તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફુલે: રચના અને સંઘર્ષના સત્યનિષ્ઠ કર્મવીર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જોતિરાવનું મુખ્ય કામ જ સમાજસુધારા માટે લડત ચલાવવાનું હતું. તેમણે સંઘર્ષની સાથે રચનાત્મક પ્રવૃત્તિનું સંતુલન બરાબર જાળવ્યું
મુંબઇ પ્રાંતના કે ભારતના સમાજસુધારકોની વાત નીકળે ત્યારે રાજા રામમોહન રાય, ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર, મહર્ષિ કર્વે, ન્યાયમૂર્તિ રાનડે, દયાનંદ સરસ્વતી જેવાં નામ ઇતિહાસનાં પાઠ્યપુસ્તકોમાં જોવા મળે છે. તેમાં ભાગ્યે જ દેખાતું અને ઘણે ભાગે અદૃશ્ય રહેલું એક નામ છે : જોતિરાવ ફુલે (1827-1890). દયાનંદ સરસ્વતી-રાનડે-લોકમાન્ય ટિળક જેવા ઇતિહાસપુરુષોના સમકાલીન હોવા છતાં, ફુલેનું નામ જાણે આ બધા કરતાં અલગ પડી જાય છે : ઉપેક્ષાની રીતે પણ અને પ્રતાપની રીતે પણ. ફુલે કોઇ એક પ્રાંતના કે એક સદીના સુધારક નથી. ભારતનાં સર્વકાલીન મહાન વ્યક્તિત્વોમાં તેમની ગણતરી કરવી પડે એવું તેમનું કામ છે.

તો પછી તેમનું નામ કેમ સમાજના અમુક જ વર્ગમાં વધારે જાણીતું છે? અને સમાજનો બોલકો વર્ગ મહદંશે ફુલેથી કેમ અજાણ રહે છે? પહેલું અને મુખ્ય કારણ છે : જ્ઞાતિના ભેદભાવ. મહારાષ્ટ્રની પરંપરા પ્રમાણે ‘જોતિબા’ તરીકે ઓળખાતા જોતિરાવ ફુલે જન્મે માળી જ્ઞાતિના હતા. નીચલી ગણાતી (છતાં અસ્પૃશ્ય નહીં) એવી જ્ઞાતિના બાળક તરીકે એક પ્રસંગે વેઠવા પડેલા અપમાને તેમને સામાજિક અસમાનતાથી પરિચિત કરાવ્યા.
કટ્ટર બ્રાહ્મણવાદના ગઢ જેવા ઓગણીસમી સદીના પૂનામાં અસ્પૃશ્યોને તો માણસ જ ગણવામાં આવતા ન હતા. પણ આજની પરિભાષામાં જેમને ઓબીસી ગણી શકાય એવી ઘણી જ્ઞાતિઓને પણ હડઘૂત કરવામાં આવતી હતી. છેલ્લા થોડા દાયકામાં દલિત ચળવળ અને દલિત સાહિત્યની ઝુંબેશ શરૂ થઇ છે, પરંતુ એક-દોઢ સદી પહેલાંના પૂનામાં એવી કોઇ કલ્પના સુધ્ધાં થાય તેમ ન હતી. એ વખતે જોતિરાવ ફુલેએ આજીવન સમાજસુધારાની કામગીરી એવા અભૂતપૂર્વ જુસ્સાથી ચલાવી કે આ બાબતમાં તેમની જોડનો કોઇ આગેવાન ભાગ્યે જ થયો હશે. તેમના સમકાલીનોમાં તો નહીં જ.

જોતિરાવની કેટલીક વિશિષ્ટતાઓ તેમના પછી ઉભરેલા ગાંધીજીમાં જોવા મળે છે. પરંતુ ‘ઉજળિયાત’ કુટુંબમાં જન્મેલા, અસ્પૃશ્યતા પ્રત્યે ભરપૂર રોષ ધરાવતા છતાં ‘વર્ણાશ્રમધર્મ’ની તેમની સમજને વળગી રહેલા ગાંધીજીને દેશની રાજકીય આઝાદી માટેની લડાઇની આગેવાની લેવાની આવી. પરિણામે, તેમનો સમાજસુધારાનો કાર્યક્રમ એટલી અગ્રતા અને એટલી વ્યાપક સ્વીકૃતિ મેળવી શક્યો નહીં. ભારતના વ્યાપક જનસમુદાયને ગાંધીજીની મુખ્ય અપીલ આઝાદી અપાવનાર કર્મવીર તરીકેની હતી.
એ આભા સાથે ગાંધીજી સમાજસુધારાની વાત કરતા હતા, તો પણ તેમની એ વાતોના લેવાલ ઓછા રહેતા. જ્યારે જોતિરાવનું મુખ્ય કામ જ સમાજસુધારા માટે લડત ચલાવવાનું હતું. આ પ્રકારની લડતમાં અનિષ્ટોનો મુકાબલો કરતી વખતે લાંબા ગાળે આખી લડત ખંડનાત્મક થઇ જવાની પૂરી સંભાવના રહે છે. પરંતુ જોતિરાવે સંઘર્ષની સાથે રચનાત્મક પ્રવૃત્તિનું સંતુલન બરાબર જાળવી રાખ્યું. આ બાબતમાં ગાંધીજીની સરખામણી જોતિરાવ સાથે થઇ શકે.

ગાંધીજી પર થતો એક કાયમી આરોપ છે કે દક્ષિણ આફ્રિકામાં તેમણે સ્થાનિક કાળા લોકોની સમસ્યાને અવગણી અથવા તેને પ્રાથમિકતા ન આપી. આરોપની તરફેણમાં અને વિરોધમાં દલીલો-રજૂઆતો થઇ શકે. પરંતુ ગાંધીજીની પ્રાથમિકતા દક્ષિણ આફ્રિકામાં રહેતા હિંદીઓના હકની હતી. તેમનાથી 42 વર્ષ પહેલાં જન્મેલા જોતિરાવને કદી વિદેશ જવાનું બન્યું નહીં. પરંતુ અમેરિકામાં કાળા લોકોને ગુલામ તરીકે રાખવાની અમાનુષી પ્રથા સામે લડત ચાલી અને ગુલામીપ્રથા નાબૂદ થઇ, તેનાં સ્પંદનો પૂનામાં રહ્યે રહ્યે જોતિરાવે ઝીલ્યાં હતાં-વૈશ્વિકીકરણની એક સદી પહેલાં.

ભારતના જાહેર જીવનમાં ‘સત્ય’ની પ્રાણપ્રતિષ્ઠાનો પ્રયાસ ગાંધીજીએ કર્યો અને લોકમાન્ય ટિળક સાથેની એક ચર્ચામાં તેમણે ‘શઠમ્‌ પ્રત શાઠ્યમ્‌’ (જેવા સાથે તેવા)ને બદલે ‘શઠમ્‌ પ્રતિ સત્યમ્‌’ની વાત કરી. તેનાં વર્ષો પહેલાં જોતિરાવ ફુલેએ ‘સત્યમેવ જયતે’ના મંત્રને પોતાનો મુદ્રાલેખ બનાવ્યો હતો અને તેને લેટરહેડ પર સ્થાન આપ્યું હતું. બીજી ગોળમેજી પરિષદ વખતે બ્રિટન ગયેલા ગાંધીજી તેમના રાબેતા મુજબના પોશાકમાં શહેનશાહને મળ્યા હતા અને છેવાડાના ભારતીયો પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા શહેનશાહ આગળ રજૂ કરવાની નૈતિક હિંમત દર્શાવી હતી.
એ બનાવના ચાર દાયકા પહેલાં, ઇ.સ. ૧૮૮૮માં બ્રિટનના રાજકુમાર સજોડે ભારતની મુલાકાતે આવ્યાં, ત્યારે પૂનામાં તેમના માનમાં ભોજન સમારંભ યોજાયો. ત્યાં પૂના શહેરના તમામ અગ્રણીઓ બનીઠનીને આવ્યા હતા, પણ જોતિબા તેમના રાબેતા મુજબના ભારતીય ગામઠી પહેરવેશમાં પહોંચ્યા. તેમની પાસે આમંત્રણપત્ર હોવા છતાં દરવાનો તેમને અંદર જવા દેતા ન હતા. દરમિયાન યજમાનનું ધ્યાન જતાં તેમને આદરપૂર્વક અંદર લઇ જવાયા અને મહત્ત્વના સ્થાને બેસાડવામાં આવ્યા.

બોલવાનો વારો આવ્યો ત્યારે જોતિબાએ રાજકુમાર (ડ્યુક ઑફ કૉનોટ)ને સંબોધીને કહ્યું,‘અહીં બેઠેલા લોકોનાં ભપકાદાર કપડાં અને ઘરેણાં પરથી તમને લાગશે કે ભારત કેટલું સુખી અને સમૃદ્ધ છે. વાસ્તવમાં આ છાપ ગેરરસ્તે દોરનારી છે.અહીં બેઠેલા લોકો રાણી વિક્ટોરિયાશાસિત ભારતના ખરા પ્રતિનિધિ નથી. ખરું ભારત ગામડાંમાં વસે છે, જ્યાં સેંકડો લોકો પાસે શરમ ઢાંકવા જેટલાં પણ કપડાં નથી, ખાવા માટે અન્ન નથી, રહેવા માટે છાપરું નથી અને મિલકતમાં ફૂટી કોડી નથી.’ ભારતની વાસ્તવિકતાનો ચિતાર આપીને તેમણે ડ્યુકને કહ્યું,‘આપનાં માતાજી રાણી વિક્ટોરિયાને કહેજો કે તેમની પ્રજા અત્યંત ગરીબીમાં જીવી રહી છે અને તેમને શિક્ષણની બેહદ જરૂર છે.’

યાદ રહે કે ગાંધીજીની જેમ જોતિબા પણ પોતે જન્મજાત ‘અસ્પૃશ્ય’ ન હતા. પરંતુ બાળપણમાં થયેલા જ્ઞાતિ આધારિત ભેદભાવના અનુભવે તેમને સમાનતાના યોદ્ધા બનાવ્યા-જેમ બેરિસ્ટર ગાંધીને દક્ષિણ આફ્રિકામાં થયેલા રંગભેદના અનુભવે ભેદભાવની સામે શીંગડાં માંડતા કર્યા. ઘણી બાબતોમાં ગાંધીજીના પૂર્વસૂરિ લાગે એવા જોતિરાવ ફક્ત સુફિયાણી વાતો કરવામાં માનતા ન હતા. તેમના જમાનાના ઘણા સુધારકો સુધારાવાદી ભાષણો કર્યા પછી અમલની વાત આવે ત્યારે સમાજની બીકે પાણીમાં બેસી જતા હતા, ત્યારે જોતિરાવના ઉપદેશ અને આચરણ વચ્ચે ફરક ન હતો. સાવિત્રીબાઇ સાથે લગ્ન પછી સંતાન ન હોવાથી, પિતાએ જોતિરાવને બીજું લગ્ન કરવાની સલાહ આપી, ત્યારે જોતિરાવે પૂછ્‌યું હતું,‘સંતાન ન હોવા માટે હું કારણભૂત હોઉં, તો તમે સાવિત્રીને બીજું લગ્ન કરવા દેશો?’
અસ્પૃશ્યતા નિવારણ અને સમાજસુધારામાં ગાંધીજીના પૂર્વજ એવા આ મહાન અગ્રણીનો ગાંધીજીના અને ગાંધીજીના અંતેવાસીઓના સાહિત્યમાં ભાગ્યે જ ઉલ્લેખ જોવા મળે છે, તે આશ્ચર્ય અને ખેદ ઉપજાવે એવું છે. ‘કલેક્ટેડ વર્ક્સ ઑફ મહાત્મા ગાંધી’ના 97 ગ્રંથોની નામસૂચિમાં જોતિરાવ ફુલેનું નામ સરખું નથી. એ સંપાદનમાં રહેલી ક્ષતિ છે કે ખરેખર ગાંધીજીએ ક્યાંય જોતિરાવનો ઉલ્લેખ નથી કર્યો, એ તો કોઇ અઠંગ અભ્યાસી જ કહી શકે. આખા ભારતમાં અસ્પૃશ્યાવિરોધી ચળવળ ઉપાડનાર અને એ મુદ્દાને રાષ્ટ્રીય સ્તરે મૂકી આપનાર ગાંધીજીએ શા માટે જોતિરાવનું નામ લેવું અનિવાર્ય હતું? અને એ ન લીધું હોય તો ગાંધીજી અને તેમના સાથીદારો માટે શા માટે વિચિત્ર ગણાય? તેની વાત આવતા સપ્તાહે.
અન્ય સમાચારો પણ છે...