તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓલિમ્પિક: રમતવીરોની નજરે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘માય ઓલિમ્પિક જર્ની’ દિગ્વિજય સિંહ દેવ અને અમિત બોઝ દ્વારા આપણાં પચાસ રમતવીરોના ઇન્ટરવ્યૂ પર આધારિત પુસ્તક છે. રમતોના આ મહોત્સવ માટેની પૂર્વ તૈયારી અને ત્યાંના વાતાવરણ વિશે દરેક ખેલાડીએ નિખાલસતાથી પોતાના અભિપ્રાય જણાવ્યા છે, તેમાંના અમુક જોઈએ.

અન્ય રમતોત્સવો કરતાં અહીંનું વાતાવરણ તદ્દન જુદું હોય છે. વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓ સાથે ભાગ લેવો એક યાદગાર પ્રસંગ બને છે. પોતાના રાષ્ટ્રધ્વજ સાથે માર્ચ કરવાથી દેશપ્રેમ અને એકતાની અદ્્ભુત ભાવના જાગે છે. વિશ્વવિજેતા ખેલાડીઓ પણ અહીં મૈત્રીપૂર્ણ વ્યવહાર કરતા હોય છે. એકબીજાને મદદરૂપ પણ થતા હોય છે. મિલ્ખાસિંહ પોતાની પ્રથમ ઓલિમ્પિક મેલબર્નમાં બનેલી એક ઘટના દર્શાવે છે. 400 મીટરની દોડના ચેમ્પિયન જેનકિન્સને એ જ્યારે મળ્યો ત્યારે એણે પોતાની ટ્રેનિંગની વિગતો અને થોડી ટિપ્સ આપી હતી.
મેક્સિકોમાં આપણી હોકી ટીમ કાંસ્યપદક માટે જર્મની સામે રમી રહી હતી ત્યારે પાકિસ્તાની ટીમના અધિકારી કર્નલ દારાએ, જે એક સમયે ધ્યાનચંદ સાથે રમ્યા હતા, અમુક ટિપ્સ આપી હતી. સાઇના નેહવાલ કાંસ્યપદક જીતી ત્યારે એણે ઉજવણી કરી નહોતી. એને લાગ્યું હતું કે પોતાની રમત કરતાં સામેની ખેલાડીની ઈજાની લીધે જીતી છે. સૌ પ્રથમ એણે એ ખેલાડીનાં ખબરઅંતર પૂછ્યાં હતાં. આ ઓલિમ્પિક સ્પિરિટ છે, જેમાં સ્પર્ધા હોવા છતાં ખેલદિલીને પ્રાધાન્ય અપાય છે. આટલો મોટો દેશ હોવા છતાં આપણને મેડલો કેમ મળતાં નથી તેવી ટીકા હંમેશાં થતી હોય છે.
આ સ્થિતિનું વિશ્લેષણ અમુક ખેલાડીઓ આ રીતે કરે છે. સંઘર્ષ કરતા ખેલાડીને આર્થિક મદદ નથી મળતી. અમુક રમતોનાં સાધનો મોંઘાં હોવાથી ઊતરતી કક્ષાનાં વાપરવાં પડે છે. ગગન નારંગ કહે છે, આધુનિક ગન ખરીદવા માટે એના પિતાને જમીન વેચવી પડી હતી. ટીમની પસંદગીમાં પણ ક્યારેક ભેદભાવ રખાતો હોય છે. પી.ટી. ઉષાની કક્ષાની દોડવીરને એટલાન્ટા ઓલિમ્પિકમાં 400 મીટરની રીલે ટીમમાંથી છેલ્લી ઘડીએ અધિકારીઓ દ્વારા બાકાત રાખવામાં આવી હતી. આપણા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓનો ઓછો અનુભવ હોય છે. આપણે ત્યાં પ્રેક્ષકોનું પ્રોત્સાહન નથી મળતું. આજે મેડલ વિજેતા પર જે ધનવર્ષા થાય છે તેમાંનો અમુક અંશ જો સંઘર્ષના સમયે કોઈ સ્પોન્સર દ્વારા મળે તો પરિણામ જુદું આવે.

ટેનિસ ખેલાડી લિયેન્ડર પેસને 44 વર્ષ બાદ વ્યક્તિગત કાંસ્યપદક મળ્યું ત્યારે એ સ્ટાર બની ગયો. એના પિતા વેસ પેસ કાંસ્યપદક મેળવનાર હોકી ટીમના ખેલાડી હતા. એ કહે છે, ત્યારે હોકી માટે સુવર્ણપદકથી ઓછું કોઈને ખપતું નથી. અમે જાણે હારીને આવ્યા હોઈએ તેવું લાગ્યું હતું. સારું છે કે આજે બદલાવ આવ્યો છે. મેરી કોમ પાંચ વાર વિશ્વવિજેતા રહી પણ એ માને છે કે ઓલિમ્પિકના કાંસ્યપદકે એને વધારે પ્રતિષ્ઠા અપાવી છે. આપણે ત્યાં અભાવ પ્રતિભાનો નથી, પણ યોગ્ય પ્રોત્સાહનનો છે.
અન્ય સમાચારો પણ છે...