તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇન્ડિયામાં કેટલા વીસે સો થાય છે?

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આપણે પેઢી દર પેઢીથી રેશનિંગની, રેલવેની, સિનેમાની, ક્રિકેટની, ચૂંટણીની, પૂર કે દુકાળની આફતસહાયની લાઇનોથી ટેવાયેલા છીએ
ગ યા અઠવાડિયે ઉલ્લેખેલા ન્યૂ યોર્ક ટાઇમ્સના તંત્રીલેખના પ્રતિસાદમાં સુરતથી જિતેન્દ્ર દેસાઈ સાહેબ જણાવે છે કે ન્યૂ યોર્ક ટાઇમ્સ જે હાડમારી વિશે લખે છે તે ભ્રષ્ટ પ્રતિપક્ષોએ અને દુષ્ટ મીડિયાએ ચગાવી ચગાવીને વતેસર કરેલી વાતની જ વાનર નકલ છે. બાકી અમેરિકાની એક સર્વેક્ષણ સંસ્થાના હેવાલ મુજબ ભારતના 80થી 86 ટકા લોકોએ નોટોના રદ્દીકરણને સમર્થન આપ્યું છે. આવું બાહોશ પગલું આધુનિક ઇતિહાસમાં અદ્વિતીય છે, કેમ કે એથી 14 લાખ કરોડ રૂપિયાનું ચલણ પાછું ખેંચાયેલું છે.
બેન્કોમાં લોકોની લાઇનો લાગે છે, જે હજી થોડાં અઠવાડિયાં લાગતી રહેશે, પરંતુ ઇન્ટરનેટ અને એટીએમની પહેલાં પણ બેન્કોમાં આવી લાઇનો લાગેલી જ રહેતી. ન્યૂ યોર્ક ટાઇમ્સ અને એના ચમચાઓ ભૂલી જાય છે કે આપણે પેઢી દર પેઢીથી રેશનિંગની, રેલવેની, સિનેમાની, ક્રિકેટની, ચૂંટણીની, પૂર કે દુકાળની આફતસહાયની લાઇનોથી ટેવાયેલા છીએ. ન્યૂ યોર્ક ટાઇમ્સ કાયમ મોદી સરકારની વિરુદ્ધ જ લખે છે અને અમેરિકા બેઠાં તે ટાઇમ્સવાળાઓને શી ગમ પડે કે ઇન્ડિયામાં કેટલા વીસે સો થાય છે.

જિતેન્દ્રબાબુ, જિતેન્દ્રબાબુ! ગગનવાલા પોલિટિકલ બાબતમાં કાયમ રિપોર્ટિંગ કરે છે, ભાગ્યે જ કોઈનો પક્ષ લેતા હોય છે. ગયા અઠવાડિયાના લેખમાં વ્યક્ત કરેલો અભિપ્રાય ન્યૂ યોર્ક ટાઇમ્સનો છે, ગગનવાલાનો નહીં. એ જ લેખના બીજા પ્રતિભાવમાં વડોદરાના સનીલ શાહ નામે સજ્જન એવા જ સૂરમાં જણાવે છે કે ભારતમાં લાઇનોની કોઈ નવી નવાઈ નથી અને જે હેતુથી આ પગલું લેવાયું છે તે વાજબી છે. શ્યોર, શ્યોર, સનીલભાઈ.

એવામાં ફોન વાગે છે અને હંસોડ જાની સાહેબ એમની હસમુખી વાણીમાં જણાવે છે કે હમણાં ઇન્ડિયા જવાનું માંડીવાળો, લાંબી લાંબી લાઇનો છે ને કરન્સીની બહુ માથાફોડ છે. કિન્તુ અમે ટિકિટ કપાવી લીધી છે એટલે હંસોડભાઈની સલાહ સ્વીકારી શકીએ તેમ નથી. ધરપત માટે અમે ઇન્ડિયાના ફ્રેન્ડને મેસેન્જર–ફોન કરી ખાતરી કરીએ છીએ કે ‘વીકમાં એક વાર ટેન થાઉઝન્ડ સુધી ઉપાડી શકાય છે, નો પ્રોબ્લેમ! અને હું બેઠો છુંને આવને તું તારે!’

તે ‘હું’ બેઠા છે છતાંય ‘પીસ ઓફ માઇન્ડ’ માટે ફરી બીજા ‘હું’ને ફોન કરીએ છીએ. ‘છે, જરાક પ્રોબ્લેમ છે, પણ પ્રોબ્લેમ ક્યારે નહોતો?’ સામેવાળાના અવાજમાં તોફાની હાસ્ય સંભળાય છે, જાણે આવવા દે બચ્ચું અમેરિકનને એની ખબર પાડી દઉં! તમારા ખાતામાં જમા કરાવવા કે ખાતામાંથી ઉપાડવા તમારે જાતે જવું પડે, બીજાને મોકલો તે ન ચાલે! ને બેન્કોમાં પૈસા કોઈ વાર હોય છે ને કોઈ વાર નથી હોતા! નેશનલ બેન્કોને વધુ કેશ મળે છે, પછી પ્રાઇવેટ બેન્કોને ને પછી કોઓપરેટિવ બેન્કોને. ને કેશ હોય પણ બબ્બે હજારની નોટોને તમે ક્યાં વાપરવા જાઓ? રિક્ષાવાળાને શું આપો? પાનના ગલ્લે કે ચાની રેકડી ઉપર શું વાપરો?

ચાના બંધાણીને બપોરે ચાર વાગ્યે ચાની તલપ લાગે તેમ દર વરસે શિયાળામાં ગગનવાલાના હૈયામાં ‘ઇન્ડિયા! ઇન્ડિયા!’ના નારા બોલાય છે. આખું વરસ મસાલા ઢોંસાને બદલે સાદા ઢોંસા ખાઈને ગગનવાલા એર ટિકિટના પૈસા બચાવે છે ને ઊતરી આવે છે ગાંધીનગર કેરા પલ્લીસમાજમાં. આવતાંવેંત રાત–દિવસના ઊલટફેરથી ઊભડક બનેલી ઊંઘના હાલાવાલા ને હીંચકા વહાલા ખાય છે, ઉધરસ પ્લસ ડાયેરિયાના શિકાર બની કોચવાય છે, બસના તરાપામાં બેસીને ધૂળ ને ધુમાડાના દરિયામાં તરતાં તરતાં અમદાવાદ મધ્યે સાહિત્યના સત્રોમાં સલવાવા જાય છે. દર વખતની હાડમારીઓમાં આ વખતે નોટોના નિધનની નવી હાડમારી ઉમેરાશે, પણ યસ યસ, જિતેન્દ્રભાઈ, સનીલભાઈ, આપણે માટે હાડમારીની ક્યાં નવી નવાઈ છે?

અચાનક ગગનવાલાના વિસ્મિત ભેજામાં નિયોન લાઇટની જેમ ઝબૂક ઝબૂક થાય છે ગઈ સદીના સન સત્તાવનની સાલમાં 16 આનાના રૂપિયામાંથી 100 નવા પૈસાનું સંક્રમણ! ગગનવાલાએ તે સમાચાર પહેલી વાર ધર્મયુગમાં વાંચેલા અને તેમાં અપાયેલા જૂના અને નવા પૈસાના કોષ્ઠકની કોપી કરેલી અને તેની બીજી કોપી કરી કરીને પાડોશીઓને વહેંચેલી. ત્યારે પણ ધડધમાલ મચી હતી. એક આનાના છ નવા પૈસા પણ ચાર આનાના પચીસ? પાઈઓ ગઈ, આના ગયા, ઢબ્બુ ને બટ્ટી વિલીન થઈ ગયાં સમયની તરાઈમાં. અને અમે આંખ ખોલીને કાલે જોઈશું તો આ કઠણાઈ પણ ચાલી ગઈ હશે અને દેશમાં સુખાકારી પ્રવર્તતી હશે. આપણે ઉમેદ તો રાખી શકીએને?
જય શાહજહાં!
અન્ય સમાચારો પણ છે...