તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તારો ચહેરો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તારો ચહેરો
જ્યારે તું
ફાનસના મેશ જામેલા કાચને
રાખથી ઘસી ઘસીને ઉજાળતી
ત્યારે
મને રાખ અને ઉજાસની વચ્ચેનો
સંબંધ સમજાતો...
સાચું કહું? તું ગઈ
તારી પાછળ ફાનસ ગયું
ને ઘરનું અજવાળું પણ...
અત્યારે હું નીકળ્યો છું ગુજરીમાં
શોધવાને તારું એ કાચવાળું ફાનસ
જો તે મળી જાય તો કેવું સારું!
કારણ...
તે ફાનસના કાચમાં જોવો છે મારે
બા તારો ચકચકિત ચહેરો.
}સુરેશ‘ચંદ્ર’ રાવલ

જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી જેને ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ લેવામાં આવે છે, મા એક એવી લક્ઝરી છે. થાળી પીરસીને રાહ જોતાં થાકથી ઝોકાં ખાતી મા પર ગુસ્સેય થઈ શકાય છે, ‘કેટલી વાર કહ્યું, રાહ ન જો, સૂઈ જતી હોય તો. હું હવે નાનો નથી!’ પછી મા ન હોય ત્યારે માનો એ ચહેરો આંખમાં આંસુ બની અંજાય છે અને બોલાયેલા શબ્દો પોતાને જ વાગે છે. સમય બદલાઈ રહ્યો છે. ડાઇનિંગ ટેબલ પર જમવાનું ઢાંકી મા નોકરીએ જતી રહી હોય એ વાત સામાન્ય બની છે ત્યારે પેલી રાહ જોતી મા ખરા અર્થમાં લક્ઝરી બની જાય છે. ‘મારી પત્ની? એ કાંઈ કરતી નથી, બસ ઘરમાં જ.’ આ શબ્દો આરામથી બોલી શકાય છે,

પણ ઘરકામ ઉપરાંત દિવસભર સૌની રાહ જોવાની, અલગ અલગ જરૂરિયાત એના સમયે પૂરી કરવાની અને સતત સૌ માટે અવેલેબલ રહેવાની સ્ત્રીની ક્ષણોનો હિસાબ કરવામાં આવે તો એનું કર્ઝ જિંદગીભર ન ચૂકવી શકાય એટલું મોટું થઈ જાય. આજના સમયમાં નોકરી કરતી સ્ત્રીઓ માટે કદાચ નવી જવાબદારી વધી છે અને જૂની એટલે કે પારંપારિક જવાબદારીઓમાં ઘટાડો નથી થયો એટલે બધું નિભાવવું વધુ મુશ્કેલ બન્યું હોય એવું બને.

જ્યારે ફાનસ સળગાવી અજવાળું કરાતું એ સમયની માની વાત અહીં છે. રાખ અને ઉજાસ વચ્ચેના સંબંધની વાત માર્મિક અને સ્પર્શી જાય એ રીતે કહેવાઈ છે. માને ઘરનું અજવાળું કહેવાથી વિશેષ એના પ્રેમને કઈ રીતે વર્ણવી શકાય? સંતાનની આંખમાં માનો ચહેરો જ ઉજાસ પાથરે છે અને માના સાડલામાં મોં છુપાવ્યા પછી ફેલાતા અંધારામાં કેટલી હૂંફ અનુભવાય છે એ અનુભવથી જ સમજાય.    
સમય જતો રહ્યો છે,

જૂની ચીજો મળે તો માત્ર ગુજરીમાં. કાચવાળા ફાનસના અજવાળામાં સાચથી ઝળહળતો માનો ચહેરો નાયકને જોવો છે. આ ગુજરી મનની છે, યાદોની છે, સ્મરણોની છે. અહીં ચહેરા છે, સ્પર્શ છે, વાતો છે. જે સાચવ્યું છે એનો ભંડાર છે, એટલે મળશે, જરૂર મળશે. માનો ચમકતો ચહેરો, છલકતી યાદો ને નીતરતી પાંપણો. બધું જ મળશે, કેમ કે ઇચ્છાની તીવ્રતા છે, ભાવનાની ભરતી છે. જીવન આમ જ ચાલ્યા કરે છે. કશુંક જતું રહે પછી એ મેળવવું હોય છે. કોઈ ખોવાઈ જાય પછી એને પામવું હોય છે. નિકટતમ સંબંધોની સાચી ઓળખ એના ગયા પછી જ થાય છે.
 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો