તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વૃક્ષ હવે વૃક્ષ નથી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તેં મને તારાથી અળગી કરી હવે હું
વૃક્ષને વીંટળાઈને જીવતી
કોમળ વેલ નથી.
છું એક આધાર વિના
પોતાના મજબૂત થડ પર
ટટ્ટાર ઊભું રહેતું વૃક્ષ.
પણ હા
મેં વેલની કોમળતા ગુમાવી દીધી છે
અને ગુમાવી દીધી છે
વીંટળાઈને વધવાની ઝંખના.
- સૂચિતા મહેતા
સ્ત્રીઅને પુરુષની અભિવ્યક્તિ કરતાં કેટલાં પ્રતીકો! કળી, ફૂલ, વેલ, ડાળી, ધરતી, નદી - આવાં અનેક પ્રતીકો સ્ત્રી માટે તો, વૃક્ષ, થડ, આકાશ, સાગર જેવાં અનેક પ્રતીકો પુરુષ માટે. જ્યાં જ્યાં કોમળતા છે, ઋજુતા છે, સહનશીલતા છે ત્યાં સ્ત્રી અને જ્યાં જ્યાં કઠોરતા છે, ખડતલપણું છે, ગાંભીર્ય છે, વિશાળતા છે ત્યાં પુરુષ. એકબીજાના વિરોધી લાગતા ગુણો એકબીજાના કેટલા પૂરક છે! એક વગર બીજાના અસ્તિત્વની કાં તો શક્યતા નથી અથવા એનું કશું મૂલ્ય નથી એમ કહી શકાય. નદી વગર દરિયાનું અસ્તિત્વ શું હોત? અથવા ડાળી અને ફૂલો વગર વૃક્ષ ક્યાંથી સંભવત! ફેલાયેલી ધરતીને આસમાન ઢાંકે છે અને એ વડે જ તો બેય સભર બને છે! આ બંનેનો સ્વભાવ છે, મૂળ પ્રકૃતિ છે અને એનાથી સંતુલન રહે છે.

સમોવડાપણું એ માનવીએ ઉપજાવેલી કૃત્રિમતા છે, અપ્રાકૃતિક છે, કેમ કે એનાથી અસમતુલા જન્મે છે. સહજતા ખોરવાય છે. જ્યાં અતિ થાય ત્યાં ન્યાય કે વિવેક જરૂરી છે, પણ સમગ્ર વ્યવસ્થા પર કુહાડો મારવાની જરૂર નથી. અલબત્ત, ‘અતિ’ એટલે કે અન્યાય, એ પણ માનવે જ સર્જેલી પરિસ્થિતિ છે, કેમ કે માનવ પાસે જ સ્વાર્થ અને બુદ્ધિ છે. પ્રાણીજગત કે પ્રકૃતિ જગતમાં આ શક્ય નથી. જેણે બાળકને જન્મ આપવાનો છે અને માનવવંશને ચાલુ રાખવાનો છે એનો મૂળભૂત ગુણ નરમાશ અને કોમળતા હોવાનો.
એક બાળકને ઉછેરનાર મા આ સમજી શકે. કેટલી ધીરજ, કુમાશ અને સંયમ એમાં જોઈએ! આમ જોઈએ તો પ્રત્યક્ષ રીતે જણાતી નાજુકાઈ એ પરોક્ષ રીતે ખડતલપણું છે. ગર્ભધારણ અને બાળજન્મ એ ગજબની તાકાત માગી લે એવી બાબત છે. બીજી બાજુ વૃક્ષના કઠોર જણાતા થડની અંદર કેટલી નાજુક કોશિકાઓ જીવનને મૂળથી ટોચ સુધી વહાવતી હોય છે અને કૂંપળ પ્રગટતી હોય છે. પરસ્પર વિરોધી જણાતી બાબતો સિક્કાની બે બાજુ નહીં તો શું?

આ કવિતામાં અભિવ્યક્તિ સ્ત્રી-પુરુષની છે. વૃક્ષથી વેલને અલગ કરી દેવામાં આવે છે અને વેલને પોતાના બળે જ ઊભું રહેવાનું આવે ત્યારે સ્વાભાવિક રીતે જ બહારની દુનિયાના પ્રહારો ખમવા અને સંઘર્ષ ઝીલવા એણે મક્કમ અને મજબૂત થવું પડે છે. એની મૂળ પ્રકૃતિ વીંટળાઈને જીવવાની છે. ખૂબી એ છે કે વેલનું વીંટળાવું માત્ર આધાર લેતું નથી, આધાર આપે પણ છે. એ સમજવા માટે અંદર કુમાશ વહેતી હોવી જરૂરી છે.
થડ થવા જન્મેલ માનવીને સ્વાર્થ અને ગણતરીબાજ સ્વભાવ દીવાલ બનાવી દે ત્યારે કૂંપળને બદલે કરુણાંતિકા જન્મે છે, સમતોલન ખોરવાય છે અને પીડા જ્વાળામુખીના લાવાની જેમ વહે છે. વળગીને વધવાની વેલની ઝંખના એમાં સમૂળગી ખાખ થઈ જાય છે. એ પછી જીવાતા જીવનમાં સમાધાનોના સાંધા સમયનો પટ તો સાંધ્યા કરે છે, પણ એમાં પેલું જીવનનું તત્ત્વ અદૃશ્ય થઈ જાય છે.
અન્ય સમાચારો પણ છે...