પુરુષ કેટલા પ્રમાણમાં વીર્ય જમા કરી શકે?

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
 પુરુષ કેટલા પ્રમાણમાં વીર્ય જમા કરી શકે?
સમસ્યા: મારી ઉંમર 65 વર્ષની છે. મારા મનમાં જે કાંઈ પ્રશ્ન ઉદ્દભવે છે એ નીચે મુજબ છે.
-આપના જણાવ્યા મુજબ વીર્ય દિવસ દરમ્યાન ચોવીસે કલાક ઉત્પન્ન થાય છે અને તેનો સંગ્રહ સેમાઇનલ વેસિકલમાં થતો હોય તો શું આ વીર્ય આપણે પાઇપ દ્વારા કે ઓપરેશન દ્વારા બહાર મેળવી શકીએ છીએ?  ઉંમર પ્રમાણે પુરુષ કેટલા પ્રમાણમાં વીર્ય જમા કરી શકે? વીર્ય રોકવાથી લાંબા ગાળે શું પ્રોસ્ટેટનો કોઈ રોગ થવાના ચાન્સ ખરા? કેટલાક પુરુષોને સ્વપ્નદોષનો રોગ લાગતા તેઓ નબળાઈ અનુભવે છે આમ કેમ?

ઉકેલ: વીર્ય ચોવીસે કલાક બનતું રહે છે અને સેમાઇનલ વેસિકલ નામની ગ્રંથિમાં જમા થાય છે આ વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલું કથન છે. વીર્ય જો નોર્મલ રીતે બહાર આવતું હોય તો તેને પાઇપ દ્વારા બહાર કાઢવાનો હેતુ શું? આ પાણીની ટાંકીમાં પાઇપ મૂકીને પાણી મેળવવા જેવી વાત નથી. આવો અખતરો આજ સુધી કોઈ ડોક્ટરે કરેલ નથી. જેને બાળક ન થતાં હોય અને તેના માટે પુરુષના શુક્રાણુની સંખ્યા જવાબદાર હોય તેવા પુરુષમાં અંડકોષમાં કે જ્યાં વીર્ય બનતું હોય છે ત્યાંથી ઓપરેશન દ્વારા વીર્ય (શુક્રાણુ) બહાર લેવામાં આવે છે અને સ્ત્રીના અંડબીજ સાથે બહાર જ ફલિત કરવામાં આવે છે. આ એક ટેસ્ટટ્યૂબ બેબીની સારવારનો પ્રકાર છે.

સેમાઇનલ વેસિકલની અંદર 69% સ્ત્રાવ આ ગ્રંથિનો પણ હોય છે. તેમજ ત્યાંથી વીર્ય લેવું મુશ્કેલ પણ છે, જેથી ટેસ્ટટ્યૂબ બેબીની આ સારવાર માટે અંડકોષમાંથી જ વીર્ય મેળવવામાં આવે છે. સંતોનું કામ ધર્મનું વાંચન અને તેને ફેલાવવાનું છે. હું એક ડોક્ટર છું. મારી પાસે શું આપ બ્રીજ બનાવવાની સલાહ લેશો? અથવા હું આપું તો તમે માનશો? હંમેશાં યાદ રાખો કે વીર્ય નીકળવા માટે બને છે, નહીં કે સંગ્રહ કરવા માટે. કોઈ ઇચ્છે તો પણ તે શક્ય નથી. સંતો માટે પણ નહીં અને જો એવું જ હોત તો આપણા દેશની વસ્તી એકસો વીસ કરોડને આંબી શકી હોત?

હવે આપણે આપના બીજા પ્રશ્ન ઉપર આવીએ. પચાસ વર્ષ પછી પુરુષની ઉંમર જેમ જેમ વધે તેમ તેમ વીર્યનો જથ્થો, કલર, ઘટતામાં ફેરફાર થતો હોય છે. તેનાથી તેના જાતીય જીવનમાં કોઈ જ ફેરફાર થતો નથી, કારણ કે વીર્યનું કામ માત્ર બાળક ઉત્પન્ન કરવાનું જ છે. એટલે વીર્ય કેટલું જમા થાય છે તે મહત્ત્વનું છે. એક સંશોધન પ્રમાણે જે લોકો જાતીય જીવનમાં વધારે એક્ટિવ હોય છે, તેમને ભવિષ્યમાં પ્રોસ્ટેટનું કેન્સર થવાની શક્યતા ઓછી રહે છે, કારણ કે દરેક સ્ખલન વખતે પ્રોસ્ટેટિક મસાજ થાય છે અને પ્રોસ્ટેટિક પ્રવાહી બહાર આવી જાય છે.

એક વાર સ્ખલનમાં ત્રીસ ટકા સ્ત્રાવ આ પ્રોસ્ટેટિક પ્રવાહીનો જ હોય છે અને આપના છેલ્લા પ્રશ્નનો ઉત્તર. સ્વપ્નદોષ એ કોઈ દોષ નથી આ એક મૈથુનનો પ્રકાર છે, જેને નિદ્રામૈથુન કહે છે. જો કોઈ વ્યક્તિ હસ્તમૈથુન અથવા સમાગમ નહીં માણતી હોય તો અમુક વખત પછી સેમાઇનલ વેસિકલ વીર્ય અને તેના પોતાના સ્ત્રાવથી ભરાઈ જશે. જ્યારે તે તેની મહત્તમ સપાટી વટાવશે ત્યારે તે આપોઆપ બહાર આવી જશે.

જો કોઈ વ્યક્તિને આમ થવાથી નબળાઈ અનુભવાતી હોય તો 99% માનસિક હોવાની શક્યતા છે, કારણ કે નાનપણથી જ આપણા મગજમાં ઠસાવવામાં આવેલું છે કે વીર્ય એ શક્તિનો સ્ત્રોત છે, વીર્ય એ જીવન છે. આમ, ઓછું હોય તેમ અમુક સંતો પ્રવચન અને પુસ્તકોમાં લખે છે તે ‘વીર્યપાત એટલે સર્વનાશ’ જે ગેરસમજ ફેલાવવામાં બળતામાં ઘી હોમવા જેવું કામ કરે છે.

સમસ્યા: હું ચોવીસ વર્ષનો યુવાન છું. ભગવાને મને સરસ હાઇટ બોડી આપેલ છે. ઇન્દ્રિય પણ પૂરતી લંબાઈ અને જાડાઈ ધરાવતી છે. ઉત્તેજના પણ પૂર્ણ આવે છે, પરંતુ મારો છાતીનો ભાગ ફૂલેલો છે. તે સ્ત્રીનાં સ્તન જેવો લાગે છે. ઘણી વાર મારી સ્ત્રી મિત્ર પણ આની મજાક કરે છે. મને તેનાથી લઘુતાગ્રંથિ થાય છે. આમાંથી છુટકારો મેળવવાનો  રસ્તો બતાવશો. ઉકેલ: તમારી આ તકલીફને મેડિકલ ભાષામાં ગાયનેકોમેસ્ટિયા કહેવામાં આવે છે. જેમાં પુરુષનો છાતીનો ભાગ સ્ત્રીનાં સ્તન જેવો હોય છે, જે મોટા ભાગના કિસ્સાઓમાં બિનનુકસાનકારક હોય છે.

જો આપને ઇન્દ્રિયમાં ઉત્થાન બરાબર આવતું હોય, જાતીય ઇચ્છાઓ થતી હોય, પૂરતા પ્રમાણમાં દાઢી-મૂછ આવતાં હોય તો ચિંતા કરવા જેવું નથી. માત્ર દેખાવ માટે આપ આનો ઇલાજ કરાવી શકો છો. આ તકલીફને કારણે મેં ઘણા પુરુષોને લઘુતાગ્રંથિ અનુભવતા જોયેલા છે. તેઓ હેલ્થ ક્લબ કે મિત્રોની વચ્ચે શર્ટ બદલી શકતા નથી. સ્વિમિંગ કરવામાં તેમને શરમ અનુભવાતી હોય છે. આનાે ઇલાજ એક જ છે. કિહોલ ઓપરેશન.

નવી ટેક્નિકથી કરાતા આ ઓપરેશન બાદ શરીરમાં કોઈ કાપો કે ટાંકા દેખાતા નથી અને છાતી બિલકુલ સપાટ નોર્મલ પુરુષોની જેમ માત્ર એકાદ કલાકમાં જ થઈ જતી હોય છે. જો તમને આના કારણે તકલીફ કે શરમ આવતી હોય તો આપે આ સારવાર કરાવવી જોઈએ. ઓપરેશન દ્વારા નીકળેલ ચરબીને હંમેશાં બાયોપ્સી માટે મોકલવી જોઈએ.
 
અન્ય સમાચારો પણ છે...