શરણાગતિ ઘરવાળાની પૂછપરછ કરતા કહ્યું છોકરી સગીર છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજનગરની મુખ્ય શાકમાર્કેટ પાસે જ જીવણલાલને જનતા ફ્લોર મિલ હતી. તેની ઉપર એમનું રહેણાક હતું. પરિવારમાં બે પુત્રો અને એક પુત્રી રિક્તા હતાં. પુત્રોમાં નાનો સુરત હીરામાં હતો અને મોટો કાળુ સાવ આળસુ. કંઈ કામ કરે નહીં. નગરમાં એના લુખ્ખા મિત્રો સાથે રખડે. આથી જીવણલાલની પત્ની અને પુત્રી રિક્તાને ઘણી વાર ફ્લોર મિલમાં અનાજ દળવું પડતું હતું. હવે રિક્તાએ પંદરમું પૂર્ણ કરીને જોબનમાં પ્રવેશ કર્યો હતો. એ ખાસ બહુ ભણી ન હતી, પણ એને ફિલ્મનો જબરો શોખ હતો. એને પોતાને કોઈ સોહામણો હીરો જેવો ચાહનાર મળી જાય એવાં સપનાં આવતાં હતાં.

એક વાર જીવણલાલ અને રિક્તા સુરતથી આવી રહ્યાં હતાં. વહેલા સવારે પાંચ વાગ્યાનાં નીકળેલાં એ બન્ને ખરા બપોરે રાજનગર એસ.ટી. ડેપો પર ઊતર્યાં. સખત ગરમીને કારણે લૂ વરસી રહી હતી. આથી જીવણલાલ અને રિક્તાને કશુંક ઠંડું લેવાનું મન થયું. બન્ને સામાન લઈ બહાર આવ્યાં. સામે જ લવલી આઇસક્રીમ પાર્લર હતું. બન્ને બાપ દીકરી પાર્લરમાં બેઠાં. જીવણલાલે આઇસક્રીમનો ઓર્ડર આપ્યો ત્યારે કાઉન્ટર પર બેઠેલા યુવાને તરત જ બે કપ ટેબલ પર મૂક્યા.

હવે એ હેન્ડસમ યુવાનને રિક્તા એકી નજરે યુવાનને નીરખી રહી. બન્નેની નજર મળતાં બન્નેના હોઠે સ્મિતની આપ-લે કરી. જીવણલાલ સાથે હતા, તેથી રિક્તા કશું બોલી નહીં. પૈસા ચૂકવી બન્ને નીકળી ગયાં, પણ બીજા દિવસે રિક્તાએ તરત જ યુવકની કુંડળી મેળવી લીધી.  યુવાનનું નામ રોહિત હતું. એસ.ટી. ડેપો પર આઇસક્રીમની દુકાન એની પોતાની હતી. રોહિતના પિતા નિવૃત્ત જંગલ અધિકારી હતા. એમણે જ રોહિતને ક્યાંય નોકરી ન મળતાં આઇસક્રીમની દુકાન કરી આપી હતી.

એ પોતે જરા ક્રોધી સ્વભાવના હતા. એમનું નામ દોલતરાય હતું. રોહિતથી બે વર્ષ નાનો ભાઈ પ્રેમલ જરા મંદબુદ્ધિનો હતો. બસ પછી તો રિક્તા મધુર આઇસક્રીમ પાર્લરમાં અવારનવાર મુલાકાત કરવા લાગી. રોહિત અને રિક્તાની રોજની મુલાકાત મહોબતમાં બદલાઈ.  રિક્તાના ઘરનાને જાણ થતાં ખફા થઈ રહ્યા. પરનાતના છોકરા સાથે રિક્તાનો પ્રેમ એમને ખટકી રહ્યો. એમણે રિક્તા પર પ્રતિબંધ લગાવ્યો કે ક્યાંય બહાર એકલા જવું નહીં અને એ યુવકને ભૂલી જવો. પણ એક વાર પ્રેમના પંથે સવાર થયેલાં રિક્તા અને રોહિત એક સહેલીના મોબાઇલ થ્રૂ મસલત કરી રાત્રે ભાગી નીકળ્યાં. છેક આગ્રા સુધી પહોંચી ગયાં. રોહિત પાસે પૈસા હતા.

જીવણલાલને ખબર પડતાં એમણે પોલીસમાં ફરિયાદ લખાવી કે રોહિતે એમની સગીર પુત્રી રિક્તાને ભોળવીને અપહરણ કર્યું છે. ત્યારે તપાસ કરી રહેલા પોલીસ ઇન્સ્પેક્ટર રાજદેવે રોહિતના ઘરવાળાની પૂછપરછ કરતાં કહ્યું કે છોકરી સગીર છે. એને લઈ ભાગવું એ ગુનો છે, તેથી એ બંને ક્યાં છે એ કહી દો. આમ, પોલીસની તાકીદ વધતાં રોહિતને ખબર પડી કે રિક્તા સગીર છે. ત્યારે એણે સામે ચાલીને રિક્તાને પોલીસના હવાલે કરી. પોલીસે કાર્યવાહી પૂરી કરી રિક્તાને એના ઘરનાને સોંપી દીધી.

પણ રોહિતનેય તેના ઘરેથી ઝડપી લીધો. ત્યારે દોલતરાયને પ્રેમલે પૂછ્યું કે, ‘હેં પપ્પા, ભાઈને પોલીસ કેમ પકડી ગઈ? એને ક્યારે છોડશે?’ ‘બેટા, રોહિતને પેલી રિક્તાના પાપે પોલીસ પકડી ગઈ છે. એને પતાવી દેવી જોઈએ. રોહિત માટે જામીન પણ મળતા નથી.’  પ્રેમલ એના પપ્પાનો પ્રત્યુત્તર સાંભળી રહ્યો. દોલતરાય રોહિતની ચિંતામાં હતા. બે દિવસ બાદ વહેલી સવારે જીવણભાઈને ત્યાં દેકારો બોલ્યો. ઘરનું બારણું ખુલ્લું હતું. રિક્તા બાથરૂમમાંથી બહાર આવી ને કોઈએ એને ગોળી મારીને પતાવી દીધી.

પોલીસને જાણ થતાં આવી પહોંચી. રાજદેવે જોયું તો હત્યારાએ રિક્તાને બરાબર છાતીમાં જ ગોળી મારી હતી. જીવણલાલનું કહેવું હતું કે રિક્તાનો હત્યારો રોહિત હતો. મેં એને ભાગતા જોયો હતો. એણે મોઢે રૂમાલ બાંધ્યો હતો. ત્યારે રાજદેવે  કહ્યું, ‘હત્યા રોહિતે ક્યાંથી કરી હોય, એ તો અહીં જેલમાં છે.’ ઘરના બધાંનાં સ્ટેટમેન્ટ લેવાયાં. એક જીવણલાલનો કાળુ હાજર ન હતો. એ પોલીસમાં શંકાના ચક્કરમાં હતો. ખુદ રાજદેવ રિક્તાની હત્યા કોણે કરી હશે એ જ મનોમંથન કરી રહ્યા હતા. ત્યાં પ્રેમલે જાતે આવી પોતાને સરેન્ડર કરતાં કહ્યું, ‘સાહેબ, રિક્તાની હત્યા મેં કરી છે. હવે તો મારા ભાઈને છોડી દો. એના પાપે મારો ભાઈ જેલમાં છે.’ રાજદેવ એક ભાઈ માટે એક ભાઈની શરણાગતિ જોઈ રહ્યા.
અન્ય સમાચારો પણ છે...