તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘સહના વવતુ, સહનૌ ભુનક્તુ’

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘સહના વવતુ, સહનૌ ભુનક્તુ’
અંગ્રેજી શબ્દો કે શબ્દસમૂહને આપણી ભાષામાં બેઠેબેઠા ઉપાડી લઈએ ને ત્યારે ગોસમોટાળા થાય છે. ટીવી ચેનલ્સની કેમેરા-કાપ સ્પર્ધામાં એક શબ્દ સ્ક્રીન પર વચ્ચોવચ્ચ ફરતો રખાય છે, તે Exclusive, એટલે માત્ર અહીં જ, ફક્ત આ જ, બિલકુલ અમારા દ્વારા જ, બીજે ક્યાંય નહીં. જ્યાં જ્યાં ગળાકાપ હરીફાઈ આવી ત્યાં ત્યાં આ ‘એક્સક્લુઝિવ’ આવ્યું.  હવે લોચો ક્યાં પડ્યો કે આપણે આ નિર્જીવ જગત માટે વાપરવાનો શબ્દ કે વિચાર આપણા જીવંત માનવો માટે વાપરવા મંડ્યા. 

આપણે ત્યાં બાળકો માટે આ સંકલ્પના અમલમાં આવી ‘સ્પેશિયલ સ્કૂલ’ના શીર્ષકથી, બાળક અપંગ છે? બાળક ડિસ્લેક્સ છે? બાળક મંદબુદ્ધિ છે? બાળક ક્રિમિનલ માઇન્ડવાળું છે? બાળક મૂક-બધિર છે? બાળક જિનિયસ છે? બાળક અન્ય કરતાં હટકે છે? તો તે બધાં માટેની સ્કૂલમાં ગોઠવાશે નહીં માટે તેના માટે સ્પેશિયલ સ્કૂલ બનાવો અને તેને એ વિશિષ્ટ શાળામાં અલગ રીતે ભણાવો. બસ, વિદેશોમાં કોઈક સમયે સ્વીકારાયેલ આ સ્પેશિયલ સ્કૂલની સંકલ્પના આપણે ભારતમાં ઉપાડી લાવ્યા અને તેને સમજ્યા વિના અનુસર્યા એટલે આજે ‘સમાવેશક શાળા’ કે Inclusive School (ઇન્ક્લુઝિવ સ્કૂલ)નો પ્રચાર-પ્રસાર કરવો પડે છે.

આશ્ચર્યની વાત એ છે કે Inclusive School કે Inclusive Education એવા શબ્દપ્રયોગો અંગ્રેજીમાં મળતા નથી. ગુજરાતી લેક્સિકોન કે ભગવદ્્ગોમંડળમાં Inclusive એટલે સમાવેશક, સમાવર્તી, વ્યાપક, સમેત, આવર્તી લેનારું એવા શબ્દાર્થ છે, પણ તેને સ્કૂલ કે એજ્યુકેશન સાથે મૂકો તો તેને ખબર નથી. એક અર્થ એવો ય થાય કે ‘સમાવેશક’ની જરૂર સ્કૂલ કે એજ્યુકેશન સાથે જોડવાની જરૂર નથી, કારણ એજ્યુકેશન તો સમાવેશક જ હોય ને? 

સ્કૂલ તો સૌ માટે જ હોય ને? ‘સાથે હોવું’ એ જ તો શિક્ષણ છે ને? સાથે રહેતાં, સાથે રમતાં, સાથે જીવતાં, સાથે ચાલતાં શીખવે તે જ શિક્ષણ કહેવાય ને વળી? સ્કૂલમાં કે એજ્યુકેશનમાં વળી જુદારો શાનો? બાળકોમાં તે વળી ભેદ શાના? બાળક તો બાળક જ છે. વિદ્યાર્થી પ્રત્યેક વિદ્યાનો અર્થી છે. એમાં વળી સ્પેશિયલ શું ને ઇન્ક્લુઝિવ શું? આપણી પ્રાર્થના ‘સહના વવતુ, સહનૌ ભુનક્તુ’ એ સમાવેશક એટલે કે Inclusivenessનું જ દર્શન છે. 

આપણાં શાસ્ત્રોની clarity આપણી ડિક્સનેરીઓ કરતાં વધુ છે. જરૂર છે શાસ્ત્રોમાંથી ખોળી કાઢવાની! ‘સ્પેશિયલ સ્કૂલ’ તો શરૂ કરી બેઠા પણ તેમાં તાલીમ આપનારા કે શીખવનારા ક્યાં? એટલે એ વિશિષ્ટ જરૂરિયાતવાળું બાળક બિનઅનુભવી ટ્રેનરના હાથમાં જઈ પડ્યું અને ધાર્યંુ ફળ ન મળ્યું. વળી એ પણ મોડેકથી પ્રતીત થયું કે આજે જે બાળક સ્પેશિયલ સ્કૂલમાં છે તેણે આવતીકાલે તો એ જ સામાન્ય સમાજમાં જઈને વસવાનું છે ને! 

તેને જીવનભર પેલા સ્પેશિયલના કોચલામાં રાખી શકાશે ખરું? તેમાંથી ફરી વાત આવી Inclusive Schoolની, Inclusive Educationની, સમાવેશક શાળાની કે સમાવર્તી શિક્ષણની. પહેલાં જેને જુદું કર્યું, તેને હવે પાછું ભેગું કરવાની આ મથામણ છે, એવું મને સમજાય છે. હા, આપણા હિન્દુ ધર્મમાં જે પછાત પ્રત્યેની સૂગ હતી (?) તેણે પણ આપણી શાળાઓમાં જુદારો પોષ્યો હતો તેના આધારો આજેય છે. જ્ઞાતિપ્રથાએ વરવું રૂપ પકડેલું તેથી અમુક જ્ઞાતિનો વિદ્યાર્થી અન્ય બધા સાથે બેસીને ભણી ન શકે તેવું હતું અને ક્યાંક ક્યાંક આજેય છે. 

એટલે તો આપણે વર્ષોનાં સ્વાતંત્ર્ય પછી પણ Right to educationનો કાયદો લાવવો પડ્યો. ‘બાળક માત્ર ભણવાને પાત્ર’, ‘બા‌ળક માત્ર એક સાથે બેસીને શીખવાને પાત્ર’, ‘વિદ્યાર્થી એટલે વિદ્યાર્થી, ભલે તે હો ગરીબ-પછાત-ધનાર્થી.’ આપણે RTEનો અમલ કરાવવા સંઘર્ષ કરવો પડે છે તે આપણી પછાત માનસિકતાનો પુરાવો છે અને તેમાંય લઘુમતી શાળાનું સર્ટિફિકેટ ધરાવતી સ્કૂલ એમ કહે કે અમે RTEવાળા નબળા-ગરીબને નહીં દાખલ કરીએ ત્યારે તો ગજબનાક શરમ લાગે છે. 

લઘુમતીનું સર્ટિફિકેટ અને લઘુમતીનો સમાવેશ કરવાની ના? આ તો કેવો પેરાડોક્સ! એક પણ બાળક સ્કૂલથી વંચિત ન રહે તેવું હોવું જ જોઈએ અને એ જો ચરિતાર્થ કરવા ઇચ્છતા હોઈએ તો સ્કૂલ પ્રવેશમાં વાડાબંધી કે વર્ગભેદ કે વર્ણભેદ કે સ્થિતિભેદ કેમ ચાલે? Every child is a special child, તેવું ભાષણમાં કહ્યા કરવાનું ને અમલમાં નહીં મૂકવાનું? શાસ્ત્રોને ટાંકીને બોધ આપ્યા કરવાનો કે Every soul is potentially divine પણ એ બોધ પ્રમાણે પોટેન્શિયલી ડિવાઇન આત્માઓની સાથે જીવવાની અનુકૂળતા તો કરી આપવી પડશે ને? આ અનુકૂળતા એ જ Inclusive Education. યાદ રહે: Inclusiveness એટલે અંતર્ભાવ એટલે કે અંદરથી સૌનો સ્વીકાર. 
અન્ય સમાચારો પણ છે...