તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સપનાનું ઘર ઘરનું સપનું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સપનાનું ઘર    ઘરનું સપનું
ચાર દીવાલથી બનેલા કરતાં ચાર આંખોથી બનેલું ઘર વધુ મજબૂત હોય છે

પથ્થર ને ઈંટનું ભલે પાકું મકાન છે,
એ ઘર બને ત્યાં સુધી કાચું મકાન છે.
એક બે ફલાંગે બહાર જઈ શકું છું, પણ
ભીતરની ભીંત ઠેકતા લાંબું મકાન છે.
    - ગૌરાંગ ઠાકર
જ્યાં પહોંચતાં જ ‘હાશ’ની બારી ખૂલી જાય અને હૂંફનો દરવાજો દોડતો આવે, આંગણામાં આનંદનાં ફૂલો ખીલી ઊઠે, ખખડધજ ઓરડામાં પણ જલસો મંડાય અને અગાસી પર આકાશ ઊતરી આવે એ ઘર. આખી દુનિયાની ઉપાધિને ‘રુક જાઓ’ કહીને ઉંબરા નામે બમ્પ રોકી દે છે. આત્મીયતાનો આવાસ હોય છે. પોતાપણાની દરેક ક્ષણને ઘર ન કહી શકીએ? સહજતાને સરનામું મળ્યું હશે એનું નામ ઘર પડ્યું હશે. નિરાંતથી નમણી ક્ષણોનો સરવાળો માત્ર ઘરમાં જ થઈ શકે છે.

દુનિયાભરના દંભને ખીટીએ ટાંગી, ઔપચારિકતાના અંચળાને ફગાવી ડ્રોઇંગ રૂમના સોફામાં બેસવાની મજા ક્યાંય ન મળી શકે. હેમચંદ્રાચાર્યએ આરંભકાલીન ગુજરાતીમાં જે દુહાનું સંકલન કર્યું એમાં ઘરના આંગણે પ્રોષિતભર્તુકાની વાત અદ્્ભુત રીતે ઝિલાઈ છે. કરોડો વર્ષ પહેલાં સૂર્યમાળામાંથી નાનો ટુકડો અલગ થયો, ધરતી જન્મી, માણસનું અસ્તિત્વ, ભટકતા માણસે ગુફામાં નિવાસ કર્યો અને ઘરનો પ્રારંભ થયો. ગુફા એ વિશ્વનું પ્રથમ ઘર છે. ઘર સાથે સભ્યતા જોડાયેલી છે. ઘર વગરનો માણસ કંઈ પણ કરી શકે છે.

એનો ભરોસો ન થઈ શકે. ઘર તમને કોઈ અવિચારી પગલું ભરતા રોકે છે. ઘર માત્ર સ્થાવર સંપત્તિ નથી. મંદિર એ આપણી આસ્થાનું કેન્દ્ર છે તો ઘર એ લાગણીનું સ્થાનક છે. અહીં સંપની આરતીથી સંવાદનો સુમેળભર્યો લય ઊભો થાય છે. આવું ઘર રમેશ પારેખના કોઈ ગીત જેવું હોય છે. ટી.એસ. એલિએટે કહ્યું છે કે, ‘Home is where one starts from.’ અંગ્રેજી સાહિત્યમાં ‘Sweet home’ની પરિકલ્પના કે ‘ભલે પધાર્યા’ની ભાવનાનો સૂર એક જ છે. ‘યે મેરા ઘર યે તેરા ઘર’ કે ‘કાઠિયાવાડમાં કો’ક દી’ ભૂલો પડ ભગવાન’માં સમ છે.

ઘરમાં હોઈએ ત્યારે ઘરની કિંમત ન હોય, બહાર જાઓ એટલે ઘરનું મૂલ્ય વધી જાય છે. રાવણ દહન પછી બધા વિજયમાં મશગૂલ હતા ત્યારે રામનું મન અયોધ્યાના મહેલમાં પહોંચી ગયું હતું. સંધ્યા ટાણે ગાય જેમ ગમાણે પહોંચવા તત્પર હોય એમ ઓફિસથી છૂટીને સીધું ઘરે જવાનું મન ન થાય તો સમજવું કે કંઈક ખૂટે છે. ઘરમાં વા-છૂટ પણ બેઝિઝક બાઇજ્જત કરી શકીએ છીએ. હોટલના ડનલોપી ગાદલા કરતાં ઘરના ગોદડામાં સારી ઊંઘ આવે છે.

અહીંની જમીન સાથે એક ઘરોબો હોય છે. સપનાં પણ પરિચિત આવે છે. ઘરનો સુખી માણસ આખી દુનિયામાં સુખી હોય છે. તિનકા તિનકા ભેગા કરીને જેમ પક્ષી માળો કરે છે એમ સામાન્ય માણસ નાની નાની બચત પછી એક ઘર ખરીદી શકે છે. વટવૃક્ષ જેવાં દાદા-દાદીઓની છાંયામાં જે બાળકોએ વાર્તાઓ નથી સાંભળી એના દુભાગ્યનું શું કહેવું? ઘરનો પ્રાણ પ્રીત છે. એકબીજા પ્રત્યે આદર રહેશે ત્યાં સુધી ઘરની કાંકરી પણ નથી ખરવાની.

શંકાના ભૂકંપથી ઘર હચમચી જાય છે. મહેમાનોની ધૂળ જ્યાં હોય એ સર્વશ્રેષ્ઠ ઘર છે. ઘણાં ઘર પણ હોટલ જેવાં હોય છે. ચાર દીવાલથી બનેલા કરતાં ચાર આંખોથી બનેલું ઘર વધુ મજબૂત હોય છે અને બે ઓરડા કરતાં બે હૈયાંથી ઘર વધુ સુંદર લાગે છે. આવું ઘરનું ઘર સૌને મળે એવી ઘરગથ્થુ ભાવના.
 
 
 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો