તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરસાદના વાંધાવચકા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સોસાયટીમાં જેમ વાહનો માટે પાર્કિંગ સ્પેસ હોય એમ ‘કપડાં સૂકવવાની સ્પેસ’ આપવી જોઈએ. બધાંયનાં કપડાં સરખી રીતે સુકાય
અમારા ખ્યાલ મુજબ આપણે ત્યાં મુખ્યત્વે ત્રણ ઋતુઓ છે. શિયાળો, ઉનાળો અને ચોમાસું. આ સિવાય કેટલાક લોકોના મત મુજબ ઉનાળા જેવો શિયાળો, શિયાળા જેવો ઉનાળો અને ચોમાસું ના હોય એવું ચોમાસું એવી પેટા ઋતુઓ પણ છે. એ જે હોય તે પણ આ બધી જ ઋતુઓના પ્લસ પોઇન્ટ અને માઇનસ પોઇન્ટ હોય છે. (આ પોઇન્ટ કઈ રીતે ગણાય અને એની નોંધ કોણ રાખે છે એની સી.બી.આઈ. દ્વારા તપાસ થઈ રહી છે.) આજે આપણે ચોમાસાની ઋતુની એટલે કે મોન્સૂન સિઝનની વાત કરીએ. ચોમાસામાં વરસાદ પડે છે. જે દ્વારા આપણને વાપરવા માટે, બગાડવા માટે, વેડફવા માટે, આડેધડ ઉપયોગ કરવા માટે પુષ્કળ પાણી મળે છે. આ જ કારણસર આપણે ચોમાસાને ખૂબ મહત્ત્વ આપી છીએ. પાણી માટેનો ચોમાસાના વરસાદ સિવાયનો બીજો કોઈ ‘ઓલ્ટરનેટિવ સોર્સ’ શોધાઈ જાય તો આપણે ચોમાસાનાં ગુણગાન ગાવાનું, એની રાહ જોવાનું ચોક્કસ બંધ કરી દઈએ એ હકીકત છે.

એની વે, ચોમાસું અત્યારે તો અગત્યનું, મહત્ત્વનું છે, પણ આ ચોમાસાની કેટલીક તકલીફો પણ છે. જેને કારણે આપણને પુષ્કળ પ્રમાણમાં હેરાનગતિ થતી હોય છે. મોન્સૂનના કેટલાક પ્રોબ્લેમ્સ અને એના સોલ્યુશન્સની વાત કરવા અમે આજે કલમ ઉપાડી છે. (જોકે, અમારી કલમ એ યુઝ એન્ડ થ્રોવાળી બે રૂપિયાની બોલપેન છે એ વાત જુદી છે હોં મારા વા’લા.) ચોમાસાની સૌથી મોટી સમસ્યા છે ભીનાં કપડાં. યસ, ચોમાસામાં કપડાં ભીનાં થાય એ પછી લાંબા ટાઇમ સુધી સુકાતાં નથી. એક તો ચોમાસામાં સૂરજ નીકળતો નથી એટલે તડકો પડતો નથી અને તડકો પડતો નથી એટલે કપડાં સુકાતાં નથી. બીજું તડકો ન હોય તો પણ હવા આવતી હોય તો કપડાં બહાર સૂકવવાથી સુકાઈ જતાં હોય છે, પણ ચોમાસામાં બહાર કપડાં સૂકવવાં શક્ય જ નથી, કેમ કે ગમે ત્યારે વરસાદ ‘ખાબકતો’ હોવાથી થોડાં ઘણાં સુકાયેલાં કપડાં પણ ફરી ભીનાં થઈ જતાં હોય છે.
આ પરિસ્થિતિમાં આપણે ઘરની અંદર દોરી બાંધી કપડાં સૂકવતાં હોઈએ છીએ. આવા ઘરની અંદર તોરણની જેમ લટકતાં કપડાં હરવા-ફરવામાં કે પછી ટીવી જોવામાંયે નડતાં હોય છે. વળી, એમને સૂકવવા ફાસમફાસ પંખો રાખવો પડતો હોય છે. જેને કારણે ઘરમાં ‘ભેજિયું વાતાવરણ’ સર્જાઈ જતું હોય છે અને ઘરના લોકોને એને લીધે ‘શરદી’ થઈ જતી હોય છે. વળી, આવી રીતે બે-ત્રણ દિવસે કપડાં સુકાયા પછી પણ એમાંથી એક ‘ભેદી પ્રકારની વાસ’ આવ્યા કરતી હોય છે, જે પહેરનારને ખુદને પરેશાન કર્યા કરતી હોય છે. આવા સંજોગોમાં સોસાયટી કે ફ્લેટવાળાઓએ એક અનોખો ઉપાય અજમાવવો જોઈએ એવું અમારું સજેશન છે.
આમાં સોસાયટી કે ફ્લેટની ખુલ્લી જગ્યામાં પ્લાસ્ટિક કે તાડપત્રીનો ‘વોટરપ્રૂફ મંડપ’ બંધાવો જોઈએ. જેમાં દોરીઓ બાંધી આખી સોસાયટીનાં કપડાં સૂકવવાની સગવડ બનાવવી જોઈએ. સોસાયટીમાં જેમ વાહનો માટે પાર્કિંગ સ્પેસ હોય એમ ‘કપડાં સૂકવવાની સ્પેસ’ આપવી જોઈએ. બધાંયનાં કપડાં સરખી રીતે સુકાય એને માટે સામૂહિક ખર્ચે પંખા, મોટા મોટા ફેન લગાડી દેવા જોઈએ. આવા પંખાઓની સણસણતી હવાથી બધાંયનાં કપડાં ‘સાગમટે’ સુકાઈ જશે અને ખર્ચો વહેંચાઈ જવાથી વીજળીના બીલમાં બચત પણ થશે.
આ સિવાય ચોમાસામાં વારેવારે વાળ ભીના થવાથી વાળની ‘પત્તયડી’ ઝીંકાઈ જતી હોય છે અને ભીના વાળની ઠંડક ખોપડીમાં ઘૂસી જવાથી લોકોને શરદી-સળેખમ થઈ જતાં હોય છે. આવા સંજોગોમાં પાણીને સરફેઇસ ઉપર ટકવા ન દે એવાં ‘જલકમલવત’ પ્રકારના જેલની મદદ લેવી જોઈએ. (અહીંયાં ‘જેલ’ એટલે લુદ્દી’ જેવો ચીકણો પદાર્થ, પેલી ‘સલાખે વાલી જેલ’ નહીં) આવા ‘પાણી ભગાવો’ જેલની જથ્થાબંધ ખરીદી સામૂહિક રીતે કરી અને સોસાયટીના દરેક ઘરમાં પૂજાના પ્રસાદની જેમ વાટકી-વાટકી ભરી દરેકને ત્યાં વાળમાં ચોપડવા એ ‘જેલ’ આપી આવવી જોઈએ.
આના લીધે બધાંયે ‘બાલ બાલ’ બચી જશે. પાણી ભરાઈ જવાની સમસ્યા પણ ચોમાસામાં બધાયને હેરાન કરતી હોય છે. આનાથી બચવા માટે જૂનાં ટાયર-ટ્યૂબ વેચનારા પાસેથી ‘કડદાના ભાવે’ ટ્રકનાં ટાયરો અને ટ્યૂબો ખરીદી આવવાની. આ રીતે ટાયર, ટ્યૂબમાં ભરાઈ અને ભરાયેલાં પાણીમાં મોજથી, આરામથી હેરફેર કરી શકાશે. ઘણી વાર વધારે વરસાદના કારણે અને કોર્પોરેશનની ડ્રેનેજ સિસ્ટમની કૃપાથી લોકોનાં ઘરોમાં પણ પાણી ભરાઈ જતાં હોય છે. જેને કારણે લોકોના ફર્નિચરની પથારી ફરી જતી હોય છે. આનાથી દરેક ફર્નિચરને હૂક લગાડી દેવાનાં. ઘરની છત ઉપર અંકોડા ફિટ કરી દેવાના. જ્યારે ઘરમાં પાણી આવે ત્યારે દોરડા વડે હૂકથી ફર્નિચરને ઉપર ખેંચી અંકોડામાં એને ફિટ કરી બધું ફર્નિચર છત પર લટકાડી દેવાનું. આમ, છતે ઝૂલતું ફર્નિચર પાણીથી બચી જશે.
ચોમાસાની સિઝનમાં મચ્છરોનો બહુ ત્રાસ હોય છે. એનાથી બચવાનો પણ એક અનોખો ઉપાય છે. તમે ઘણી વાર ટીવીમાં જોયું હશે કે આગમાં જવા માટે આગથી બચવા માટે આખું બોડી કવર કરે એવો સ્પેશિયલ ડ્રેસ આવતો હોય છે. આના જ સિદ્ધાંત પર મચ્છરથી બચવા માટે આખેઆખું બોડી કવર કરે એવો મચ્છરદાનીનો ડ્રેસ બનાવડાવવાનો. મચ્છરદાનીના આવા ‘ફુલ મોસ્કિટો પ્રોટેક્શન ડ્રેસ’થી ગરમી પણ નહીં લાગે અને મછરા પણ નહીં કરડે. ચોમાસામાં ખાવા-પીવાની વસ્તુઓની અછત ઊભી થતી હોય છે. આના ઉપાય માટે આપણે નકલી દૂધ અને ડુપ્લિકેટ દાળ, ચોખા, શાક બનાવનારા પાસે ‘બાકાયદા’ ટ્રેનિંગ લઈ આવી નકલી ચીજો ઘરે બનાવી એનાથી ચોમાસાના કપરા દિવસો પસાર કરી નાખવાના. આ છેલ્લો મુદ્દો વાંચી અકળાશો નહીં મારા વાલીડા’વ. આ હું, તમે, આપણે રોજેરોજ જે ખાઈએ-પીએ છીએ અસલી છે કે નકલી એ જાણવાની આપણે ક્યારેય તસદી લીધી છે, હેં? એન્જોય મોન્સૂન.
vinaydave.bhaskar@gmail.com
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો