્્ભુત ક્ષમતા છે. દિગ્ગજ કંપનીઓ પહેલાં ઉત્પાદનો બનાવતી હતી અને પછી અથાહ પૈસા ખર્ચ કર્યા પછી ઉત્પાદનનું બ્રાન્ડિંગ અને માર્કેટિંગ કરતી હતી.
તેનાથી બરાબર ઊલટું દર્શનભાઈ પટેલ સૌથી પહેલાં ગ્રાહકોની જરૂરિયાતને શોધે છે, તેનું બ્રાન્ડિંગ કરે છે અને પછી ઉત્પાદન બનાવે છે. તેઓ એવા માર્કેટિંગ બ્રેન અને સેલ્ફ મેડ બ્રાન્ડ વિઝાર્ડ છે જેમને નવું ઉત્પાદન બનાવવા, તેનું બ્રાન્ડિંગ અને માર્કેટિંગ કરવામાં કોઈ બરાબરી કરી શકે તેમ નથી. દર્શનભાઈ પટેલે બ્રાન્ડિંગ અને માર્કેટિંગનું વિધિવત્ શિક્ષણ લીધું નથી. ગ્રાહકોના બિહેવિયરને સમજવાની ગોડ ગિફ્ટ તેમને મળી છે.

અમદાવાદમાં જન્મેલા અને ઓરિસ્સામાં મોટા થયેલા દર્શનભાઈ પટેલ કેમેસ્ટ્રી ગ્રેજ્યુએટ છે. 1985માં તેઓ પરિવારની પારસ ફાર્મામાં જોડાયા ત્યારે કંપની વાર્ષિક 50 લાખ રૂપિયાનો વેપાર કરી રહી હતી. પારસ ફાર્માનાં મુખ્ય ઉત્પાદનો હતાં- મૂવ, ક્રેક અને ઇચગાર્ડ. મૂવનો આયોડેક્સ સાથે અને ક્રેકનો બર્નાલ સાથે મુકાબલો થઈ રહ્યો હતો. પ્રેસ્ટિજ કૂકર લોકપ્રિય થયા પછી બર્ન ઓઇન્ટમેન્ટ માર્કેટ સંકોચાવા લાગ્યું હતું. એક દિવસ મુંબઈના ચર્ચગેટ સ્ટેશન પર દર્શનભાઈએ મહિલાઓની એડીઓમાં ક્રેક જોઈ, પછી તેમણે ક્રેકને ક્રેક્ડ હિલ્સ ઓઇન્ટમેન્ટ તરીકે લોન્ચ કરી. એ સમયે મૂવ દુખતા ઘૂંટણોનો ઇલાજ હતો.
દર્શનભાઈએ જોયું કે સાઠથી વધારે ઉંમરના લોકોને આ તકલીફ થાય છે, પરંતુ તેઓ દર્દ સહન કરી લે છે, ઉપચાર કરાવતા નથી. તેનાથી વિપરીત બેકપેઇન યુવાઓને પણ થવા લાગ્યું હતું. દર્શનભાઈએ મૂવને બેકપેઇન રિલીવર તરીકે લોન્ચ કરી અને આયોડેક્સને પાછળ છોડી દીધી. આવી પ્રાથમિક સૂઝબૂઝથી તેમણે પારસ ફાર્માના ડર્મી કૂલ, રિંગ ગાર્ડ, ડીકોલ્ડને પણ માર્કેટમાં નવી ઓળખ અપાવી. 1999માં કંપની વાર્ષિક 100 કરોડનો કારોબાર કરવા લાગી હતી. 2006માં ભાઈઓ સાથે મતભેદ થવાને કારણે દર્શનભાઈએ પોતાની 24 ટકા ભાગીદારી વેચીને પારસ ફાર્મા છોડી દીધી.

ચાર વર્ષ સુધી દર્શનભાઈએ ગ્રાહકોની જરૂરિયાતને અનુરૂપ પ્રોડક્ટ્સ ડેવલપ કરી, વિતરકોનું નેટવર્ક બનાવ્યું અને 2010માં સ્થાપના કરી વિની કોસ્મેટિક્સની. આ કંપનીના પહેલાં ઉત્પાદનો હતાં- વ્હાઇટ ટોન ફેસ પાઉડર, જિજ્નોલા અને ડિઓ સ્પ્રે-18 પ્લસ. દર્શનભાઈએ જોયું કે ડિઓડરન્ટ કેન્સના જલદી ખતમ થઈ જવાથી ગ્રાહકો ખુશ નથી, તેથી તેમણે સુગંધની સાથે વધારે સ્પ્રેવાળું ડિઓડરન્ટ ફોગ (ફ્રેન્ડ ઓફ ગુડ ગાઇસ/ગર્લ્સ) લોન્ચ કર્યું. તેની સાથે તેમણે નોન-એરોસોલ પંપનો ઉપયોગ કર્યો જેનાથી ગેસ બિનજરૂરી થઈ ગયો.
2011માં વિની કોસ્મેટિક્સે ફોગને ‘બિના ગેસ વાલા ડિઓડરન્ટ’ની ટેગલાઇન સાથે લોન્ચ કર્યું. તેમણે ગ્રાહકોને સમજાવ્યું કે ગેસ ન હોવાને કારણે લિક્વિડ સરળતાથી બાષ્પમાં નથી ફેરવાતું, જેનાથી વેસ્ટેજ ઓછું થાય છે. એક બોટલથી એવરેજ યૂઝર્સ 40 દિવસ સ્પ્રે કરી શકશે, જ્યારે અન્ય ડિયો સ્પ્રે 15થી 20 દિવસ જ ચાલે છે. અન્ય સ્પ્રેથી થોડું મોંઘું હોવા છતાં ફોગ હિન્દુસ્તાન યુનિલીવરના એક્સ અને આઈટીસીના એન્ગેજને પાછળ છોડીને માર્કેટમાં લીડર બની ગયું.

વિની કોસ્મેટિક્સનાં અન્ય ઉત્પાદનો પણ ઇનોવેટિવ છે. ફેસિયલ સ્પ્રે ન્યૂ ફીલ ચહેરાનું ક્લીનિંગ, મોઇશ્ચરિંગ અને રિફ્રેશિંગ કરે છે. વાઇટ ટોન ફેરનેસ કોમ્પેક્ટ પાઉડર છે. ગ્લેમઅપ મહિલાઓના લુકને સુંદર બનાવનાર બ્યુટી ક્રીમ છે. દર્શનભાઈ પટેલ ગ્રાહકોની જરૂરિયાત કેવી રીતે સમજે અને સંતોષે છે, તે સૌના માટે એક મિસાલ છે.

તેમણે એક મહિલાને પોતાના એપાર્ટમેન્ટની ગેલેરીમાં હેર વોશ પછી ગૂંચવાયેલા વાળને ઉકેલતાં જોઈ અને બનાવી દીધું ગૂંચની ઝંઝટમાંથી મુક્તિ અપાવતું સોલ્યુશન લિવોન (લીવ-ઇન હેર કન્ડિશનર).

એફએમસીજી માર્કેટની ગળાકાપ પ્રતિસ્પર્ધાની વચ્ચે દર્શનભાઈ પટેલ માત્ર છ વર્ષમાં જ વાર્ષિક 619 કરોડ રૂપિયાનું ટર્નઓવર કરવા લાગ્યા છે. તેમાં 100 કરોડ રૂપિયા નિકાસ કમાણી છે. કેન્યામાં તેમણે મેન્યુફેક્ચરિંગ શરૂ કરી દીધું છે અને હવે 30 દેશોમાં કારોબારનો વિસ્તાર કરી રહ્યા છે. ભારતમાં 5 હજાર જથ્થાબંધ વેપારી અને 7.5 લાખથી પણ વધારે રિટેલર્સ તેમનાં ઉત્પાદનો ગ્રાહકો સુધી પહોંચાડી રહ્યા છે. દર્શનભાઈ પ્રોફેશનલ્સ પર નિર્ભર નથી. તેઓ જાતે ફ્રન્ટ મોરચો સંભાળે છે. ફોગના બ્રાન્ડિંગ અને માર્કેટિંગની સંકલ્પના તેમણે જાતે જ બનાવી અને પછી એડ એજન્સીને તેના પર કામ કરવા માટે આપ્યું.

દર્શનભાઈનું કહેવું છે કે હું બ્રાન્ડની હેલ્થની ચિંતા કરું છું અને સુનિશ્ચિત કરું છું કે બ્રાન્ડ ગ્રાહકની જરૂરિયાત પૂરી કરે.
અન્ય સમાચારો પણ છે...