મારું સ્ત્રીત્વ છિનવાઈ જશે?

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મારું સ્ત્રીત્વ છિનવાઈ જશે?
એવું કેમ હોય ડૉક્ટર, કે આટલું ભણ્યા પછી વ્યક્તિ પોતાની માનસિક શાંતિ ન મેળવી શકે? એક ઇન્ટીરિયર ડિઝાઇનર તરીકે મેં ઘણા રિમાર્કેબલ પ્રોજેક્ટસ કર્યા છે. પણ હું હમણાંથી બહુ ક્રેન્કી થઈ ગઈ છું. વાત વાતમાં બધા પર ચિડાઈ જઉં છું. ખાસ કરીને મારી નજીકની વ્યક્તિ પર. કારણ એ કે એ લોકો મને આટલાં વર્ષોમાં સમજી જ નથી શક્યા. મેં કેટકેટલો ભોગ આપ્યો છે. મારાં બંને બાળકોને ભણાવવામાં, ઘર સાચવવામાં અને મારું પ્રોફેશન સાચવવામાં પણ. મારી ઊંઘ હમણાંથી ડિસ્ટર્બ છે.

મને ગમે ત્યારે ગભરામણના એટેક આવે છે, જેનું કોઈ કારણ જ ન હોય. એવી પાયા વગરની ચિંતા રહ્યા કરે છે. આજકાલ મૂડ સ્વિંગ્ઝ પણ વધી ગયા છે. સ્વભાવ ભુલકણો થઈ ગયો છે. કોઈ જગ્યાએ સરખું કોન્સન્ટ્રેશન નથી કરી શકતી. અનિયમિત માસિક તેમજ હાથ-પગનાં તળિયાંમાં ગરમી થાય છે. ક્યારેક આખું શરીર જાણે આગ-આગ હોય એવું લાગે. સેક્સની ઇચ્છા તો મરી જ પરવારી છે. ક્યારેક હૃદયના ધબકારા વધી જાય. તો પાછું ક્યારેક બધું ઠેકાણે થઈ જાય તો જેની સાથે અણબનાવ બન્યો હોય તેની માફી પણ માગી લઉં. મારા ગાયનેકોલોજિસ્ટે તો મને સ્પષ્ટ કહ્યું છે. ‘આ પેરિમેનોપોઝની સમસ્યા હોર્મોનલ ચેન્જીસને લીધે છે. મને એવી બીક લાગે છે કે હવે મારું સ્ત્રીત્વ છિનવાઈ જશે. એમણે મને સાયકોલોજિકલ સમસ્યાઓ માટે સારવાર લેવાનું પણ સૂચવ્યું છે.’

જી હા, આ સ્થિતિ ‘પેરિમેનોપોઝ’ તરીકે ઓળખાય છે. મેનોપોઝમાં સ્ત્રીનું માસિક સંપૂર્ણ બંધ થઈ જાય, પણ ત્યાં સુધીનો સમય પેરિમેનોપોઝ કહેવાય છે. મધ્યવયની સ્ત્રીઓમાં આ પ્રકારના વાતાવરણમાં એક માનસિક થાક પણ ઊભો થાય છે અને જો એમાં પરિવારનો સપોર્ટ ન હોય તો સમસ્યા ઓર વકરે છે. ઘણી વાર છૂપું ડિપ્રેશન ચાલ્યા કરતું હોય અને બરાબર આ જ સમયમાં જ્વાળામુખીની જેમ ફાટે.

પેરિમેનોપોઝમાં કાઉન્સેલિંગ, ડાયટ મેનેજમેન્ટ અને એક્સરસાઇઝ તેમજ યોગ ખૂબ મદદરૂપ થાય છે. મેથી, અળસી તેમજ ચણાનો ખોરાકમાં વપરાશ કરવાથી હોટ ફ્લશીઝ નિયંત્રણમાં રહે છે. કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન અને ફાઇબરયુક્ત ખોરાક સાથે બ્લડ શુગરને નિયંત્રણમાં રાખવું જરૂરી છે. આ ગાળામાં વ્યસનનો ત્યાગ કરવાથી ફાયદો થાય છે. નિયમિત કસરતથી ઓસ્ટિઓપોરેસીસથી બચી શકાય છે.
હાડકાં પોચાં પડવાની પ્રક્રિયા ધીમી પડે છે. રોજે 30થી 45 મિનિટ ચાલવું કે એક્સરસાઇઝ કરવી અનિવાર્ય છે. કેળાં તેમજ સોયાબીન મદદ કરે છે. રૂટિન લાઇફસ્ટાઇલમાં ફેરફાર સાથે કોમલબહેનને સાયકોથેરાપીના સિટિંગ્સ દ્વારા પેલો માનસિક થાક અને ડિપ્રેશન દૂર કરાયાં.  વિનિંગ સ્ટ્રોક : જવાબદારીનો ભાર ઊંચકતા જેટલી ઉતાવળ થાય તેટલી જ ઉતાવળ કામ પતે એટલે  જવાબદારીને ઝડપથી ઉતારવામાં કરવી જોઈએ.
અન્ય સમાચારો પણ છે...