તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમેરિકામાં આજે એક ઇન્ડિયન

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમેરિકામાં આજે એક ઇન્ડિયન

પ્રતિષ્ઠિત સાપ્તાહિક ‘ન્યુ યોર્કર’માં અમિતાભ કુમાર નામે એક લેખક ‘ટ્રમ્પના રાજમાં એક ઇન્ડિયન’ નામે લેખમાં જણાવે છે કે 1987માં જર્સી સિટી, ન્યુ જર્સીના રહેવાસી નવરોઝ મોદીનું ખૂન કરેલું હિન્દુ મહિલાઓના ચાંદલાના વિરોધમાં ‘ડોટ બસ્ટર’ નામે કુખ્યાત થયેલી એક ટોળકીએ. તેમણે છાપામાં જાહેર કરેલું કે જર્સી સિટીમાં કોઈ હિન્દુ ઉપર નજર પડતાં જ તેને ફટકારીશું.
લેખક કહે છે નવરોઝ મોદીના બનાવથી મને વસમું લાગેલું, પણ બીક લાગી નહોતી. હું જર્સી સિટીથી દૂર બીજા સ્ટેટમાં અને મારાં મા–બહેન વગેરે ભારતમાં સુરક્ષિત હતાં. મને હતું કે ભારતીયો અમેરિકામાં પોતાનું બુદ્ધિધન લાવી અમેરિકાને પણ સમૃદ્ધ કરે છે અને અમેરિકાની જનતા ભલે હાથ ફેલાવીને અમારું સ્વાગત ન કરે, પણ તેને કદાચ અમારી સામે ખાસ વાંધોય નહીં લે.

પણ આ ત્રણ દાયકામાં ઘણું ઘણું બદલાયું છે: ઇન્ડિયન અમેરિકનોની સરેરાશ આવક બીજા કોઈપણ સમુદાય કરતાં સૌથી ઊંચી થઈ ગઈ છે. ઇન્ડિયનો અને ઇન્ડિયન ભોજનાલયો વધુ દેખા દે છે. મ્યુઝિયમોમાં, રેસ્ટોરાંમાં, યોગ સેન્ટરોમાં, ટીશર્ટો ઉપર અને દુકાનોમાં હાથીમુખા ગણપતિ પ્રદર્શિત છે. બરાબર, પણ ભારતીયો માટે પેલી ધિક્કારની ભાવના લુપ્ત થઈ નથી. ફેબ્રુઆરીમાં કોલોરાડોના એક ઇન્ડિયનના ઘરમાં હુમલાખોરોએ ભીંતો ઉપર શ્વાનવિષ્ટાથી ધિક્કારના નારા ચીતરેલા.

તેના બે અઠવાડિયાં બાદ કેનસાસના એક બારમાં એક ગોરા અમેરિકને ‘ગેટ આઉટ ઓફ માય કન્ટ્રી’ના પોકાર સાથે બે ઇન્ડિયનો ઉપર ગોળીબાર કરેલો, જેમાં એક શ્રીનિવાસ નામે એન્જિનિયરનું મૃત્યુ થયું. તેના દસ દિવસ પછી વોશિંગ્ટન સ્ટેટમાં એક શીખ ઉપર એક બુકાની બાંધેલ ગોરા શખસે ‘ગો બેક ટુ યોર કન્ટ્રી’ કહીને ગોળી છોડેલી. પછી તરત ઇન્ટરનેટ ઉપર એક હચમચાવી મૂકે એવો વીડિયો ચકરાવા લેતો હતો જેમાં પાર્કમાં ટહેલતા સુખી ભારતીયો બતાવી સંદેશો હતો કે ‘આ ઇન્ડિયનોએ આપણો દેશ સર કરી લીધો છે.’

અમિતાભ બાબુ લખે છે કે સોળ વરસ પહેલાં એ દ્વેષનું કારણ હતું નાઇન–ઇલેવન, આજે તેનું કારણ છે ડોનાલ્ડ ટ્રમ્પ. ટ્રમ્પના દેશાંધ નારાઓ અને અફવા–આધારિત દ્વેષીલાં વચનોથી પરદેશીઓના હૃદયમાં ફફડાટ ફેલાવી દીધો છે. હવે મને રસ્તે જતાં, લિફ્ટમાં, એરપોર્ટ ઉપર દેહશત થાય છે કે લોકો મને શંકાથી જુએ છે કે? કોઈ કશી સજજનતા બતાવે તો મારી આંખ ભરાઈ આવે છે. ઇન્ટરનેટ ઉપર કારમા સમાચારો, ભયાવહ અફવાઓ, અસ્થિર કરી મૂકે તેવી ધમકીઓના કારણે કશુંક અમંગળ જાણે સતત સાથે ને સાથે હોય તેવું ભાસે છે.

વિધિવક્રતા છે કે અમેરિકાના કેટલાક હિન્દુઓએ આ જ ડોનાલ્ડ ટ્રમ્પની આરતી ઉતારેલી કેમ કે ટ્રમ્પની મુસ્લિમ વિરોધી વાણી તેમને મોહી ગઈ હતી. શ્રીનિવાસનની હત્યા બાદ એક સ્ટોરમાં અચાનક ટ્રમ્પના પ્રેસ સેક્રેટરી સ્પાઇસરને જોઈને એક અમેરિકન સિટીઝન ભારતીય મહિલાએ તેને સવાલ કરેલો, ‘અમારું અહીંયાં કોઈ સ્થાન છે ખરું?’  સ્પાઇસરે જવાબ આપેલો, ‘આ દેશ કેવો મહાન છે કે તમને પણ અહીં રહેવાની પરવાનગી છે.’

દ્વેષનું મૂળ કારણ અજ્ઞાન છે; તેને દેશની કે ધર્મની કે વર્ણની ગતાગમ નથી. ભારતીય કે ઇજિપ્શિયનના ભેદનું તેને ભાન નથી. હિન્દુ, મુસ્લિમ, શીખ બધા તેને માટે પરદેશી છે. નાઇન–ઇલેવન પછી એરિઝોનામાં બલબીર સિંઘ નામે એક શીખની પાઘડીને બિન લાદેનની પાઘડી જેવી માનીને હત્યા કરાયેલી. હમણાં થોડા દિવસ પહેલાં એક ગોરાએ એક ઇન્ડિયનની દુકાનને સળગાવી દીધી કેમ કે ‘હરામખોર આરબા મને ગમે તેવો ઓરેન્જ જૂસ રાખતા નથી, ભગાઓ બધાને!’ દ્વેષ એટલે પોતાના જેવું જે નથી તે આપણું દુશ્મન છે.

ડોટ બસ્ટરવાળા મહાન ગામ જર્સી સિટીમાં ગગનવાલા પણ અમેરિકન પાસપોર્ટની પરવાનગી સાથે રહે છે. આજે ત્રણ દાયકા પછી ભારતીયો, ગુજરાતીઓએ, આજે જર્સી સિટીના ધૂળ ખાતા, ડ્રગ અને હિંસાથી લથબથ લત્તાઓને સાફ કરીને વૈભવી દુકાનો, ભોજનાલયો, મોદીખાનાંઓ, ઝવેરાતના સ્ટોરો અને ચાર પાનની દુકાનોથી માલામાલ કરેલ છે. ડોટ બસ્ટર જેવી લોકલ ટોળકીઓ કદાચ હવે નથી, પણ રાષ્ટ્રીય મંચ ઉપર અને નેટ ઉપર થતી નવી હિંસાથી ગગનવાલાના દિલોદિમાગમાં સવાલ થાય છે, કલ ક્યા હોગા? જય ગણેશ દેવા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો