સ્વચ્છતા યોજનામાં સમર્પિત આદિવાસી નારી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્વચ્છતા યોજનામાં સમર્પિત આદિવાસી નારી

સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે, જે આપણાં સૌના હિતમાં છે એવું સારી રીતે જાણતાં હોવા છતાં આપણે શું કરીએ છીએ? આપણામાંથી મોટા ભાગના લોકો તેના વિશે ચર્ચા કરવા સિવાય કશું જ કરતા નથી. સ્વચ્છતા અભિયાન એ ફક્ત સરકારી અભિયાન નથી. એમાં આપણે પણ જોડાવાનું હોય છે. માત્ર સરકાર કંઈ ન કરી શકે. એ માટે તમારી પાસે મોટી મોટી ડિગ્રી હોય એ જરૂરી નથી.

તમને વાંચીને નવાઈ લાગશે કે કાચા મકાનમાં અને આદિવાસી વિસ્તારમાં રહેતાં માત્ર દસમું ધોરણ પાસ રમીલાબહેન ગામીતે પોતાના જ નહીં, પરંતુ આજુબાજુના ગામમાં શૌચાલય બનાવડાવ્યાં છે, જે બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 8મી માર્ચે તેમનું સન્માન કરવામાં આવ્યું.  રમીલાબહેન તાપી જિલ્લાના સાવ નાનકડા એવા ટપરવાડા ગામમાં રહે છે. ગામમાં સફાઈ અભિયાન હોય કે પાણીને લગતી સમસ્યા કે સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી કોઈ બાબત હોય એમાં રમીલાબહેન હાજર ન હોય એવું ન બને.

ઘરનાં કામ છોડીને પારકાં કામ કરવા તત્પર એવાં રમીલાબહેનમાં પિયરમાં પાદરી કાકા અને સાસરિયામાં સરપંચ સસરાના સેવાભાવનાના ગુણ ઊતર્યા. ચાલીસી વટાવી ચૂકેલાં રમીલાબહેને દસમું ધોરણ પાસ કર્યા બાદ નર્સિંગનો અભ્યાસ કર્યો અને સરકારી હોસ્પિટલમાં નોકરી મેળવી. તે કહે છે, ‘મારા પતિ પોસ્ટ  ઓફિસમાં છે અને મારે ચાર બાળકો છે. થોડા સમય પહેલાં પતિ બહુ બીમાર પડતાં મેં નોકરી છોડી દીધી અને ખેતીવાડી અને પોસ્ટને લગતા કામમાં ધ્યાન આપવા લાગી.

જેમાં ગામમાં કોઈને પોસ્ટ ઓફિસમાં પૈસા ભરવા હોય, ઉપાડવા હોય વગેરે જેવાં કામમાં મદદ કરતી. ચાર વર્ષ પહેલાં એક બહેનની સમજાવટથી મિશન મંગલમમાં જોડાઈ. જેમાં બચત યોજના, બાળકોનું ભણતર, વિધવા પેન્શન, સ્વચ્છતા અભિયાન વગેરે જેવી અનેક યોજનાઓ વિશે જાણ્યું અને આ અંગે ગામમાં ઘરે ઘરે જઈને બહેનોને સમજાવતી અને સખીમંડળ બનાવ્યાં. સખીમંડળ દ્વારા બહેનો પગભર થઈ અને બચત કરતી થઈ.

એ દરમિયાન સરકાર દ્વારા ઘરે ઘરે શૌચાલય બનાવવાની યોજના બહાર પડી. જેમાં કડિયાકામની તાલીમ આપવામાં આવતી હતી, જે મેં લીધી. મને એનું પ્રમાણપત્ર મળ્યું અને મારા નામે એમઓયુ કરવામાં આવ્યા. એ પછી સૌથી પહેલાં મેં અમારું શૌચાલય બનાવ્યું. એ પછી ધીરે ધીરે આખા ગામ અને આસપાસનાં ગામોમાં એમ કુલ 312 શૌચાલયો બનાવડાવ્યાં. હજુ પણ આ કામગીરી ચાલુ જ છે.’
જંગલ અને ડુંગરાળ વિસ્તામાં આવેલા ટપરવાડા ગામના લોકો ખેતી અને પશુપાલન પર નભે છે.

આ ગામમાં પાકાં મકાનો પણ ભાગ્યે જ જોવા મળે છે. આવા વિસ્તારમાં ઘરે ઘરે જઈને લોકોને સમજાવવા, ઘરમાં દરેક બાળકને સ્કૂલે જતાં કરવાં અને બહેનોને પગભર કરવી એ કંઈ સરળ કામ નથી. એ અંગે રમીલાબહેન કહે છે,‘ઘરમાં શૌચાલય બનાવવાથી વહુ, બાળકો, ઘરડાં મા-બાપને ઝેરી જીવજંતુ અને જંગલી પ્રાણીઓથી બચાવી શકાય છે. આ ઉપરાંત ગંદકી ન કરવા, સાબુથી હાથ ધોવા અંગે લોકોને સમજાવીએ ત્યારે અમુક લોકો સમજે અને ઘણા ન બોલવાનું બોલે પણ ખરા, પરંતુ તે વાતને ધ્યાન પર નહીં લેતાં, આપણે કામ કર્યે જવાનું.

સરકાર શૌચાલય બનાવવાના 12 હજાર રૂપિયા આપે છે તેથી અમે જથ્થામાં ઈંટ, સિમેન્ટ, પતરાં, દરવાજા ખરીદી લઈએ અને ફક્ત એક કડિયાને બોલાવીએ. તેની સાથે અમે બધી બહેનો પણ ચણતર કરવા લાગીએ એટલે શૌચાલય તૈયાર થઈ જાય. એમાં મુશ્કેલીઓ પણ પડે. જે ગામમાં શૌચાલય બનાવવાનું હોય ત્યાં રસ્તા સારા ન હોય તો સામાન પહોંચાડવામાં ઘણી તકલીફ પડે. આ બધામાં ઘણી વાર ઘરનાં કામ રખડી પડે, પણ પતિ અને બાળકોનો સપોર્ટ હોવાથી વાંધો આવતો નથી.’ તે વધુમાં કહે છે, ‘જે બહેનો ભણેલી છે તેમણે ઘરમાં બેસી ન રહેતાં અન્ય બહેનોને મદદ કરવી જોઈએ.’
 
 
અન્ય સમાચારો પણ છે...