દિનીયા-વિનીયાનો ડખો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિનેશ ઉર્ફે દિનીયો અને વિનેશ ઉર્ફે વિનીયો મિત્રો તો હતા જ, પણ સાથે સાથે ‘ઓફિસ કલીગ’ પણ હતા. બંને દવાની કંપનીમાં ‘મેડિકલ રિપ્રેઝન્ટેટિવ’ની જોબ કરતા હતા. વળી, એક જ ‘સેલ્સટીમ’માં હોવાથી બંને સાથે જ ફર્યા કરતા હતા. દવાઓનું માર્કેટિંગ એન્ડ સેલિંગ કરવા માટે સાથે બહારગામ પણ જતા હતા. આવી જ એક ‘માર્કેટિંગ ટૂર’ પર દિનીયો ને વિનીયો નીકળ્યા હતા. એ જે શહેરમાં પોતાની કંપનીની દવાઓ વેચવા ગયા હતા.

ત્યાં મંદિરો અને નહાવાના કુંડ હતા. વળી, ત્યાં ફીમેલ ડ્રેસોય સરસ મળતાં હતાં. દિનીયા, વિનીયાની ઘરવાળીઓએ એમના ડ્રેસીસ લઈ આવવાનું ફરમાન જાહેર કર્યું હતું. એટલે દિનીયા, વિનીયાએ એ શહેરમાં દવાઓ વેચવાનું કામ પતાવી, પોતપોતાની પત્નીઓ માટે સરસ મજાના ડ્રેસ ખરીદ્યા. મંદિરોમાં દર્શન કર્યાં. ત્યાં દિનીયાને ત્યાંના પાણીના કુંડમાં નહાવાનું મન થયું. વિનીયાને શરદી થઈ’તી એટલે એણે કુંડમાં ખાબકવાની ના પાડી,

પણ દિનીયો તો કુંડમાં કૂદવા થનગનતો હતો. એટલે બંને કુંડ પાસે પહોંચ્યા. ત્યાં કુંડ પાસે કપડાં બદલવાની એક જગ્યા હતી. દિનીયો ત્યાં ધસી ગયો. એ બહારગામ ટૂર પર નીકળે ત્યારે એક બરમ્યુડો ચડ્ડો કાયમ સાથે રાખતો. કપડાં બદલવાની ઓરડીમાં કપડાં કાઢી, બરમ્યુડો પહેરી દિનીયો બહાર આવ્યો અને પછી કુંડમાં નહાવા દોડી ગયો. નાના બાબલાની જેમ એણે અડધો કલાક કુંડમાં નહાઈને મજા કરી. વિનીયાએ બૂમ પાડી કે,

‘અલ્યા આપણી બસનો ટાઇમ થઈ જશે, હવે નીકળ. દિનીયો ત્યારે માંડ કુંડમાંથી બહાર નીકળ્યો. ટુવાલ લઈ દિનીયો કપડાં બદલવા રૂમમાં ઘૂસ્યો. થોડી વાર પછી એણે થોડુંક અમથું બારણું ખોલી વિનીયાને ભીનો બરમ્યુડો આપ્યો અને કહ્યું, ‘બરમ્યુડો નિચોવી નાખ ત્યાં સુધીમાં હું ડીલ લૂછી કોરો થઈ જાઉં.’ વિનીયો કચવાતા મને દિનીયાનો બરમ્યુડો ચડ્ડો નિચોવવા માંડ્યો. ગુસ્સામાં એણે બરમ્યુડાના એટલા બધા વળ ચડાવ્યા કે બરમ્યુડો ફાટું ફાટંુ થઈ ગયો. ત્યાં દિનીયો પેલી ઓરડીમાંથી ટુવાલભેર બહાર આવ્યો અને બોલ્યો, ‘વિનીયા મારાં કપડાં ક્યાં ગયાં?’

વિનીયો બેગ દેખાડવા માટે ફર્યો અને છળી મર્યો. એણે જ્યાં બંનેની બેગો મૂકી હતી ત્યાં બેગો નહોતી. કોઈ એમની બેગો ‘ઠાંગી’ ગયું હતું. વિનીયાએ ગભરાટમાં રાડ પાડી, ‘દિનીયા, આપણી બેગો ચોરાઈ ગઈ.’ ટુવાલભેર ઊભેલો દિનીયો થરથર ધ્રૂજવા માંડ્યો. બંનેએ ‘ઘાંઘા’ થઈ બેગની શોધાશોધ શરૂ કરી. ગમે તેને ‘બેગ જોઈ? બેગ જોઈ?’ એવું પૂછવા માંડ્યા, પણ એમને બેગ ન મળી. ત્યાં બંનેનું ધ્યાન ગયું તો ‘નજીકમાં એક બાકડા પર પ્લાસ્ટિકની કોથળી પડી હતી. વિનીયાને યાદ આવ્યું કે દિનીયાે કુંડમાં ખાબક્યો ત્યારે એ ત્યાં બેઠો હતો અને એણે જ એ કોથળી ત્યાં મૂકી હતી.

એ કોથળીમાં દિનીયા અને વિનીયાએ પોતાની પત્નીઓ માટે જે ડ્રેસીસ ખરીદ્યા હતા એ ડ્રેસીસ એમાં હતા. બંને જણા રાગ મૂંઝારો અને રાગ ગભરાટ ગાતાં ઊભા હતા. વિનીયાએ કહ્યું, ‘આપણી બસનો ટાઇમ પણ થઈ ગયો છે. હવે શું કરીશું?’ દિનીયાએ કહ્યું, ‘આમ, ટુવાલભેર હું બસમાં નહીં બેસું.’ વિનીયાએ થોડી વાર વિચારી દિનીયાને કહ્યું, ‘દિનીયા, એક જ ઉપાય છે, તું આ લેડીઝ ડ્રેસ પહેરી લે.’ દિનીયો ધાર્મિક સ્થળ પાસે પણ ગાળો બોલવા માંડ્યો.

વિનીયાએ કહ્યંુ, ‘આ સિવાય આપણી પાસે કોઈ જ ઉપાય નથી. મારાં કપડાં તને થશે નહીં અને નવાં કપડાં લાવવાનો આપણી પાસે સમય નથી. એટલે હવે આ તારી પત્નીનો ડ્રેસ જ તારે પહેરવો પડશે.’ કોઈ જ ઉપાય ન હોવાથી દિનીયો કપડાં બદલવાના રૂમમાં લેડીઝ ડ્રેસ લઈને ઘૂસ્યો અને થોડી વારે અંદરથી પંજાબી સલવાર-કમીઝ પહેરીને નીકળ્યો. વિનીયાને એ જોઈ હસવું ચડ્યું. માંડ માંડ કંટ્રોલ કરી એણે બીજો આઇડિયા આપ્યો, ‘દિનીયા, તું દુપટ્ટાથી મોઢું ઢાંકી દે એટલે કોઈને ખબર નહીં પડે કે લેડીઝ ડ્રેસ મેં મહિલા હૈ કે ભાઈલા હૈ.’ દિનીયાએ એવું જ કર્યું.

થોડી વાર પછી દિનીયો ટ્રાવેલ્સની બસમાં બેઠો હતો. એની બાજુમાં પંજાબી ડ્રેસ પહેરેલો, દુપટ્ટાથી ચહેરો ઢાંકેલો દિનીયો બેઠો હતો. સામે એક ટાલિયો બેઠો હતો, જે એમને ઘૂરી ઘૂરીને જોયા કરતો હતો. વિનીયાએ એની સામે ડોળા કાઢ્યા એટલે ટાલિયો એનો મોબાઇલ મંતરવા માંડ્યો. વિનીયાને શાંતિ થઈ. દિનીયો પણ રિલેક્સ થયો અને થોડી વાર પછી દિનીયો વિનીયાના ખભે માથું ઢાળીને સૂઈ ગયો. ટાલિયો ફરી એ ‘કપલ’ને ઘૂરી ઘૂરીને જોવા માંડ્યો. આમ, સમય પસાર થયો અને બસ દિનીયા-વિનીયાના શહેરમાં પહોંચી ઊભી રહી.

બધાયની સાથે દિનીયો વિનીયો પણ બસમાંથી ઊતર્યા. એ લોકો રિક્ષામાં બેસવા જતાં જ હતા ત્યાં એક બૂમ સંભળાઈ, ‘આ રહ્યાં એ પ્રેમીપંખીડાં. એ લોકો રિક્ષામાં બેસી ક્યાંક ભાગે એ પહેલાં પકડી લો એમને.’ દિનીયા-વિનીયાએ જોયું તો પેલો બસવાળો ટાલિયો એમના તરફ આંગળી ચીંધી અને બૂમો પાડી રહ્યો હતો. એની બાજુમાં દિનીયાની વાઇફ ચંદ્રિકા, ચંડિકાની જેમ ગુસ્સામાં ઊભી હતી. વિનીયો કંઈ બોલે એ પહેલાં ચંદ્રિકા ધસી આવી અને વિનીયાનો કાંઠલો પકડી તાડૂકી, ‘માર્કેટિંગ ટૂર પર જાઉં છું કહીને આ પંજાબી ડ્રેસવાળી પ્રેમિકા સાથે ગુલછર્રા ઉડાવો છો?

આ મારા કેશુકાકા તમને જોઈ ગયા અને એમણે મને ફોન પર મેસેજ કરી બધું કહી દીધું એટલે મને તમારી આ રાસલીલાની જાણ થઈ ગઈ.’ ત્યારે વિનીયાને યાદ આવ્યું કે બસવાળો ટાલિયો બીજું કોઈ નહીં પણ ચંદ્રિકાનો કાકો, યાને કી કેશ વગરનો કેશુકાકો હતો. ચંદ્રિકાએ અને કેશિયાએ બુમરાણ શરૂ કરી. વિનીયાએ કહ્યું, ‘અરે યાર! આ મારી પ્રેમિકા નથી.’ ચંદ્રિકાએ ત્રાડ પાડીને પૂછ્યું, ‘આ પ્રેમિકા નથી તો કોણ છે?’ વિનીયાએ છેલ્લા ઉપાય તરીકે દિનીયાના ચહેરા પરથી દુપટ્ટો ખેંચીને દુપટ્ટાહરણ કર્યું. દુપટ્ટા નીચેથી દાઢી મૂછવાળો દિનીયો નીકળતાં બધાં સ્તબ્ધ થઈ ગયાં. દિનીયા-વિનીયાએ ચંદ્રિકાને આખી વાત સમજાવી.

આ સાંભળી બધાં હસવા માંડ્યાં. કેશ વગરના કેશુએ રિક્ષા રોકી અને બધાં એમાં બેસી રવાના થઈ ગયાં. રસ્તા પર પડેલો દુપટ્ટો લઈ એક ભિખારી વિચારતો હતો, ‘આ ભાઈનો દુપટ્ટો છે કે બાઈનો?’
 
અન્ય સમાચારો પણ છે...