બિચારી રોટલી ઉપર વ્યાવસાયિક-ભાષા-આક્રમણ!

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બિચારી રોટલી ઉપર
વ્યાવસાયિક-ભાષા-આક્રમણ!
લગભગ દરેક જણને પોતે જે ધંધામાં પડ્યા હોય તેની ટર્મિનોલોજીમાં વાત કરવાની ટેવ પડી ગઈ હોય છે.
શેરબજારનો સટોડિયો જો પોતાની તબિયતની વાત કાઢે તો એમ કહેશે કે, ‘યાર, હોજરીમાં આજકાલ આગઝરતી તેજી છે, પણ એસિડિટીની દવાઓ લેવા છતાં મંદીનું સેટલમેન્ટ થતું જ નથી.’
નેતાઓ અંદરોઅંદર કબૂલાત કરતા હોય છે કે, ‘ભઈ, આપણી બહુમતી ઘરની બહાર જ હોં? ઘરમાં જતાંની સાથે આપણી સરકાર લઘુમતીમાં આવી જાય છે!’

દરજી કહેશે, ‘નવી દુકાન લેવી હતી, પણ પૈસામાં પનો ટૂંકો પડ્યો.’ અરે! ક્રિકેટર તો શું બિચારા ઓર્ડિનરી સ્ટુડન્ટો પણ કહે છે, ‘ભણવામાં બધું બાઉન્સર જાય છે. મારી તો મેથ્સમાં દાંડી ઊડી જવાની છે!’
પણ જરા કલ્પના કરો, આ ધંધાદારી ભાષા જો કિચનક્વીન યાને કે રસોડાની મહારાણી આગળ વાપરવામાં આવે અને તે પણ પત્નીની ‘રોટલી’ વિશે ફરિયાદ કરવા માટે, તો કેવું કેવું સાંભળવા મળે?
***
વકીલ સાહેબની નોટિસ
થાળીમાં ત્રીજી રોટલી મુકાતાં જ વકીલ સાહેબ બોલી ઊઠશે, ‘નામદારશ્રીને અરજ છે કે આ રોટલી ઉપર સ્ટે મૂકવામાં આવે!’
‘સ્ટે?’ પત્ની ચોંકી જશે, ‘રોટલી ઉપર સ્ટે?’

પણ વકીલ સાહેબ એમની વ્યાવસાયિક અદાથી છટાદાર રજૂઆત કરતાં ખુલાસો કરશે. ‘થાળીમાં અગાઉ રજૂ થયેલી બે રોટલીઓને એક્ઝિબિટ ‘એ’ તથા એક્ઝિબિટ ‘બી’ ગણીને, તેમને પુરાવા તરીકે મદ્દેનજર રખતે હુએ કોર્ટ સે ગુજારિશ હૈ કિ-’
‘ઓ મદ્દેનજર!’ મિસિસની ભ્રમરો તરત જ વંકાઈ જશે, ‘આ તમારી હિન્દી ફિલ્મવાળી કોર્ટ નથી! તમારા ઘરનું રસોડું છે! જરા મોં સંભાળીને બોલો.’

‘મેરે કાબિલ દોસ્ત કો મૈં યાદ દિલાના ચાહૂંગા કી...’ વકીલ સાહેબ હિન્દીમાં શરૂ તો કરશે, પરંતુ એમનાં કાબિલ ધર્મપત્નીના હાથમાં તોળાયેલું વેલણ જોતાંની સાથે ગુજરાતીમાં આવી જશે, ‘નામદાર જજસાહેબને માલૂમ થાય કે પુરાવા તરીકે રજૂ થયેલી બે રોટલીઓની ઊલટતપાસમાં જણાયું છે કે રોટલી ભલે એક તરફથી નરમ અને ફૂલેલી દેખાતી હોય, પરંતુ તેને ઉલટાવતાં, એટલે કે ઊલટતપાસમાં, રોટલીની બીજી બાજુએ દાઝી જવાના ડાઘા, બળી જવાનાં ચકામાં તેમજ પોપડીઓ ઉતરડાઈ જવાનાં ચિહ્્નો સ્પષ્ટપણે દેખાઈ આવે છે! સદરહુ રોટલીઓ.’

‘સદરહુ? એ વળી કઈ જાતની રોટલી?’ મિસિસ માથું ખંજવાળવા લાગશે, એ પણ વેલણ વડે!
પરંતુ વકીલ સાહેબ દલીલો આગળ ચલાવશે, ‘સદરહુ રોટલી ક્રમાંક 122/2નો સંપૂર્ણ 237 ચોરસ સેન્ટિમીટરનો વિસ્તાર જે અમારા ભાણામાં સુપરત કર્યાની રૂહે અમારા કબજામાં છે, તેને અમે આ ઘરની કામવાળીને એંઠવાડમાં આપવાનું ઠરાવીને તે અંગેનો બાનાખત કરાર પણ કરવાના છીએ!’

‘શું? શું?’ કામવાળીનું નામ પડતાં જ પત્નીનો પારો અધ્ધર ચડી જશે, ‘તમે કામવાળીને કઈ મિલકત આપી દેવાના છો?’
વકીલ સાહેબ સહેજ પણ વિચલિત થયા વિના, ઠંડે કલેજે, છાપામાં છપાયેલી જાહેર નોટિસ વાંચી સંભળાવતા હોય તેમ કહેવા માંડશે:
‘મજકૂર રોટલીઓનાં ટાઇટલ ક્લિયર હોવા બાબતનાં ક્લિયરન્સ સર્ટિફિકેટોની માગણી અમારાં અસીલ કામવાળી શ્રીમતી ગંગુબાઈએ કરેલ છે. તો મજકૂર રોટલીઓ ઉપર કોઈ પણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિસ્સો, હિતસંબંધ, ગિરો, બોજો કે અલાખો હોય તો આ નોટિસ આપ્યાના દિન-7 (સાત)માં પુરાવા સહિત રજિસ્ટર એડી વડે જાણ કરવામાં નહીં આવે, તો તે રોટલીઓ પરનો હક્ક જતો કરેલ છે તેમ માનીને મજકૂર રોટલીઓ કામવાળીને આપી દેવામાં આવશે.’

નોન-સ્ટોપ પાંચ મિનિટ બોલ્યા પછી હાંફી રહેલા વકીલ સાહેબને જોઈને પત્ની સહેજ હસી પડશે. પછી નોટિસની એક મહત્ત્વની વિગત યાદ કરતાં કહેશે,
‘ઓહો, સાત દિવસ પછીને? હું કંઈ મૂરખી થોડી છું કે કામવાળીને સાત દિવસની વાસી રોટલી આપવા દઉં? એવી વાસી રોટલીઓ તો હું તમને જ પીરસું છું ને!’
વકીલ સાહેબનું ડાચું કેસ હારી ગયા જેવું થઈ જશે! ક્યાંક રોટલીમાં નવી બે મહિનાની મુદ્દતો ન પડી જાય એમ વિચારીને તે પટપટ ખાવા બેસી જશે.
***
પત્રકારનો અહેવાલ
વકીલ સાહેબની ભાષા તો અટપટી જ હોય, સમજાય એવું છે. (એટલે ના સમજાય તેવી જ હોવી જોઈએ, ‘તે’ સમજાય એવું છે!) પણ પત્રકારોની ભાષા તો સરળ હોયને? ના! જુઓ આ અદ્્ભુત દૃશ્ય.
પત્નીએ પીરસેલી ત્રીજી રોટલીનો કોળિયો ચાવતાં પત્રકારશ્રી ધીમે અવાજે સનસનાટીભરી હેડલાઇન ફટકારશે: ‘રસોડાની રોટલીમાં ચાલી રહેલી ગોબાચારી!’

‘હેં?’ પત્ની ચોંકી જશે, ‘શું કહ્યું?’
‘ગોબાચારી,’ પત્રકારશ્રી ગંભીર અવાજે હેડલાઇન પછીનો ‘ઇન્ટ્રો’ બોલ્ડ અક્ષરોમાં બાંધતા હોય તેમ કહેવા માંડશે, ‘પતિઓના ભાણામાં કાચી, બળેલી અને વાંકાચૂકા આકારની કદરૂપી રોટલીઓ ઘુસાડવાનું એક કૌભાંડ તાજેતરમાં બહાર આવ્યું છે.’

‘તાજેતરમાં? એ વળી ક્યાં આવ્યું?’ પત્નીની તપેલી ગરમ થવા લાગશે, ‘શું લવારો કરો છો? બે રોટલી તો મૂંગા મોઢે ખાઈ ગયા, હવે અચાનક આ શું બકવાસ કરવા માંડ્યા છો?’
પત્રકારશ્રી તો હવે ‘ખબર કી ખબર’ લેવાના મૂડમાં આવી ગયા છે: ‘આધારભૂત વર્તુળોથી જાણવા મળેલ છે કે પત્રકાર કોલોનીમાં રહેતા ખબરપત્રી પવનલાલની પત્નીએ તેમના ભાણામાં આ અગાઉ તેમની જાણબહાર, એક કાચી તેમજ એક બળેલી રોટલી ઇરાદાપૂર્વક ઘુસાડી દીધેલી! ખબરપત્રી પોતે આખી દુનિયામાં ચાલી રહેલાં વિવિધ કૌભાંડોની ખબરોના ખયાલમાં ખોવાયેલ હોઈ, ઉપરોક્ત રોટલીઓ અજાણતાંમાં ખાઈ ગયેલા,

પરંતુ પત્ની દ્વારા ત્રીજી રોટલી પણ એવી જ નબળી ગુણવત્તાવાળી ઘુસાડાતાં ખબરપત્રીની આંખો અચાનક ઉઘડેલ! તીવ્ર વિરોધ નોંધાવતાં તેમણે જણાવેલું કે જો હવેથી આ જાતની રોટલીઓનું મારી થાળીમાં ‘ભેલાણ’ થતું રહેશે તો અમને ગાંધીચીંધ્યા માર્ગે ઉપવાસ ઉપર ઊતરવાની ફરજ પડશે!’
‘ઓ ઉપવાસના કાકા!’ પત્નીનું મગજ છટકશે. ‘બબ્બે રોટલીઓ તો પેટમાં ઢોંચી ગયા, હવે શું તંબૂરામાંથી ઉપવાસ કરશો?’

પત્રકારશ્રી તરત જ નવો ફકરો ઉમેરશે. ‘અત્રે ઉલ્લેખનીય છે કે ખબરપત્રી પવનલાલ જેવા અનેક પતિઓ તેમની પત્નીઓ દ્વારા થતાં ભેલાણને સહન કરતા આવ્યા છે. પતિઓની આવી ફરિયાદો પત્નીના બહેરા કાને અથડાઈને પાછી ફરી છે.’
‘શું કહ્યું? હું બહેરી છું?’ પત્રકારશ્રીની પત્ની સાડીનો છેડો કમરે ખોસતાં અલ્ટિમેટમ આપવા માંડશે, ‘બહેરા તો તમે છો! કેટલા વખતથી કહું છું, એક સારામાંની ઘરઘંટી લાવી આપો, પણ સંભળાતું જ નથી! લોટ બહાર દળાવવો પડે છે. પેલો મૂઓ ઘંટીવાળો લોટમાં ભેળસેળ કરી નાખે છે! પછી રોટલીમાં સ્વાદ ક્યાંથી આવે?’

પત્રકારશ્રીને તરત જ નવું ‘સ્કૂપ’ મ‌ળી જશે! એ તાત્કાલિક નવું હેડિંગ બાંધી નાખશે. ‘ઘંટીવાળાઓની ઘાલમેલ! ઘરના પતિઓ ઘંટી ચાટે ને ઘંટીવાળાને
જલસા.
 
અન્ય સમાચારો પણ છે...