તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કન્યાકેળવણીમાં કાઠુ કાઢનાર ગુજરાતણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નામ: ધારિણી શુક્લ
પતિ: અનિલકુમાર શુકલ (બિઝનેસ)
એવોર્ડ: ‘નારી શક્તિનો એવોર્ડ’, ‘બેસ્ટ એજ્યુકેશનનો એવોર્ડ’, ‘સ્પેશિયલ એચીવર્સ અેવોર્ડ’

આજની યુવતી લગ્ન બાદ અભ્યાસ કરે તો આપણને કંઈ નવાઈ લાગતી નથી, પણ આજથી સાઠ વર્ષ પહેલાંનો સિનારિયો અલગ હતો. અઢાર વર્ષે દીકરીને પરણાવી દેવામાં આવતી. એ વખતે ‘બેટી પઢાવોને’ મહત્ત્વ આપવામાં આવતું નહોતું. એમાંય લગ્ન બાદ ભણનાર યુવતીઓની સંખ્યા બહુ જૂજ હતી. એમાં ધારિણીબહેનનો સમાવેશ કરી શકાય. નાનપણથી જ તેમને ભણવાનો ભારે શોખ હતો. તે કહે છે, ‘નાની હતી ત્યારે ડોક્ટર, કલેક્ટર વગેરેના ઘરની બહાર એમની નેઇમ પ્લેટ અને તેમનો ઠસ્સો જોઈને, મને થતું કે ગમે તે ભોગે અભ્યાસ કરીને મારે પણ કંઈક બનવું છે. બસ આજ ધૂનને લીધે એમ.એ. એમ.એડ કરીને હું અહીં સુધી પહોંચી શકી છું.’

ધારિણીબહેને શોખ ખાતર ફક્ત ડિગ્રીઓ જ મેળવી છે એવું નથી, પરંતુ શિક્ષિકા તરીકે કારકિર્દીનો આરંભ કરી પોતાની આવડતને આધારે શિક્ષકમાંથી પ્રિન્સિપલ બની સરકારી શાળાનું સંચાલન પણ કર્યું છે. રિટાયર થયા હોવા છતાં સતત કાર્યરત રહેવામાં માનનાર તેઓ હાલમાં પોતાની સ્કૂલ અને કોલેજનું સંચાલન કરે છે. આ ઉપરાંત ગામંડાઓમાં જઈ જઈને દીકરીઓને મફત શિક્ષણ આપે છે. તે કહે છે, ‘દીકરીઓને ભણવું હોય છે, પરંતુ સગવડ અને આર્થિક સ્થિતિ નબળી હોવાને લીધે તે ભણી શકતી નથી. તેમની જરૂરિયાતોને પૂરી કરી અમે તેમને ભણાવીએ છીએ.’

આ રીતે અત્યાર સુધીમાં 1800 કન્યાઓને ભણાવી ચૂકેલ ધારિણીબહેન તરુણાવસ્થામાં પ્રવેશેલાં સંતાનોને અને માતા-પિતા વચ્ચે સામંજસ્ય સ્થાપવાનો પ્રયત્ન પણ કરે છે. એ અંગે તે કહે છે, ‘તરુણાવસ્થામાં પ્રવેશેલા દીકરા દીકરીઓમાં જે શારીરિક ફેરફાર આવે છે, તેના વિશે માતા-પિતા દ્વારા મુક્ત મને ચર્ચાઓ થતી નથી. આવી સ્થિતિમાં તેઓ મૂંઝાય છે. તેમને સાચું માર્ગદર્શન ન મળે તો તેઓ ભટકી જતા હોય છે. તેથી તેમના માટે અલગથી વર્કશોપ કરવામાં આવે છે. સાથે તેમનાં માતા-પિતાઓને પણ તરુણાવસ્થામાં પ્રવેશેલાં સંતાનો સાથે કેવું વર્તન કરવું જોઈએ એ અંગે સમજાવીએ છીએ. હું એવું માનું છું કે દરેક માતા-પિતાએ ટીનએજ બાળકો સાથે મિત્ર જેવું વર્તન કરી તેમની સમસ્યાઓનું સમાધાન કરવું જોઈએ. તેનાથી બાળકના સ્વભાવ અને ઘરના વાતાવરણમાં ચોક્કસ ફરક પડશે.’

સતત વિદ્યાર્થીઓ સાથે જીવતા અને પોઝિટિવ એટિટ્યૂડ ધરાવનાર ધારિણીબહેનને સ્પોર્ટ્સ સાથે લગાવ છે. તેથી પોતાની સ્કૂલ અને કોલેજમાં વિવિધ રમતો રમાડે છે, સાથે ગુજરાત વુમન્સ ક્રિકેટ એસોસિયેશનના વાઇસ પ્રેસિડન્ટની કામગીરી પણ સંભાળે છે. છ દાયકા વટાવી ચૂક્યાં હોવા છતાં યુવાનોને પણ શરમાવે તેવી ફિટનેસ ધરાવતાં ધારિણીબહેન જાતને ફિટ રાખવા નિયમિત 45 મિનિટ ચાલે છે અને પ્રાણાયામ કરે છે. આ તો થઈ ફિટનેસની વાત, પણ શૂન્યમાંથી સર્જન કરવા પાછળ તેમણે જે સંઘર્ષ કર્યો છે તેની વાત કરતાં તેઓ કહે છે, ‘હું એક સામાન્યમાં સામાન્ય મા-બાપની દીકરી છું.
લગ્ન પણ સાધારણ પરિવારમાં થયાં હતાં. પહેલાં દીકરીને જ ભણાવતા નહોતા તો વહુને ભણવું અઘરું હતું. ઘર અને બે સંતાનોની જવાબદારી નિભાવતાં નિભાવતાં અભ્યાસ કરવામાં બહુ તકલીફ પડી છે, પણ મગજમાં ગમે તેમ થાય તોય ભણવું એવું નક્કી કરી રાખ્યું હતું, તેથી બીજી સમસ્યાઓ મારા માટે ગૌણ બની જતી હતી. બીજું, આર્થિક રીતે સધ્ધર થવું એ પણ બહુ જરૂરી હતું. અમારી સ્થિતિ એટલી સારી નહોતી. મારે મારાં સંતાનોનો ઉછેર સારી રીતે કરવો હોય તો કમાવું પડે તેમ જ હતું, તેથી સ્કૂલમાં ભણાવવાની સાથે ટ્યુશનો પણ કરતી. સતત 16 કલાક કામ કરતી. આમ કરતાં કરતાં સ્થિતિ સુધરતી ગઈ. આજે પણ તકલીફો તો પડે છે, પરંતુ તેનું સ્વરૂપ બદલાયું છે. આવી સ્થિતિમાંથી બહાર નીકળવા ઊંડા શ્વાસ લઉં છું. મનમાં ગીત ગાવા લાગું છું અને બીજી કોઈ પ્રવૃત્તિ કરી મનને ડાયવર્ટ કરું છું.

ગઝલો સાંભળવાનો, રસોઈ બનાવવાનો અને જ્વેલરીનો શોખ ધરાવનારાં ધારિણીબહેન કહે છે, ‘દરેક સ્ત્રીએ મક્કમ મને અને કોન્ફિડન્સથી જીવવું જોઈએ. જે કામ કરો તે સંપૂર્ણપણે કરો. એટલા વર્કોહોર્લિક પણ ન થઈ જાવ કે પરિવારથી વેગળા રહી જવાય. પરિવારથી વધારે દુનિયામાં કંઈ નથી, તેથી પરિવારનું મહત્ત્વ ઓછું ન આંકવું જોઈએ. બીજું, કોણે આપણા માટે શું કર્યું? એવું વિચારવાને બદલે આપણે બીજા માટે શું કર્યું એવું વિચારી અપેક્ષા વગરનું જીવન જીવીને ખુશ રહો.’
અન્ય સમાચારો પણ છે...