તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘સ્વચ્છતા=પવિત્રતા’ આવી લાગણી જન્મે ક્યાંથી?

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિશ્વભરમાં ઝેન ભૂમિ તરીકે સ્વીકારાયેલ જાપાનના ક્યોટોમાં દસ દિવસ રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. ઉપક્રમ તો હતો મોરારિબાપુની રામકથા માણવાનો. છેલ્લાં ચાલીસેક વર્ષોથી પોતાના બૃહદ પરિવાર સાથે અમેરિકા વસતા પાક્કા ગુજરાતી નરેશભાઇ પટેલનો મનોરથ હતો જાપાનમાં આવી આ કથા કરવાનો. વિશ્વના કેટલાય દેશોના કથાપ્રેમીઓ અને પોતાનાં પરિવારજનોને ક્યોટો નોતરી મનોરથ પૂર્ણ કરવામાં સરળ અને સહજ રીતે સફળ રહેલા આ નરેશ પટેલે જાપાનમાં ‘લવ ઇન ટોક્યો’ ને બદલે ‘ઝેન ઇન ક્યોટો’ના કથામૃત વહેતા કર્યા.
જ્યાં શૂઝ બહાર કાઢીને જવાનો રિવાજ છે ત્યાં કોઇ દલીલને અવકાશ નથી. જાપાનનું પ્રત્યેક ઘર મંદિર છે, કારણ કે અહીં પગરખાં બહાર ઉતારીને પ્રવેશવાની પરંપરા છે

ધરતી પછી તે કોઇપણ દેશની હોય, પણ તમે ધરતીને સ્પર્શો કે તરત તેની સુગંધ અને તેનાં વાઇબ્રેશન્સ તમને ઝંકૃત કર્યા વગર રહે નહીં! તમને ધારણ કરે તે ધરતી! ક્યોટો ઝેન ચેતનાની ભૂમિ છે એટલે ત્યાં કોઇ અન્ય ભૂમિકાની જરૂરત જ ન રહે. આપણા દેશના પ્રમાણમાં ઘણો નાનો અને બીજા વિશ્વયુદ્ધમાં ખતમ થઇ ગયેલ જાપાન આજે એકદમ સ્વચ્છ, સુઘડ અને સુંદર દીસે છે. ક્યોટો તો જાણે સ્વચ્છતાને જ પવિત્રતા ગણનારી ધરતી છે અને એટલે જ તો કદાચ ઝેન ચૈતન્ય અહીં હાજરાહજૂર ભાસે છે. અહીંના વાતાવરણમાં ભારોભાર પવિત્રતા છે કારણ કે અહીંનો ઉછેર અંદરથી અને બહારથી પરમ સ્વચ્છ છેે.
આ સ્વચ્છ અેટલે માત્ર સફાઇ નહીં, પણ જીવનવ્યવહારથી લઇને રીતિરિવાજ પણ... આ દેશની પરંપરા મુજબ અહીં ‘શું કરવું યોગ્ય ગણાય છે’ અને ‘શું કરવું યોગ્ય ગણાતું નથી’ તે સ્વયં સ્પષ્ટ છે. કથાના આયોજકો તરફથી એક નાની છતાં નમણી બુકલેટ આપવામાં આવેલી, તેમાં મુદ્દાસર દર્શાવેલું કે અહીંના Do and Don’t શાં છે? તેમાંની એક વિગત દિલમાં વસી ગઇ. બહુ ચોખ્ખા શબ્દોમાં લખ્યું: ‘કોઇપણ ઘરમાં દાખલ થતાં પહેલાં તમારાં પગરખાં ઉતારી નાખશો. કોઇ પારંપારિક સ્થાન જેને મિન્શુકુ અથવા રયોકાન કહે છે તેમાં પણ પગરખાં કાઢીને પ્રવેશો.
ટાટામિ (વણેલ કાર્પેટ) પાથરેલ રેસ્ટોરન્ટ, હોટેલ કે ઐતિહાસિક સ્થળોમાં પણ તમારાં જૂતાં ઉતારીને પ્રવેશો. યાદ રાખો કે જ્યાં શૂઝ બહાર કાઢીને જવાનો રિવાજ છે ત્યાં કોઇ દલીલને અવકાશ નથી.’ આ માત્ર લખેલું ન હતું, એ પૂર્ણત: અનુભવ્યું કે સૌ વિના-વિવાદ આ સૂચનાનું સહજતાથી પાલન કરતા હતા, હસતાં-હસતાં કરતા હતા. આ વાતની નોંધ લઇ કથાકથનમાં મોરારિબાપુએ જાહેરમાં કહ્યું કે: જાપાનનું પ્રત્યેક ઘર મંદિર છે, કારણ કે અહીં પગરખાં બહાર ઉતારીને પ્રવેશવાની પરંપરા છે.

હા, આ દિવસોમાં સાંધ્યગોષ્ઠિ દરમિયાન જાપાનની ઢીંગલી જેવી ગમતીલી લાગતી બે જાપાનીઝ ગર્લ્સે પોતાનો ડાન્સ રજૂ કર્યો. ખુલ્લા લીલાછમ્મ બગીચામાં ગોષ્ઠિ જામેલી ત્યાં વચ્ચે મૂવેબલ થોડી ઊંચાઇવાળું સ્ટેજ ગોઠવાયું અને તેના પર ડાન્સ દર્શાવી બંને ડાન્સર સામે છેડે ઊભી રહી ઝૂકીને સૌનું અભિવાદન ઝીલતી હતી. તે સમયે તેમને રામનામી આપી સન્માનવા મોરારિબાપુ પાસે આવવાનું કહેવાયું.
તે બંનેએ જ્યાં હતાં ત્યાં પોતાના બ્યુટિફુલ ચંપલ ઉતાર્યાં, નીચા વળી તેને હાથમાં લીધાં, સ્ટેજ પર ખુલ્લા પગે ચાલ્યાં, આ બાજુ આવી સ્ટેજ નીચે ચંપલ મૂકી પહેરીને પોતાનું સન્માન સ્વીકાર્યું. પરત ફરતી વખતે પણ આ જ ક્રમ! સૌ અવાચક બની રહ્યા કે પગરખાં ઉતારવાની અા પરંપરા અહીં પણ?! નિયમ એટલે નિયમ. અહીં પણ અને ત્યાં પણ... સ્વચ્છતા=પવિત્રતા... અને તેથી ય વધુ સારપ માટેની પૂર્ણ સજગતા, Total Awareness for Goodness... બસ, આ જ તો ઝેન વિચાર છે!

દસ વર્ષો સઘન તાલીમનાં પૂરાં કર્યા પછી ટેન્નોને ‘ઝેન ટીચર’ની પદવી પ્રાપ્ત થઇ. એક વરસાદી સાંજે ટેન્નોએ પ્રખ્યાત ઝેન ગુરુ નાનઇનના ઘરની મુલાકાત લીધી. તે અંદર ગયા ત્યારે ઝેન ગુરુએ એક પ્રશ્ન પૂછીને
ટેન્નોનું સ્વાગત કર્યું: ‘તમે લાકડાનાં પગરખાં અને છત્રી બહાર પોર્ચમાં મૂકીને અંદર આવ્યા છો ને?’ ટેન્નોએ આદરથી કહ્યું: હા જી, ઝેન ગુરુએ ફરી પૂછ્યું: ‘કહો જોઇએ કે તમે છત્રીને પગરખાંની જમણી બાજુએ મૂકેલ છે કે ડાબી બાજુએ?’ ટેન્નોને ખ્યાલ ન હતો. તેમણે આટલી બધી કાળજીથી પગરખાં અને છત્રી રાખ્યાં ન હતાં. તરત જ ટેન્નોને ભાન થયું કે તેમણે પોતે હજુ પૂર્ણ સજગતા પ્રાપ્ત કરી નથી. તે સાંજથી જ ટેન્નો પ્રખ્યાત ઝેન ગુરુનો તાલીમાર્થી બની ગયો, અને તેમણે વધુ દસ વર્ષો નાનઇનની નિશ્રામાં વિતાવ્યાં...! આટલી સજગતા સિવાય સ્વચ્છ કે પવિત્ર ક્યાંથી થવાય?
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો