તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેટ્રો સિટીમાં મહિલાઓને સ્પેસ મળવી જોઇએ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદની સેપ્ટ યુનિવર્સિટીમાંં ફેકલ્ટી ઓફ આર્કિટેક્ટ તરીકે કાર્યરત માધવીબહેન ‘વુમન આર્કિટેક્ટ અેન્ડ મોર્ડનિઝમ ઇન ઇન્ડિયા’ પર પુસ્તક લખી રહ્યાં છે
‘છ દાયકા વટાવ્યા બાદ મહિલાઓ સામાન્ય રીતે ધર્મધ્યાનમાં મન પરોવવા લાગે છે, પરંતુ આ ઉંમરે પણ મેટ્રો સિટીમાં મહિલાઓની સ્થિતિ વિશે સંશોધન કરતી હોય એવી મહિલાને મળીને ખરા અર્થમાં આનંદ થાય. જેમાં માધવી દેસાઈનો સમાવેશ કરી શકાય. માધવીબહેન છેલ્લાં 30 વર્ષથી સેપ્ટ યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઓફ આર્કિટેક્ટ તરીકે કાર્યરત છે. એમાં છેલ્લાં બે વર્ષથી ‘જેન્ડર એન્ડ સિટી’ ભણાવવાનું શરૂ કર્યું છે. જે દ્વારા અદૃશ્ય લાગતી પણ ગંભીર એવી મહિલાઓની સ્થિતિ અંગે વિદ્યાર્થીઅોનેે પ્રોજેક્ટ દ્વારા માહિતગાર કરે છે અને તેને દૂર કરવા પ્રયત્ન કરે છે.
માધવીબહેન કહે છે, ‘આપણે સ્માર્ટ સિટીની મોટી મોટી વાતો કરીએ છીએ, પણ એમાં સ્ત્રીઓ માટે સ્પેશ્યિલ કંઈ ડિઝાઇન કરવામાં આવતું નથી. કોઈ સ્ત્રી બસની કે રિક્ષાની રાહ જોઈને ઊભી હોય તો તેને આવતાં જતાં પુરુષો ખરાબ નજરેથી જુએ છે. તેથી જ સ્ત્રી પાનના ગલ્લે પાન લેવા જવાની હિંમત કરી શકતી નથી. મહિલા પિરિયડમાં હોય તો તેને ચેઇન્જ કરવા માટે બસસ્ટોપ નજીક ક્યાંય વોશરૂમ હોતો નથી. એ માટે તેને ઘર, ઓફિસ કે કોલેજ પહોંચવાની રાહ જોવી પડે છે. ઘરમાં અને ઘરની બહાર આવી તો અનેક બાબતો છે જેને નજરઅંદાજ કરવામાં આવે છે. મેટ્રો સિટીમાં મહિલાઓને સ્પેસ મળી રહે એ બાબતનું ધ્યાન રાખવું જોઈએ.’

અમદાવાદમાં ઉછરેલાં માધવીબહેને એમના વખતમાં જ્યારે મહિલાઓ ભાગ્યે જ આર્કિટેક્ટ બનતી હતી ત્યારે આ ક્ષેત્રને કરિયર તરીકે પસંદ કરી સેપ્ટમાંથી બેચલર ઓફ આર્કિટેક્ટ કર્યું અને એમાં માસ્ટર કરવા અમેરિકા ગયાં. માસ્ટર પત્યા પછી જોબ મળી જતાં ત્યાં જ પરણીને સેટલ થઈ ગયાં. તે કહે છે કે, ‘પરદેશમાં ભારત જેવી મજા નથી એમ વિચારી અમે જોબ છોડી હંમેશ માટે સ્વદેશ ફર્યાં. અહીં આવ્યા બાદ પ્રેક્ટિસ શરૂ કરી.’ એક સ્ત્રી જ્યારે ઘરની બહાર નીકળીને કામ કરે એમાંય જો પુરુષોના ક્ષેત્રમાં પગપેસારો કરવા જાય ત્યારે લોકો તેને પચાવી શકતા નથી. માધવીબહેન સાથે પણ આવું જ થવા લાગ્યું.
ક્લાયન્ટ, એન્જિનિયર, કોન્ટ્રાક્ટર તેમને ઇગ્નોર કરતાં. તે કહે છે, ‘મારા ક્લાયન્ટ હોય તો પણ પૈસાના લેવડદેવડની વાત મારા પતિ સાથે કરતા. સાઇટ પર જઈને લોકો પાસેથી કામ લેવામાં બહુ તકલીફ પડતી, પણ મેં ક્યારેય મારો કોન્ફિડન્સ ઓછોેે થવા ન દીધો. આ રીતે 20 વર્ષ સુધી મેં પ્રેક્ટિસ કરી. એ દરમિયાન હું બે દીકરીઓની માતા બની. એ નાની હતી ત્યારે ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો, પણ મેંં હિંમત હાર્યા વગર પ્રેક્ટિસ ચાલુ રાખી. મને પડેલી મુશ્કેલી અન્ય મહિલાને પણ પડે છે કે કેમ એ અંગે સંશોધન કર્યું અને ધીરે ધીરે મહિલાઓને પડતી અદૃશ્ય તકલીફો અંગે જાણવા મળ્યું. એ પછી આ ક્ષેત્રમાં મેં સંશોધન કર્યું.’

જીવનમાં બનેલી દુ:ખદ ઘટના અંગે વાત કરતાં તેઓ કહે છે, ‘હું માસ્ટર કરવા અમેરિકા ગઈ હતી ત્યાં મારો ખરાબ અકસ્માત થયો હતો. જેમાં મને હાથે પગે ફ્રેક્ચર આવ્યું હતું. મને નોર્મલ થતાં ચાર મહિના લાગ્યા હતા. એ વખતે પરદેશમાં મારી જે સ્થિતિ હતી તેનું વર્ણન કરવું અશક્ય છે.’ અત્યાર સુધીમાં આર્કિટેક્ચર પર પુસ્તકો લખી ચૂકેલાં માધવીબહેન હાલમાં ‘વુમન આર્કિટેક્ટ અેન્ડ મોર્ડનિઝમ ઇન ઇન્ડિયા’ પર પુસ્તક લખી રહ્યાં છે. જેમાં બાંગ્લાદેશ, નેપાળ, ભારત એમ વિવિધ જગ્યાની મહિલાઓની સ્થિતિ અંગે તેમના ઇન્ટરવ્યૂ કરવામાં આવ્યાં છે.
સેપ્ટમાં ભણાવવા ઉપરાંત પુસ્તક લખવામાં અને સંશોધનના કામમાં ડૂબેલાં રહેતાં માધવીબહેન દેશ-વિદેશમાંથી વિવિધ સ્કોલરશિપ મેળવી ચૂક્યાં છે. વાંચનનો, મ્યુઝિક અને ટ્રાવેલિંગનો શોખ ધરાવનાર માધવીબહેન કહે છે, ‘આજે મેં જે કંઈ મેળવ્યું છે એમાં મારા પતિ અને દીકરીઓનો મને સારો સપોર્ટ રહ્યો છે. હું એવું માનું છું કે મહિલા જે ક્ષેત્રમાં ઝંપલાવે તેમાં ગમે એટલી મુશ્કેલી પડે પણ તેેને છોડવું ન જોઇએ. કામના પ્રોફેશનલ સ્ટાર્ન્ડને ઊંચું રાખીને તેને વળગી રહેવું.’
અન્ય સમાચારો પણ છે...