ફૂલોની ફરમાઈશ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફૂલોની ફરમાઈશ
કુદરતને કળીમાંથી ફૂલ બનાવતા આવડતું હશે, પણ કાંટાને ફૂલમાં ફેરવવાની આવડત તો માત્ર માનવીમાં જ છે

 યાદોનાં પરફ્યૂમ્સ ઊડે છે,
ડનલોપી સપનાં આવે છે.
તારી ગલીના લેમ્પપોસ્ટ પર,
સાઠ વોટ્સનું ફૂલ ખીલે છે.
              } અદમ ટંકારવી
નજાકત, નમણાશ અને નેહનો ત્રિવેણી સંગમ એટલે ફૂલ. એક સુકોમળ નામ અને ઉકલી જતાં બધાં ભારે કામ! ફૂલની વ્યંજનાના વાદળમાંથી સુગંધનો વરસાદ થતો જ રહે છે. જીવનના દરેક પ્રસંગ સાથે ફૂલ જોડાયેલું છે. જન્મ થાય ત્યારે બુકેથી આનંદની અભિવ્યક્તિ કરીએ છીએ. દરેક કાર્યક્રમમાં પુષ્પગુચ્છથી મહેમાનોનું સ્વાગત આપણી સૌંદર્યાનુરાગી વૃત્તિ પ્રગટ કરે છે. લગ્નમાં હાર પહેરાવી જિંદગીની જીત નક્કી કરી લેતા હોય છે.

વેણી નાખતાં જ વાળના ઢાળના સૌંદર્યમાં બમણો વધારો થઈ જાય છે. સ્કૂલમાં ભણેલી કવિતા કે, ‘મંદિરને બદલે સૈનિકના પગ નીચે કચરાવું એક ફૂલ વધુ પસંદ કરે છે.’ કબર પર મુકાતા ફૂલમાં વિષાદમાં શાંતિનો સૂચ્યાર્થ છે. ફૂલના ગુણો માણસ સ્વીકારે તો જિંદગી બગીચો થઈ  જાય છે. વિ.સ. ખાંડેકરે કહ્યું છે કે, ‘કુદરતને કળીમાંથી ફૂલ બનાવતા આવડતું હશે, પણ કાંટાને ફૂલમાં ફેરવવાની આવડત તો માત્ર માનવીમાં જ છે.’ ઈશ્વરે ફૂલોનું સર્જન કરીને માનવી પર બહુ મોટું ઋણ કર્યું છે.

સોસાયટી ઓફ અમેરિકન ફ્લોરિસ્ટનું સ્લોગન પેટ્રિક ઓફ ઓકેફે એ કહ્યું છે કે, ‘Sav it with flowers.’ આ જ લોકો ‘ફૂલ’ માટે ‘ફેરફુલ’ હોઈ શકે છે. સૃષ્ટિને આનંદ અભિવ્યક્ત કરવાની ઇચ્છા થાય ત્યારે વસંતઋતુ આવે છે. મનોજ ખંડેરિયાએ કહ્યું તેમ, ‘આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના.’ મધ્યમકાળનું કાવ્ય ‘વસંતવિલાસ’નું જેણે રસપાન નથી કર્યું એમણે ‘ઢાંકણીમાં સુગંધ’ લઈ મરી જવું જોઈએ. પાનખરની હળવાશ પણ ફૂલ નિયતિનો ક્રમ માનીને સ્વીકારી લે છે. આપણે તો થોડા અમથા દુ:ખથી પણ ‘ભાગીએ...  આપણા દુ:ખનું કેટલું જોર’ ગાવા લાગીએ છીએ.

ફૂલની ભાષા જેને આવડે એ સુગંધ સાથે વાત કરી શકે છે. ઘાસ જથ્થામાં ઊગે ફૂલ એકલદોકલ મહોરે છે. ‘રોઝ ડે’ તો ખરેખર રોજ ઊજવવો જોઈએ તો કદાચ આપણી બરછટતાને સ્નિગ્ધતાનું સરનામું મળે. ‘મધુવન ખુશ્બૂ દેતા હૈ’ને ઇતિહાસ યાદ કરે છે. પૃષ્ઠો વચ્ચે છુપાયેલું ફૂલ અનેક સ્મરણોને ઢબૂરીને બેઠું હોય છે. ફૂલોનો રાજા ગુલાબ છે. એ જ્યારે લાલ ગુલાબ થાય ત્યારે વેલેન્ટાઇન વરરાજાઓની એન્ટ્રી થાય છે.

સ્ત્રીઓને લાઇટ ફ્લાવર પસંદ હોય છે અને પુરુષોને ડાર્ક. ગયા જનમમાં ખૂબ પાપ કર્યાં હોય એને પરાગરજની એલર્જી હોય છે. ફૂલોની ખેતી દ્વારા આર્થિક ઉપાર્જન પણ થાય છે. માળી એ ફૂલોનો વાલી છે. દરેક છોડને બાળક ઉછેરતા હોય એમ ઉછેરવાનું હોય છે. દસ કિલોના દફતર સાથે સ્કૂલમાં જતું ફૂલ એ આજના શિક્ષણની કરુણતા છે. ક્લાસરૂમ, ટીચિંગ મેથડે પ્રકૃતિ સાથેનું અનુસંધાન તોડ્યું છે. ‘એકે એવું ફૂલ ખીલ્યું હો, જે મને હો ના ગમ્યું’ને બદલે ‘પુષ્પો સાથે વાત કરવાનો સમય રહ્યો નથી’ કહેવું પડે છે.

સવારે દસે ઊગે ને સાંજે છએ આથમે એને ‘ઓફિસફૂલ’ કહીએ છીએ. પતંગા અને પુષ્પની પ્રેમકથા સૃષ્ટિ હશે ત્યાં સુધી વાતાવરણમાં જીવંત રહેશે. હિમાલયમાં આવેલી ‘ફૂલોં કી ઘાટિયાં’ના અપ્રતિમ સૌંદર્ય સામે શિવ પણ શીશ નમાવે છે. બાળક જેવા ફૂલના પ્રેમમાં જે નથી પડ્યો એ માણસ અનાથ છે. ભાંગતી રાતે બોલકણી સુગંધ સાથે વાત કરવાની મજા તો રજનીગંધાને પૂછો. આવળ, બાવળ, બોરડીની પાછળ રમાયેલી રમત કે સંધ્યા ટાણે ટોકરી જેવા ખરેલાં કરેણનાં ફૂલો આરતીનો માહોલ ઊભો કરે છે ત્યારે એટલી જ પ્રાર્થના કરવાની ઇચ્છા થાય કે, ‘ફૂલદેવની જય હો.’
અન્ય સમાચારો પણ છે...