ક્યારેય નદી ઉપર વહેતી નદી જોઈ છે?

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એન્જિનિયરિંગે હંમેશાં લોકોનું જીવનધોરણ સરળ અને સુવિધાજનક બનાવ્યું છે. જોકે, આ જ એન્જિનિયરિંગ ક્યારેક મુશ્કેલ સમય અને પરિસ્થિતિમાંથી રસ્તો કાઢવાનું અઘરું કામ પણ કરે છે. તેનું એક ઉત્તમ ઉદાહરણ જાપાનનું ગેટ ટાવર બિલ્ડિંગ છે. જ્યાં બિલ્ડિંગની વચ્ચેથી રસ્તો પસાર થાય છે. આમ બિલ્ડિંગ પણ ત્યાં જ રહી અને રસ્તો પણ નીકળ્યો. આ જ રીતે જર્મનીમાં એક નદી ઉપરથી નદી વહે છે. જેને જોઈને સૌ આશ્ચર્યમાં પડી જાય છે.

જર્મની પોતાના એન્જિનિયરિંગ માટે આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે. ભલેને પછી તે રોડ હોય કે ગગનચુંબી ઇમારતો ત્યાં દરેક જગ્યાએ એકથી એક ચઢિયાતી એન્જિનિયરિંગની કમાલ જોવા મળે છે. જર્મનીમાં હવામાં લટકતી એટલે કે ઊંધી ટ્રેન પણ ચલાવવામાં આવે છે. તે જ રીતે મેગ્ડેબર્ગ શહેરમાં એક એવો બ્રીજ બનાવવામાં આવ્યો છે જે ખરેખર દુનિયાનો સૌથી અનોખો બ્રીજ છે. સામાન્ય રીતે બ્રીજ પર ગાડીઓ કે અન્ય વાહનો ચાલતાં હોય છે, પરંતુ જર્મનીના આ બ્રીજ પર ગાડીઓને બદલે પાણીનાં જહાજ ચાલે છે. વાસ્તવમાં એલ્બે નદીના બ્રીજને જોતાં એવું લાગે છે કે નદીની ઉપર નદી વહી રહી છે.

આ પાણીના બ્રીજને મેગ્ડેબર્ગ વોટર બ્રીજ તરીકે ઓળખવામાં આવે છે. વ્યાવસાયિક દૃષ્ટિએ પણ નદીની ઉપર વહેતી આ કૃત્રિમ નદી મહત્ત્વપૂર્ણ છે. તેના દ્વારા ઘણાં નાનાં-મોટાં વ્યાવસાયિક જહાજો પૂર્વ જર્મનીથી પશ્ચિમ જર્મની માલસામાન અને યાત્રીઓને પહોંચાડે છે. આમ તે પૂર્વ અને પશ્ચિમ જર્મનીને એકબીજા સાથે જોડે છે. પૂર્વ-પશ્ચિમ જર્મનીને જોડવા માટે બધી જ રીતે વિચારતાં આ સૌથી સસ્તો, સુરક્ષિત અને સરળ રસ્તો લાગ્યો અને બહુ વિચાર્યા પછી 2003માં આ બ્રીજનું નિર્માણ પૂર્ણ થયું. જહાજોને ચાલવા યોગ્ય દુનિયાનો આ સૌથી લાંબો જળસેતુ છે.

આ વોટર બ્રીજને બનાવવા માટે મેગ્ડેબર્ગ શહેરની બહાર એબ્લે નદીને વિપરીત દિશાઓમાં વહેનારી નહેર હવેલ અને મિટેલેન્ડને જોડવામાં આવી. આ બંને નહેરોને એકબીજા સાથે જોડીને નદીની ઉપરથી બ્રીજ લઈ જવામાં આવ્યો અને શહેરથી ખાસ્સે દૂર એલ્બે નદીમાં જેને જોડી દેવાયો. આ રીતે નદીની ઉપર એક બીજી નદી બની ગઈ જેમાં મોટા માલવાહક જહાજોના આવાગમન માટે એક રસ્તો બની ગયો. બ્રીજનું નિર્માણકાર્ય ભલે 2003માં પૂરું થયું હોય, પરંતુ તેને બનાવવાનો આઇડિયા આજથી 80 વર્ષ પહેલાં સામે આવ્યો હતો.

તેનું નિર્માણકાર્ય ઈ.સ. 1930માં શરૂ કરવાનું હતું, પરંતુ બીજા વિશ્વયુદ્ધને કારણે તે પડતું મૂકવું પડ્યું. પછી ઘણાં વર્ષો બાદ ઈ.સ. 1997માં આ બ્રીજને બનાવવાની પ્રક્રિયા ફરીથી શરૂ થઈ અને 2003માં બ્રીજ બનીને તૈયાર થઈ ગયો. આ પ્રોજેક્ટને પૂરો કરવા માટે આશરે 3,566 કરોડ રૂપિયા જેટલો માતબર ખર્ચ થયો હતો, પરંતુ આ બ્રીજના કારણે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ખૂબ જ ઘટી ગયો અને લોકોને સસ્તી અને ઝડપથી વસ્તુઓ મળવા લાગી.
prashantvpatel2011@gmail.com
અન્ય સમાચારો પણ છે...