તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સત્યને સરનામે બાપુનો કાગળ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીજીની ‘સત્યના પ્રયોગો’ વિશ્વની સૌથી વધુ વેચાતી આત્મકથા છે. જોકે, આજે ‘અસત્યના પ્રયોગો’ ધૂમ મચાવે છે
સત્ય સરનામે કદી કાગળ લખાશે,
ગાંધીથી વધુ ના પછી આગળ લખાશે.
દેશ માટે થોડી ક્ષણ આપી જુઓ,
જિંદગી આખી પછી ઝળહળ લખાશે.
- પ્રતાપભાઈ મોભ
કાશ્મીર જતી ટ્રેનમાં ચૂવાને કારણે ડબ્બો આખો ભીનો થઈ ગયેલો જોઈ ગાર્ડે ડબ્બો બદલી આપવા કહ્યું તો ગાંધીજીએ પૂછ્યું કે, ‘પછી આ ડબ્બામાં કોને બેસાડશો?’
‘જે સારા ડબ્બામાં તમને બેસાડીશ એમને અહીં મોકલીશ.’
ગાંધીજીએ કહ્યું કે, ‘હું આ ડબ્બામાં જ રહીશ, હું બીજાને હેરાન કરીને કઈ રીતે સુખી થાઉં?’

2 ઓક્ટોબર આપણી સાવ લગોલગ છે, પણ આપણે સત્યથી જોજનો દૂર છીએ. આજના જમાનામાં સંપૂર્ણ સત્ય તો શક્ય નથી. સત્યની નજીકનું સત્ય હોય તો પણ ઘણું છે. ક્વોલિટી સાથે કોમ્પ્રોમાઇઝ કરતા થઈ ગયા છીએ. શુદ્ધ બહુ ઓછું બચ્યું છે. લોહીમાં પણ ભેળસેળ થઈ ગઈ છે. સત્યવાદી હરિશ્ચંદ્રની એકેય પેઢી અસ્તિત્વમાં નથી. ‘સત્ય અને અસત્ય વચ્ચે અંતર કેટલું?’ જવાબ છે ‘20 કિલોમીટરનું. ગાંધી આશ્રમથી થોડા અંતરમાં લોકોનું અંતર કેવું બદલાઈ જાય છે! રાજકારણમાં પ્રવેશ કરવો હોય તો ‘અસત્યનો ડિપ્લોમા’ કોર્સ કરેલો હોવો જોઈએ. વાયદાના વેપારી બનવું પડે. કસમે વાદે પ્યાર વફા સબ બાતે હૈં બાતોં કા પ્યાર.

પંજાબી કવિ ઉસ્તાદ દામન કહે છે કે, ‘ખોટો સિક્કો એટલો ચમકદાર હોય છે કે એને જોઈને જ આંખો અંજાઈ જાય છે.’ જોકે, ખોટા સિક્કાનું આયુષ્ય લાંબું હોતું નથી. અસત્યની ચકાચૌંધ થોડો સમય જ હોય છે. પાકિસ્તાની વાર્તાકાર સહાદત હસન મન્ટોની વાર્તાઓ સત્યકથાઓ પર આધારિત હતી. જે વાંચીને રૂંવાડાં ઊભાં થઈ જતાં હતાં. એના શબ્દએ પાકિસ્તાનની સલ્તનતને હચમચાવી દીધી હતી. અભિનેતા સફદર હાશ્મીથી નેતા ધ્રૂજી ગયા હતા. સત્યના તાપ સામે સૌએ ઝૂકવું જ પડે છે.
‘સત્યમેવ જયતે’ કોર્ટ રૂમમાં શોભે છે. ત્યારે જૂઠની બોલબાલા સામે સત્યનું મૌન અકળાવનારું છે. ‘हृदयेन हि सत्यं जानामि’ હૃદયથી જ સત્યને માણી-પ્રમાણી શકાય છે. ભીતર સત્યનું બીજ હશે તો જ વહાલનું વટવૃક્ષ થશે. ઉપનિષદમાં કહ્યું છે તેમ ‘हिरળળण्मयेन पात्रेण सत्यस्थापितितं मुरवम्’ સત્યના માર્ગ પર અનેક પ્રલોભનો આવે છે. એને ઉવેખીને ચાલે એ જ ઇતિહાસના પૃષ્ઠમાં શોભે છે. માર્ક ટ્વેઇને કહ્યું છે કે, ‘A lie can travel half way around the world while the truth is putting on its shows’ અસત્યથી ક્ષણિક ફાયદા મળી શકે છે, પણ લાંબા ગાળે લાંબા થઈ જવાય છે. આજે મોબાઇલને કારણે અસત્ય બોલવાનું વધ્યું છે. એક કિલોમીટર દૂર હોય ને કહે કે, ‘હુ બહારગામ છું.’ જોકે, એમ ન કહીએ ત્યારે ‘માન ન માન, મૈં તેરા મહેમાન’ની સજા ભોગવવી પડે છે.

પાંડવો સત્યના સહારે જ જીત્યા. જોકે, સત્યના સહારે ચાલનારની હાલત આ સમાજે સારી નથી કરી. કોઈને કાનમાં ખીલા ભોંક્યા, ક્રોસ પર ચડાવ્યા, ગોળી ધરબી, ઝેર આપ્યું. સત્ય કડવું હોય છે. છત્રીસની છાતી અને વજ્રનું જિગર જોઈએ. ગાંધીજીની ‘સત્યના પ્રયોગો’ વિશ્વની સૌથી વધુ વેચાતી આત્મકથા છે. જોકે, આજે ‘અસત્યના પ્રયોગો’ ધૂમ મચાવે છે. નર્મદનું ‘દાંડિયે’ ટિપાતું નિર્ભીક સત્ય આજે પણ ‘મારી હકીકત’ બની સમયના તોરણે ઝૂલે છે. ફૂલનું સત્ય સુગંધ છે એમ માણસનું સત્ય માણસાઈ છે. આપણે પણ સૌને મઘમઘ કરતાં કરતાં સંસારના બગીચામાં જિંદગીની સમીસાંજે ખરી જવાનું હોય છે. આ સનાતન સત્યને ચાર્લ્સ કોલ્ટન આમ વર્ણવે છે કે, ‘સત્યનો સૌથી મોટો મિત્ર સમય છે, સૌથી મોટો શત્રુ પૂર્વગ્રહ અને તેનો સ્થાયી સાથી વિનમ્રતા છે.’
અન્ય સમાચારો પણ છે...