તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પિગ્મેન્ટના ક્ષેત્રે મેળવી સફળતા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પિગ્મેન્ટના ક્ષેત્રે મેળવી સફળતા
મૂળ કેરલનાં પણ અમદાવાદમાં જન્મેલાં શ્રીદેવી જ્યારથી સમજણાં થયાં ત્યારથી મોટાં થઈને બિઝનેસ કરવાનું નક્કી કરી લીધું. બિઝનેસ પણ એવો કે જેમાં મહિલાઓએ પ્રવેશ કર્યો ન હોય, તેથી તેમણે પિગ્મેન્ટના બિઝનેસમાં ઝંપલાવવાનું નક્કી કર્યું. એ માટે બી.એસસી. કેમેસ્ટ્રીનો અભ્યાસ કર્યો. 21 વર્ષની વયે પિગ્મેન્ટ બનાવવાનું શરૂ કર્યું. શ્રીદેવી કહે છે, ‘પિગ્મેન્ટ એ એવો પદાર્થ છે જેનો ઉપયોગ જાતજાતના કલર બનાવવા માટે થાય છે. એ પછી દીવાલ પર લગાવવાનો કલર હોય કે કપડાં રંગવાનો. પ્લાસ્ટિકથી માંડી ટેક્સટાઇલ, ઇન્ક, કાર્પેટ, કોસ્મેટિક્સ અને સાબુ એમ દરેક વસ્તુમાં કલર વપરાય છે, જે પિગ્મેન્ટમાંથી બને છે.’

જે ક્ષેત્રમાં મહિલાની કલ્પના સુધ્ધાં ન કરી શકાય એવા ફિલ્ડમાં પ્રવેશવું અને પછી ટકી રહેવું એ બહુ અઘરું કામ છે, કારણ કે એમાં ડગલે ને પગલે પોતાની જાતને પ્રૂવ કરવી પડે છે. જે અંગે શ્રીદેવી કહે છે, ‘હું એક સ્ત્રી હોવાને કારણે શરૂઆતમાં લોકો મને અન્ડર એસ્ટિમેટ કરતા. મજૂરો કહેતાં કે, આ તો બહેન છે, આને મોટાં મોટાં મશીનોમાં શું ખબર પડે. એ જ રીતે પર્ચેસથી માંડી સેલ્સ અને ડીલર્સ એમ દરેક ક્ષેત્રના લોકો એવું સમજતા કે, મહિલા થઈને કઈ રીતે પિગ્મેન્ટ બનાવી શકે! આ પ્રકારની માનસિકતાને લીધે મને પહેલાં ઓર્ડર મેળવવામાં તકલીફ પડતી. ઘણા વેપારીઓ નાના નાના ઓડર જ આપતા. એમનો વિશ્વાસ જીતવા મારે બહુ મહેનત કરવી પડી હતી. હવે વાંધો આવતો નથી.’

બે દાયકામાં શ્રીદેવીબહેને આ ક્ષેત્રમાં એવું તો કાઠું કાઢ્યું કે તેમનું પિગ્મેન્ટ ભારતભરમાં જ નહીં, પણ પરદેશમાં પણ એક્સપોર્ટ થવા લાગ્યું. પરિવારની સાથે બિઝનેસને મેનેજ કરવો એ સરળ નથી. આ અંગે તે કહે છે, ‘હા, અઘરું તો છે, પરંતુ કામની પ્રાયોરિટીને પ્રાધાન્ય આપીને કામ કરવામાં આવે તો થોડું સરળ બની જાય છે. મારા હસબન્ડની ગવર્ન્મેેન્ટ જોબ છે અને હું બિઝનેસ કરતી હોવાથી મારે ડીલર સાથે ડીલ કરવા પરદેશ પણ જવું પડે, પણ જો કંઈક કરવું હોય તો મેનેજમેન્ટ કરતાં શીખવું પડે. બીજું, અમારી ફેક્ટરી હોવાને કારણે પોલ્યુશનથી માંડી વર્કર અને મશીનોમાં કોઈ ફોલ્ટ આવવો વગેરે જેવી નાની-મોટી સમસ્યાઓ તો સર્જાતી જ હોય છે.
 
ઘણી વખત એવું બને કે માલ સપ્લાય કરવાનો હોય પણ વર્કર્સ રજા પર હોય અથવા તો સ્ટાફ ઓછો હોય, આવી સ્થિતિમાં મારે તેમનું પ્રોત્સાહન વધારવા તેમની સાથે ને સાથે રહેવું પડે. ક્વોલિટી ઇસ્યૂ આવે ત્યારે સોર્ટ આઉટ કરવા જવું પડે. અમારી કંપનીમાં ચોવીસ કલાક કામ ચાલતું હોવાથી અમુક વખત રાત્રે કંપનીમાં રોકાવું પણ પડે. ક્યારેક દીકરી બીમાર હોય ત્યારે તેને ઓફિસ સાથે લઈ આવું જેથી તેનું ધ્યાન રાખી શકાય.’

બિઝનેસ સેટ થઈ જાય એટલે બધું વ્યવસ્થિત ગોઠવાઈ જાય એવું નથી હોતું. તેનો વિકાસ કરવા માટે સતત અપડેટ રહેવું પડે છે. એ માટે શ્રીદેવી સેમિનાર, વર્કશોપ એટેન્ડ કરે છે અને વાંચતાં રહે છે. પોતાની જાતને ફિટ રાખવા અને સ્ટ્રેસથી દૂર રહેવા નિયમિત યોગ, મેડિટેશન તથા સ્પિરિચ્યુઅલ એક્ટિવિટી કરે છે. ફેમિલી સાથે ફરવા જઈને કામમાંથી થોડો બ્રેક લઈ લે છે. તેઓ કૂકિંગનો શોખ ધરાવતાં હોવાથી આટલા ટાઇટ શિડ્યુલની વચ્ચે પણ રસોઈ તો તે જાતે જ બનાવે છે.

સ્ત્રીમાં એટલી શક્તિ છે કે એ ધારે એમ કરી શકે છે એવું દૃઢપણે માનનારાં શ્રીદેવી કહે છે, ‘ભગવાને સ્ત્રીને મલ્ટિ ટાસ્કિંગ મેનેજેબલ બનાવી છે, પણ મોટાભાગની સ્ત્રીઓ લોકો શું કહેશે? હું શા માટે કરું? આવું વિચારીને કંઈ કરવાની હિંમત કરતી નથી. દરેક વ્યક્તિ પાસે 24 કલાક છે. એનો ઉપયોગ કરીને કંઈક સિદ્ધિ પ્રાપ્ત કરવી  કે આ ચોવીસ કલાકને વેડફવા એનો નિર્ણય તેણે પોતે કરવાનો હોય છે. જીવનમાં કોઈ ધ્યેય રાખવું જોઈએ અને આત્મવિશ્વાસથી તેને પૂર્ણ કરવા મહેનત કરવી જોઈએ.’ 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો