તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘૂઘવતું છે ઠરવા તો દે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઘૂઘવતું છે ઠરવા તો દે,
ડહોળ જરા આછરવા તો દે.
વ્યાજે લીધેલાં સ્મિતોના,
બાકી હપ્તા ભરવા તો દે.
ગુલમહોરી રાતોનાં પ્રેતો,
આંખેથી ઊતરવા તો દે.
જીવી જાવું એમાં શું છે!
છાતી કાઢી મરવા તો દે.
શૂળ ત્વચાની સોંસરવી ગઈ,
ઊંડે જઈ ખોતરવા તો દે.
ઊંડું, છીછરું નક્કી ના કર,
ભરતીને ઓસરવા તો દે.
ક્યાં લગ પોલંપોલ શબદની,
કંઈક નક્કર કરવા તો દે. - પારુલ ખખ્ખર

ગતિશીલ ગુજરાત તો હમણાં હમણાનું કહેવાયું. શહેરોનું જીવન ક્યારનુંય અતિ ગતિશીલ બની ચૂક્યું છે. સમય નથી, ધીરજ નથી. બધું ઝટ પતાવવું છે, ‘રાહ જોવી’ શબ્દપ્રયોગ લગભગ ડિલીટ થવા આવ્યો છે ‘તો દે..’ રદીફ મને મારા નાનીમાની યાદ અપાવી જાય છે. દિવસના દસ વાર મારી કંઈક માગણી હોય ને દરવખતે એમનો જવાબ હોય, ‘શાંતિ રાખ, જરા જંપવા તો દે’. હવે આવું કહેનારા રહ્યા નથી ને કહેતા હોય ત્યાં સાંભળનારા રહ્યા નથી.

આખીયે ગઝલનો સાર એ જ છે કે ધીરજ ધર, ઉતાવળ ના કર. આગ હજી ઘૂઘવે છે, ઠરી જાય પછી વાત. આ સ્મિત, ખુશીઓ દેખાય છે એટલી સહજ નથી. એની પાછળ કંઈકેટલીય પીડાઓ વહોરી છે. એના હજી હિસાબ ચૂકતે કરવાના બાકી છે. આંખોએ ગુલમહોરી રાતોનાં સપનાં જોયાં છે અને એ સપનાં જ રહ્યાં છે, પાંપણો એનાં પ્રેત લઈને ફરે છે. ભાર એનો ઉતારવા તો દે. જંતુની જેમ જીવવું કબૂલ નથી. મુશ્કેલીઓ ભલે આવે, સામી છાતીએ લડવું છે પણ સમય તો જોઈએને! કાંટો અંદર સુધી ભોંકાયો. એટલા જ ઊંડે જઈ એને ખોતર્યા વગર એ બહાર થોડો નીકળે? સામે દેખાય છે એ તો ભરતીનાં પાણી છે, ભરોસો ન કરાય. છીછરા માનીને કૂદીએ અને ઊંડાય નીકળે! રાહ તો જોવી જ પડેને! અને આખરે એક સર્જકની વાત. શબ્દોથી રમતા તો ઘણાને આવડી જાય, કંઈક નક્કર કામ કરી બતાવે ત્યારે ખરું!

પ્રત્યેક શેર એક જુદો મિજાજ લઈને આવે છે પણ એમાં પરોવાયેલું સૂત્ર એક જ છે અને એની છટા સ્પર્શી જાય છે. વ્યાજે લીધેલાં સ્મિતો અને એનાય બાકી હપ્તા કે ગુલમહોરી રાતોનાં પ્રેતો અને એને આંખેથી ઉતારવાની વાત અનોખી બની રહી છે. ઉઝરડાઓને ઉઘાડવાના છે અને ઢાંકવાનાય છે! એની વાત કરવામાં હળવાશ હાથવગી છે, એ કળા છે. ધીરજનાં ફળ મીઠાં એ કહેવત સૌએ સાંભળી છે, પણ અમલની વાત જુદી છે. ‘તો દે’ માત્ર બે અક્ષરના બે શબ્દો અને એનાથી બનતો રદીફ બહુ અસરકારક બની રહે છે. ‘તો’ શબ્દમાં ભાર છે અને ‘દે’ શબ્દમાં માગણી છે. અહીં જે માગણી છે એમાં વજન છે પણ વિદ્રોહ નથી. જે ભાર છે એ ભાવનો અને ભીનાશનો છે. જે કરવું છે એના પ્રત્યે પૂરી જાગૃતિ અને સમજણ છે. રોજબરોજની વાતોનો ઝટકો છે, એમાં જ્યાં અટકવું પડે છે એનો ખટકો છે. નાનકડી મથામણો ને એમાંથી બહાર આવતું જીવનદર્શન, વર્તનનું સત્ય સ્પર્શી જાય છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો