તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શરદી એક નુસખા અનેક

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આજે આપણે એક એવા રોગને ચર્ચાના એરણ પર ચડાવવાના છીએ જેને રોગ કહેવો કે નહીં તેના વિશે સમાજમાં ગંભીર મતભેદો પ્રવર્તી રહ્યા છે. ભાવનગર તરફ જવાના રસ્તા પર ફેદરાથી નારી ચોકડી વચ્ચેના વિસ્તારના વૈજ્ઞાનિકો આને ગંભીર રોગ, કષ્ટદાયક વ્યાધિ ગણે છે. જ્યારે લીંબડી અને ભગતના ગામ વચ્ચેના વૈજ્ઞાનિકો આને રોગ ગણતા જ નથી. (આ ભગતનું ગામ એટલે સાયલા, પણ લોકો એનું નામ લેવાના બદલે એને ‘ભગતના ગામ’ તરીકે જ બોલાવે છે.

એની સુજ્ઞ વાચકોએ નોંધ લેવી.) ટૂંકમાં, આ એક એવો ‘ફિઝિકલ પોબલેમ’ છે જે ‘દૂધમાં અને દહીં’માં બંનેમાં ગણવામાં આવે છે. આ વિચિત્ર આધિ, વ્યાધિ, ઉપાધિ, તકલીફ, મુશ્કેલીને આપણે બધા ‘શરદી’ તરીકે ઓળખીયે છીએ. બોલો, આ શરદીને રોગ તરીકે ગણવી કે ના ગણવી એનું તમને પણ કનફ્યૂઝન છેને? આ શરદી આપણને નાના પાટેકરના ખૂબ જાણીતા ડાયલોગની જેમ જ એક ‘શરદી આદમી કો નકામા ઢીલાઢસ બના દેતી હૈ.’

એમાં માણસને ઝીણો તાવ રહે, શરીર તૂટું તુટૂં થયા કરે, માથું ફરી જાય, ભેજું ભમી જાય, આંખોમાંથી પાણી દદડે, નાકમાંથી બીજું કંઈક દદડે, છીંકાછીંક થાય, ગળું ચચરવા માંડે, ઘોઘરો બેસી જાય, કાન બંધ થઈ જાય આવી અનેક તકલીફો એકસામટી થતી હોય છે. તે છતાં લોકો શરદીને રોગ તરીકે સ્વીકારવા તૈયાર નથી હોતા. બધા એને સામાન્ય શરદી, કોમન કોલ્ડ કહી ઉતારી પાડતા હોય છે. ઘણા તો એવો ડાયલોગ પણ મારતા હોય છે કે, ‘શરદીની દવા કરો તો એ અઠવાડિયામાં મટી જાય અને દવા ના કરો તો એ સાત દિવસમાં મટી જાય,’ પણ હકીકત એ છે કે જેને શરદી નથી થઈ હોતી એ લોકો શરદી માટે આવું એલફેલ બોલતા હોય છે.

બાકી જેને શરદી થઈ હોય એ તો બોલવા માટે ‘કાબિલ’ જ નથી હોતો. બિચારો-બિચારી તો શરદીના લીધે રૂના કોથળા જેવો-જેવી હાલતમાં હોય છે. આ શરદી ‘ના કહેવાય, ના સહેવાય’ એવા પ્રકારની એક બીમારી છે. શરદીને દૂર કરવા માટેની દવાઓનું પણ એક અનોખું વિશ્વ છે. ડોશીમાનું વૈદું, ઘરગથ્થુ ઇલાજ, દેશી ઉપચાર એ બધાયમાં શરદી મટાડવા માટે ઢગલાબંધ ઉપાયો સૂચવવામાં આવેલાં છે અને તમે નોંધ્યું હોય કે ના નોંધ્યું હોય, પણ મેં તો નોંધ્યું જ છે કે ઘરના લોકો, ઓળખીતાં-પાળખીતાં, સગાંવહાલાં અને ઇષ્ટમિત્રો બધા તરફથી શરદી ભગાડવા માટે સૌથી વધારે સજેશન મળતાં હોય છે. દરેક વ્યક્તિ પાસે શરદી મટાડવાનો એક આગવો અનોખો નુસખો હાજર સ્ટોકમાં હોય જ છે.

જેવા તમે બોલો કે, ‘મને જરા શરદી જેવું છે.’ એટલે તરત જ એ શરદી માટેના ‘તિલસ્મી નુસખા’ ટપોટપ પેશ કરવા માંડે છે. ‘શું કહ્યું? શરદી થઈ છે? શરદીનો એકમાત્ર અકસીર ઇલાજ છે, તુલસી, ફુદીનો, આદું નાખેલી ગરમાગરમ ચા. આવી ચા દિવસમાં ત્રણ-ચાર વાર પીશો, એટલે શરદી આમ (ચપટી વગાડીને) ગાયબ થઈ જશે.’ ‘શરદી માટે એક જોરદાર ઉકાળો બનાવી હું કહું એવી રીતે પીશો તો બે દિવસમાં શરદી ‘છૂ’ થઈ જશે. એક ગ્લાસ પાણીમાં ચપટી સૂંઠ, ત્રણ મરી, બે લવિંગ, એક ઇલાયચી નાખો, સાથે તુલસી-ફુદીનાનાં પાંચ પાંચ પત્તાં નાખો. એમાં ચામાં નાખવાનો ગરમ મસાલો અને થોડો તજનો ભૂકો નાખી એને ઉકાળો. આખો ગ્લાસ પાણી ઉકળીને અડધું થઈ જાય એટલે એ ઉકાળો ગરમાગરમ પીવો. આ ધમધમતો ઉકાળો શરદી તોડી નાખશે.’

પણ મારા વાલીડા આવો ઉકાળો ખાલી પેટે સવારે નયણા કોઠે પીવાનો તો જ એની ધારી અસર થશે. અલ્યા આવા ‘તેજ તર્રાર’ ઉકાળાથી પેટની પથારી ફરી જાય તો શું કરવાનું એ તો કહે.
કોઈક વળી એવું કહેતા હોય છે કે, ‘સવાર, બપોર, સાંજ હળદર ફાકી જાઓ. એનાથી સો ટકા શરદી મટી જશે.’ એનાથી કમળા જેવી પીળી જીભ થઈ જાય એનો ફોડ નથી પાડતા એ લોકો. ઘણા એવું પણ કહેતા હોય છે કે, ‘શરદીનો એક જ ઇલાજ છે નાસ, નાસ અને નાસ’ આપણને એમ થાય કે એ આપણને ‘નાસ-ભાગ’ કરવાનું કહેતા હશે, પણ હકીકતમાં એ માથે ચાદર ઓઢી અને ગરમ પાણીની વરાળનો ‘નાસ’ લેવાનું કહેતા હોય છે.

જોકે, આ ‘નાસ’ લેવો બધાયને નથી ફાવતો. ઘણાને ખૂબ ગભરામણ થવા માંડે છે. તો કોઈ ગરમ તપેલીની નજીક જતા રહેતા હોવાથી કપાળે, દાઢીએ અને બંને ગાલના છેડે એમ તપેલીના કાંઠાના આકારમાં ‘ગોળ સર્કલ’માં ચહેરા પર દાઝી જતા હોય છે. ઘણા આતંકવાદી જેવો ઉપાય કહેતા હોય છે. ‘તમુને શરદી બઉ રેતી હોય તો ઘરમાં બોમ રાખો. આ બોમથી શરદીના ફુડચા બોલી જશે.’ હકીકતમાં એ કપાળ, છાતી, બરડે અને નાક પર લગાડવા માટેના ‘લૂગદી’ જેવા ‘બામ’ની વાત કરતા હોય છે. કોઈ ગરમ પાણીના કોગળા કરવાનું કહે છે, તો કોઈ ગરમ પાણી પીવાનું કહે છે. ટૂંકમાં, શરદી, સળેખમના અનેક, અઢળક, મબલખ ઉપાયો છે, પણ હું તો એક જ ઉપાય અજમાવું છું. ડૉક્ટરને પૂછી દવા લઈ લઉં છું. તમેય એ ઉપાય ટ્રાય કરી જોજો. હા આ આ ક છીં ઈ ઈ ઈ.
 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો