દર્દીને એન્જિયોપ્લાસ્ટી વિશે સલાહ આપવામાં આવે ત્યારે ઘણા પ્રશ્નો ઉદ્દભવે અને મૂંઝવણ અનુભવાય છે, તેથી આ અંગે ચર્ચા કરીએ...
પ્રશ્ન : સ્ટેન્ટ મારા શરીરમાં કેટલા વખત સુધી રહેશે?
જવાબ : ધાતુના બનેલા સ્ટેન્ટ (કોબાલ્ટ ક્રોમિયમ, સ્ટેઇનલેસ સ્ટીલ, પ્લેટિનમ) ખાસ એ રીતે તૈયાર કરવામાં આવે છે કે તમારા શરીરમાં કાયમ માટે રહી શકે. એક વાર શરીરમાં તેનું પ્રત્યારોપણ થઈ ગયા પછી તે પોતાની જગ્યાએથી સરકતા નથી. આ ધાતુઓ તેમની માનવશરીર સાથેની સુસંગતતા માટે જાણીતી છે અને તેમનું શરીર કે ધમનીઓ સાથે કોઈ પ્રક્રિયા કે રિએક્શન નથી થતું. હવે, પોલી લેક્ટિક એસિડ (PLA)ના બનેલા સ્ટેન્ટ પણ મળે છે, જે દોઢથી બે વર્ષ શરીરમાં રહે છે અને પછી ઓગળી જાય છે. તદુપરાંત મેગ્નેશિયમના બનેલા સ્ટેન્ટ ઉપર પણ સંશોધન ચાલુ છે જે અમુક સમયમાં ઓગળી જાય છે. ધાતુના સ્ટેન્ટ વધુ સારા કે ઓગળી જાય તેવા સ્ટેન્ટ વધુ સારા તેના ઉપર ચર્ચા અને સંશોધન ચાલુ જ છે અને અત્યારે તે વ્યક્તિગત છે, એટલે કે તે અંગે તમારા ડોક્ટર તમને સલાહ સૂચન આપી શકે.
પ્રશ્ન : જો સ્ટેન્ટ ઓગળી જાય, તો બ્લોકેજ પાછું ના આવે?
જવાબ : ના, સ્ટેન્ટનું કામ છે નળીની દીવાલને ટેકો આપવાનું. આ જરૂરિયાત પહેલાં 4થી 6 મહિના પૂરતી મર્યાદિત છે. માટે એકથી બે વર્ષ પછી ઓગળી જાય તેવા એબ્સોર્બેબલ સ્ટેન્ટ મૂકવામાં જરાય વાંધો નથી. અત્યારના સંશોધન અને અભ્યાસ પ્રમાણે ધાતુના અને એબ્સોર્બેબલ સ્ટેન્ટ વચ્ચે બ્લોકેજ દૂર કરવાની અને દૂર રાખવાની તેમની શક્તિમાં કોઈ તફાવત નથી.
પ્રશ્ન : એ માટે કઈ સાવચેતીઓ રાખવી જોઈએ?
જવાબ : જો તમને ક્યારેક મેન્ગેટિક રેઝોનન્સ ઇમેજિંગ (એમઆરઆઈ) કરાવવાની જરૂર પડે તો તમારા ડૉક્ટર અથવા એમઆરઆઈ ટેક્નિશિયનને એ અવશ્ય જણાવો કે તમે સ્ટેન્ટનું પ્રત્યારોપણ કરાવ્યું છે.
પ્રશ્ન : હું મારી રોજિંદી પ્રવૃત્તિઓ ક્યારથી શરૂ કરી શકું?
જવાબ : એ અંગે તમારા ડૉક્ટર તમને જણાવશે. મોટાભાગના દર્દીઓ પ્રત્યારોપણના એક જ અઠવાડિયા પછી પોતાનું રોજિંદું કામ શરૂ કરી શકે છે અને કામે જઈ શકે છે.
પ્રશ્ન : શું મારા સ્ટેન્ટને લીધે એરપોર્ટ સિક્યોરિટી પર થતી તપાસ વખતે એલાર્મ વાગી શકે?
જવાબ : ના, તમારા સ્ટેન્ટના પ્રત્યારોપણને લીધે સિક્યોરિટી ચેકપોઇન્ટનું એલાર્મ નહીં વાગે.
પ્રશ્ન : શું મારામાં સ્ટેન્ટ પ્રત્યારોપતિ છે તેની મને અનુભૂતિ થયા કરશે?
જવાબ : ના, એક વખત તમારી રક્તવાહિનીમાં પ્રત્યારોપિત થયા પછી તમને તેની જરા પણ અનુભૂતિ થશે નહીં.
પ્રશ્ન : શું હૃદયરોગનાં લક્ષણ ફરીથી દેખાશે?
જવાબ : સ્ટેન્ટ મુકાયા પછી દર્દીને હૃદયરોગનાં કોઈ પણ લક્ષણો થવાં ન જોઈએ. કોઈક વાર સ્ટેન્ટ બ્લોક થઈ જવાથી તરત જ અથવા એકાદ વર્ષમાં Restenosis થવાથી ફરીથી લક્ષણો દેખા દે છે. કોઈક વાર એવું પણ બને કે બીજી કોઈ નવી આર્ટરીમાં બ્લોક થવાથી તકલીફ ઊભી થઈ હોય.
પ્રશ્ન : આ લક્ષણોને અટકાવવા માટે કઈ સાવચેતી રાખવી જોઈએ?
જવાબ : અેને અટકાવવાનો કોઈ અન્ય ઉપાય ન હોવાથી તમે નિયમિત દવાઓ લઈને, વ્યાયામ કરીને, ધૂમ્રપાન છોડી દઈને, આરોગ્યપ્રદ ભોજન કરીને તેનું જોખમ ઘટાડી શકો છો.
હૃદય અને હૃદયરોગ અંગે કોઇ પ્રશ્ન હોય તો ઇ-મેલ કરો: drdani@cvhfindia.org