બાળકને જમાડવાના નિયમો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાળકને જમાડવાના નિયમો
છ માસ સુધી બાળકને ફક્ત ધાવણ આપવાનું હોય છે. ત્યારબાદ ઉપરનો ખોરાક ચાલુ કરવાનો થાય છે ત્યારે માતાનો બાળકને જમાડવા માટેનો સંઘર્ષ ચાલુ થતો હોય છે. સવારથી ઊઠીને માતાને પોતાના બાળકે કેટલું ખાધું, કેવું ખાધું વગેરે વિચારો જ આવતા હોય છે. ઘરના સભ્યોનું મુખ્ય ધ્યેય પણ બાળક કેટલું જમ્યું તે જ રહેતું હોય છે. બાળકને જમાડવાના થોડા નિયમો કુટુંબીજનોએ સમજવા જરૂરી છે.

બાળકને ખોરાક વજન વધારવા માટે નહીં, પણ તે આનંદથી (એન્જોય કરીને) લે તે શીખવવું જોઈએ. બાળકને ભાવે તે જ ખોરાક, તેટલી જ માત્રામાં અને તેના સમયે લેવા દેવો. ખોરાકનો વધુ જથ્થો બાળકને વધુ ફાયદો કરે તેવું હોતું નથી. તે પોતાની જાતે જેટલું જમે તે તેને વધુ ફાયદો કરે છે. માતા-પિતાના વધુ પ્રયત્નોથી બાળકનો ખાવાનું પ્રમાણ ઘટી જાય છે. બેલેન્સ ડાયટ (ઘરમાં બનતી બધી જ રસોઇ જેમ કે દાળ, ભાત, શાક અને રોટલી) મોટા ભાગે બાળક સાત વર્ષે ખાતાં શીખે છે. ત્યાં સુધી તે કોઈ એક વસ્તુ વધુ જમે અને કોઈ વસ્તુ ઓછી જમે તેવું બને.

કુટુંબના બધા જ સભ્યોએ ઓછામાં ઓછી એક વખત તો સાથે બેસીને જમવું કે નાસ્તો કરવો જોઈએ. બધાનું અનુકરણ કરી બાળક પણ જાતે જમતા શીખે છે અને તેને આનંદ આવે છે. એક વર્ષનું બાળક જમતા શીખતું હોય તો તેને હાથમાં ચમચી પકડાવી તેની જાતે જમતા શીખવા દેવું. તે ઢોળે કે ચમચી વાડકીથી જમવાનું ફેંદે તો પણ ચાલે. તેને ન જમવું હોય તો નજર ચૂકવીને પરાણે તેના મોંમાં નાખવું નહીં. બાળકને જમાડતી વખતે દબાણ, લાલચ કે ગુસ્સાથી ક્યારેય જમાડવું નહીં.

જમવાની વસ્તુની ‘વિઝ્યુઅલ ઇફેક્ટ’ બાળકને આપવી. ટીવી પર જાહેરાત જોઈને જેમ બાળકને વેફર કે ચોકલેટ ખાવાની ઇચ્છા થાય છે તેમ ઘરના બનાવેલા નાસ્તા જેમ કે, ચકરી, ફરસીપૂરી કે ચીકી જેવા ખોરાક કાચ કે પ્લાસ્ટિકના ડબ્બામાં ભરી ડાઇનિંગ ટેબલ પર રાખવાથી બાળકની નજરે તે પડે છે અને તેને તે ખાવાની ઇચ્છા થાય છે. બાળક જમવાના સમયે ન જમે અને આડાઅવળા સમયે ઘરના જ બનાવેલા નાસ્તા ખાય તો ચાલે. તેને કેલરી તો પૂરતી મળી જ જાય છે. હા, તે નૂડલ્સ, બિસ્કિટ્સ કે વેફર ન લે તેનું ધ્યાન રાખવું.
અન્ય સમાચારો પણ છે...