તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમેરિકાના પ્રમુખપદનાં મહિલા ઉમેદવાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહિલાઓએ પગથી માથા સુધી લૂગડાં પહેરીને શયન કરવાનો રિવાજ હતો ત્યારે વિક્ટોરિયાએ ટૂંકાં સ્કર્ટ પહેરવાનો હક માગેલો
આવતા અઠવાડિયે ડેમોક્રેટિક પક્ષ રાષ્ટ્રપ્રમુખપદનાં ઉમેદવાર તરીકે વરાશે તે હિલેરી ક્લિન્ટન. તે ઐતિહાસિક હશે, પણ અભૂતપૂર્વ ઘટના નથી. આજથી 144 વર્ષ પહેલાં 1872માં રિપબ્લિકન પક્ષના ઉમેદવાર હતા યુલિસિસ એસ. ગ્રાન્ટ અને એમની સામે ઊભાં રહેલાં આ પદનાં સૌપ્રથમ મહિલા ઉમેદવાર રાઇટ્સ પાર્ટીનાં નેતા વિક્ટોરિયા વુડહલ (ફોટો: Hulton Archive / Getty Image).

વિક્ટોરિયા ક્લાફલિન વુડહલ (1838–1927) બીજાં અનેક કારણે પણ અદ્વિતીય હતાં. આજથી લગભગ દોઢ સદી પહેલાં અમેરિકામાં મહિલાઓને મતાધિકાર પણ નહોતો ત્યારે આ ખૂંખાર શાકાહારી મહિલાએ તે દેશના સર્વોચ્ચ નેતાપદ માટે ઉમેદવારી નોંધાવેલી. જે સમયે મહિલાઓએ પગથી માથા સુધી લૂગડાં પહેરીને શયન કરવાનો રિવાજ હતો ત્યારે વિક્ટોરિયાએ ટૂંકાં સ્કર્ટ પહેરવાનો હક માગેલો. વેશ્યાગમનને કાયદેસર માન્યતા આપવાની માગણી કરેલી અને મુક્તપ્રેમ તથા મુક્તચારનો મહિમા કરેલો.

વિક્ટોરિયાએ કિશોરીવયે વખાના માર્યાં જન્મસ્થાન ઓહાયો છોડવું પડેલું. ન્યૂ યોર્ક રાજ્યના રોચેસ્ટર શહેરમાં 14 વર્ષે તેમણે તેનાથી બમણી વયના ડોક્ટર કેનિંગ વુડહલ સાથે લગ્ન કર્યાં. કાળક્રમે તેની સાથે છૂટાછેડા લઈ તે ન્યૂ યોર્ક ગયાં અને તે સમયે તાજા વિધુર બનેલા 84 વર્ષના કરોડપતિ કોર્નેલિયસ વાન્ડરબિલ્ટને મળ્યાં. તે દિગ્ગજ પૂંજીપતિને એમણે એવું મૂળિયું સૂંઘાડ્યું કે વાન્ડબિલ્ટે તેને ધીકતી શેર દલાલીની પેઢી સ્થાપવામાં પીઠબળ આપ્યું. તેની કમાણીમાંથી વિક્ટોરિયાએ એક સાપ્તાહિક પત્રિકા શરૂ કરી પોતાના ઉદ્દામ વિચારોનો પ્રચાર કર્યો અને જેમાંથી તેની રાજકીય આકાંક્ષાઓનો જન્મ થયો.

તે સમયે છૂટાછેડા કાયદેસર હતા, પણ ભાગ્યે તેની હિંમત કોઈ કરતું, કેમ કે છૂટાછેડા લેનાર સ્ત્રી કે પુરુષને સમાજ હિકારતની નજરે જોતો. લગ્નમાં કશું આકર્ષણ બચ્યું ન હોય તોય મહિલાઓ આજીવન ધણીની ધૂંસરી વેંઢાર્યા કરતી અને પુરુષો શોખથી રખાતો કે વેશ્યાઓનો સંગ શોધતા. તે જમાનામાં ફક્ત ન્યૂ યોર્કના મેનહાટન વિસ્તારમાં 20,000 વેશ્યાઓ હતી. માલદાર પુરુષો બેરોકટોક તેમની મહેમાનગતિ ભોગવતા. કહેવાય છે કે અમેરિકામાં રેલરોડ વિસ્તારનાર ધનપતિ વાન્ડરબિલ્ટ તેવી વારાંગનાઓના શૌકીન હતા.
સ્ત્રી અને પુરુષ વચ્ચે યૌનાચાર અંગેના આવા ક્રૂર ભેદભાવથી, શૈશવમાં પિતાએ આચરેલા દુષ્ટાચારથી અને પોતાના પહેલા પતિના આડા સંબંધોથી ખિન્ન થઈને વિક્ટોરિયા મુક્તાચારનાં હિમાયતી બનેલાં. આજે દોઢસો વર્ષ પછી પણ અમેરિકામાં શાકાહાર ભ્રૂસંકોચથી જોવાય છે ત્યારે છેક તે જમાનામાં આ વિરલ આધ્યાત્મિક નારીએ પશુઓની કતલનો વિરોધ કરી ચુસ્ત શાકાહારની હિમાયત કરેલી.

તે સમયે તાજી સ્થપાયેલી ઇક્વલ રાઇટ્સ પાર્ટી અથવા પીપલ્સ પાર્ટી (‘જનતા પક્ષ’) તરફથી 1872માં વિક્ટોરિયાએ રાષ્ટ્રપ્રમુખપદ માટે ઉમેદવારી નોંધાવેલી. તેના ઉપરાષ્ટ્રપ્રમુખપદના ભિલ્લુ હતા ભૂતપૂર્વ અશ્વેત ગુલામ અને ગુલામીની નાબૂદીના કર્મશીલ ફ્રેડરિક ડગલસ. વિક્ટોરિયાએ ફક્ત પુરુષોની બનેલી સરકારને ઉખેડી ફેંકી દેવાની ઝુંબેશ ઉપાડેલી. ‘રાજદ્રોહ કહો, દેશના ટુકડાની હિમાયત કહો જે કહો તે, અમે ક્રાંતિ લાવીશું અને આ બોગસ ‘પ્રજાતંત્ર’ને જમીનદોસ્ત કરી પ્રામાણિક સરકારની સ્થાપના કરીશું!’ તે કહેતાં, પોતાના મુક્તાચાર માટે તે ઘોષણા કરતાં કે, ‘હું જેને ઇચ્છું તેને ગમે તેટલા લાંબા કે ટૂંકા ગાળા માટે ચાહવાનો મને મૂળભૂત બંધારણીય અને કુદરતદત્ત અધિકાર છે! હું મુક્તપ્રેમમાં માનું છું, હું ઇચ્છું તો રોજ નવો પ્રેમી પકડું અને તેમાં દખલ કરવાનો તમને કે તમારા કાયદાઓને કોઈ હક નથી! મને સજા કરવી હોય તો ભલે શૂળીએ ચઢાવો!’
અલબત્ત, 1872ની રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં ભલે વિક્ટોરિયા શૂળીએ ના ચડ્યાં, પણ જાહેરમાં અશ્લીલ શબ્દો વાપરવા બદલ ચૂંટણીની રાત તેણે જેલમાં ગુજારેલી. મતદાનમાં તેને ગણતરીના મત મળેલા અને તેનો તેજોવધ થયો. ચૂંટણીની કારી પછાડ પછી 1976માં વાન્ડરબિલ્ડની વહારથી તેણે દેશ છોડ્યો અને ઇંગ્લેન્ડમાં નવી જિંદગીની શરૂઆત કરી. વિક્ટોરિયાએ ત્રણ વાર લગ્ન કરેલાં. 28મા વર્ષે એક કર્નલ બ્લડ નામે લશ્કરી અફસર સાથે બીજું અને ઇંગ્લેન્ડમાં જોન માર્ટિન નામના શ્રીમંત બેન્કર સાથે સન 1883માં 45ની વયે ત્રીજું. આજે ફરી એક મહિલા અમેરિકાનાં સર્વોચ્ચ નેતા અને વિશ્વનાયક થવા થનગની રહ્યાં છે. તે નિમિત્તે તેવી પહેલ કરનાર વિક્ટોરિયા વુડહલને નમન. જય મોનિકા!
madhu.thaker@gmail.com
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો