તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

New India માટે હોળીની જ્વાળાઓ શું કહી ગઈ?

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
New India માટે હોળીની જ્વાળાઓ શું કહી ગઈ?

‘જે
અકળાવે છે બાવન મધ્ય બફારામાં,
રેબઝેબ રેલાવે છે, ફેલાવે છે રસમાં ને ફોસ્ફરસમાં
કરે છે સતત લોહીનું પાણી.. પાણીની વરાળ.. વરાળની વાણી
ચેતાવે છે હૈયાસગડીમાં ભાષા,
પ્રક્ટાવે છે જ્યોતિર્મય જિજ્ઞાસા
જે
ઊભરાવે છે સચરાચરને કલ્પનની ક્રુસિબલમાં
ધગધગતો કક્કો ને બળબળતી બારાખડી
લાલચોળ તપાવેલાં કાનોમાતર,
વિદગ્ધ વિરામચિહ્્નો
જ્ઞાનવિજ્ઞાનના ડામ દે છે ચેતાતંતુ પર
તે
અગ્નિની હું વંદના કરતો નથી:
હું કેવળ દાઝું છું ને સિદ્ધ કરું છું કે
હું છું.’
સૂફી કવિ હરીશ મીનાશ્રુની વ્યથા. એક માણસના મનોભાવ સમસ્યાઓની હોળીની જ્વાળાઓને જોઈને, પામી ને. કવિના દીર્ઘકાવ્ય સંગ્રહ ‘નાચિકેત સૂત્ર’માંથી લેવાયેલ આ અગ્નિવ્યથા મને ને તમને વિચારતા કરી મૂકે છે. ઘરના ટીવી સ્ક્રીન પર વિજય સરઘસનો ઉન્માદ દેખાતો હતો. ન્યૂ ઇન્ડિયાની ઘોષણા સંભળાતી હતી. વ્યાપક વિજયના દુંદુભિ વગાડી પાંચ રાજ્યોમાં જે બન્યું તે કેસરિયું જ હતું, તેવી વાત ગળે ઉતરાવવાનો કીમિયો સફળ થઈ રહ્યો હતો. કાલે રંગોની ધુળેટી હશે,

પણ આજે હોળીરાત્રે કાશીનગરે ફૂલો ડોલીને વિજયી નેતાને ઢાંકી દેતાં હતાં. ટીવીનાં આ દૃશ્યોથી આંખ હટતી ન હતી ત્યાં જ ગંભીર-વિનમ્ર થયેલો અવાજ સંભળાયો?: ‘હવે નવું હિન્દુસ્તાન ઉદય પામશે. હવે આપણે નમ્ર બનવું પડશે. હવે આપણે બધાને સાથે લઈ ચાલવું પડશે.’ દિલમાં ટાઢક થાય તેવાં વેણ સાંભળ્યાં ત્યારે ‘હવે’ શબ્દ મનને ડંખતો હતો. નમ્ર હોય તે જ નેતા અને સૌને સાથે લઈને ચાલો તો જ નેતૃત્વ, એવું જાણેલું.

આ સત્ય ‘હવે’ સમજાણું તો ય અમે તો રાજી રાજી. તન દઝાડતી હોળીની જ્વાળાથી ય અમે તો શરીર શેકવા ટેવાયેલા.. અને ડગ માંડ્યા હોલિકાના પ્રાગટ્ય તરફ. હોંશે હોંશે સૌને પ્રદક્ષિણા ફરતા અને હોળી પૂજતા જોઈ બધું ભૂલી એક ખૂણે એકલા અટૂલા ઊભવાનું ગમ્યું. અહીં હોળીની ઊંચી ઊઠતી જ્વાળાઓમાં, કોઈ ભવિષ્યનાં સ્વપ્નાં તો કોઈ ભૂતકાળની સ્મૃતિને તાદૃશ્ય થતી નિહાળે છે. આખા વર્ષનો ઉકળાટ ઠાલવીને હવે ટાઢકના વાવડ આપતી હોળી કંઈ પરંપરા માત્ર નથી, પ્રતીક પણ છે.

પ્રતિવર્ષ હોંશભેર પોતાની પીઠ હોળી તરફ રાખી પોતાના કફ-શરદીને તપાવી મારતા મારા પિતા આ વખતે મારી ડાબે કે જમણે ન હતા અને હું એકલો દૂર ઊભો રહી હોળીની જ્વાળાઓમાં બનતા વિવિધ આકારોમાં હું મારા બાપને શોધતો હતો! હા, આમ તો હોળી બળવાનું કામ કરે છે, પણ આજે પિતૃચહેરાને શોધવા ફાંફાં મારતા મને હોળી બાળવાનું કામ કરતી હતી! જોકે, બળવું કે બાળવું બંનેમાં ‘દાઝ’ તો ખરી જ ને?

કેટલાક અભ્યાસુઓ હોળીની જ્વાળા શું કહી રહી છે તે કાન દઈને સાંભળે છે. કહે છે, કશુંક બળે છે ત્યારે કશુંક બોલાય છે. એ શું બોલાય છે તે અંત:કર્ણથી સાંભળવાની દીર્ઘસૂઝ જોઈએ. સાચા સાંભળનારની ચેતના જેટલી પ્રબળ તેટલી સંકેતભાષા વધુ ઉકેલાય. આપણાં સપનાં, આપણાં મૂલ્યો, આપણાં વચનો ને આપણી શ્રદ્ધા કસોટીની એરણે ચઢે છે અને તાપમાં તપીને તામ્રવર્ણાં બને છે. તામ્રવર્ણ નમ્રતાનું પ્રતીક છે. જૂનું આજે હોળીમાં હોમાઇ જશે તો કાલે ન્યૂ ઇન્ડિયા સર્જાશે. આજનો હો‌ળીની જ્વાળાનો વર્તારો એવું કહે છે કે:

New India can not be with old politics.
New India can not be with old persona.
New India can not be with old promises.
આ વર્તારો સાચો પડે તો દેશદાઝ સાચી, નહીં રાષ્ટ્ર અને રાષ્ટ્રની પ્રજા દાઝશે એ નક્કી. હોળીમાં ગઈકાલને હોમી દેવાની છે અને તેની પ્રજ્વલિત જ્વાળાઓમાં આવતીકાલની આશાને લહેરાતી ઝીલવાની છે. આપણે તો દાઝતા રહીને ય સિદ્ધ કરવાનું છે કે, ‘હું છું.’
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો