તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક તો બારમું, ઉપરથી વડીલો!

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એક તો બારમું,  ઉપરથી વડીલો!
તમે કોઈ દિવસ બારમાની પરીક્ષા આપી છે?
જેણે આપી હોય એ જ જાણે છે કે એક્ઝામમાં પુછાયેલા સવાલોના જવાબો આપવા કરતાં પડોશ-પડોશનાં અને સગાંવહાલાંઓના વડીલોનો ત્રાસ સહન કરવો ભારે છે.
આ તમામ વડીલો નવરાં હોય છે. બારમામાં હોવાની પીડા એ લોકો શું જાણે?

એમને તો બસ, ફાંદ ઉપર હાથ ફેરવતાં કહેવાનું જ છે:
‘સુચ્છેએએએ? તું તો બારમામાંને? વાંચવાનું કેવું ચાલે છેએ? પેપરો કેવાં ગયાંઆંઆંઅાં? અને પછી, આગળ કઈ લાઇન લેવાની છેએએએ?’

જોવાની વાત એ છે કે આપણે બારમું પાસ થયા પછી કોર્મસમાં ગયા, સાયન્સમાં ગયા, એન્જિનિયરિંગમાં ગયા કે પછી કમ્પ્યૂટરનું મામૂલી ‘કોર્સડું’ ટીચતા હોઈએ ત્યારે કોઈ કશું પૂછવા નથી આવતું. બસ, આ બારમા વખતે જ બધાને ધાડ પડે છે! એક્ઝામ પહેલાં આપણને તો એવા બીવડાવી મારશે કે જાણે ઓછા ટકા આવ્યા તો બસ, તમારી જિંદગી બરબાદ થઈ જવાની! રસ્તે જતો ભિખારી પણ તમારી સામું નહીં જુએ.
આવા વડીલોના વિવિધ ત્રાસોની કેટેગરીઓ છે.
***

‘વિશ’ કરવાવાળા
એક તો આપણે બરાબર મૂડમાં આવીને વાંચવા બેઠા હોઈએ ત્યારે જ વિશ કરવા આવે! તે પણ પાછા સહકુટુંબ આવે! ચા-નાસ્તો કરીને પૂરા બે કલાક સુધી ઘોંઘાટ-ઘોંઘાટ કરી મૂકશે અને જતી વખતે ગિફ્ટ શું આપતા જશે? 10-10 રૂપિયાવાળી ત્રણ બોલપેનનો સેટ!
આ વડીલોની વાતોનો મુખ્ય સૂર એક જ હોય છે, ‘આ બધી પરીક્ષાઓનો હમણાં હમણાંથી બહુ હાઉ થઈ ગયો છે. અમારા વખતે તો આવું કશું હતું જ નહીં અને આટલું બધું ટેન્શન તે કંઈ કરાતું હશે? હોય ભઈ, એક્ઝામ છે. આપી દેવાની! એમાં ટેન્શન શેનું, હેં?’

આવા વખતે રૂમની બહાર આવીને એમને બરાબર તતડાવી મારવા જોઈએ, ‘તમને શી ખબર, બારમું એટલે શું? તમે બારમું પાસ કર્યું છે કોઈ દિવસ? તમારા આ અમિતાભ બચ્ચને બારમાની પરીક્ષા આપેલી કોઈ દહાડો? વા...ત કરો છો? આ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, મુલાયમ યાદવ, લાલુ યાદવ, અમિત શાહ, અરુણ જેટલી. આ બધા કોઈ ક્વોલિફિકેશન વિના ફાટીને ધુમાડે ગયા છે. ના ના, તમારા મોદી સાહેબે બારમાની એક્ઝામ આપી હતી? ઉપરથી પાછા મન કી બાતમાં અમને સલાહો આપે છે! મારું ચાલે તો ગુજરાતના જે શિક્ષણમંત્રી હોય એને જઈને કહું કે, ચલો, બેસો અમારી જોડે અને પાસ થઈને બતાડો!’

રૂમમાં સોપો પડી જાય કે તરત વિમાનમાંથી કોર્પેટ બોમ્બિંગ કરતાં હો તેમ ધડાધડ સવાલોનો તોપમારો શરૂ કરો, ‘બોલો, ગતિ સાતત્યનો સાતમો નિયમ શું છે, એ ખબર છે? કોઈ પણ વાક્યને ઇન્ટરોગેટિવ કન્ટિન્યૂઅસ પ્રેઝન્ટ ટેન્સમાં પેસિવ વોઇસથી ફેરવતા આવડે છે? ઈ ઇઝ ઇક્વલ ટુ એમસી સ્ક્વેરની ફોર્મ્યુલા અવકાશયાનોમાં કઈ રીતે ઉપયોગી થાય છે એની ખબર છે? શ્યામજી કૃષ્ણવર્માની ટૂંક નોંધ હમણાં બોલી શકો?

તમારે તો જલસા હતા કે, સચીન અને કપિલદેવની મેચો જોઈને સીટીઓ જ વગાડવાની હતી, અમારે એ બંને જણા કોર્સમાં આવી ગયા. બધા રેકોર્ડો ગોખવા પડે છે! બોલો, આલ્કલી બેઇઝ્ડ કેમિકલ્સ અને સલ્ફ્યુરિક એસિડના કયા ગુણધર્મો એકકોષીય જીવને મળતા આવે છે?’ (આ છેલ્લો સવાલ તો ગજ્જબ છે નહીં!) આમાંના અડધા સવાલોના જવાબોની આપણનેય ખબર હોય એ જરૂરી નથી! બસ, સડસડાટ આવા સાત સવાલો પૂછશોને, એટલે એમની આંખો પહોળી થઈ જશે.

બસ, પછી કપાળે કરચલી પાડીને સહેજ કોલર ઊંચા કરતાં કહેવાનું, ‘કશું ઇઝી નથી હોતું. બિલ ગેટ્સ પણ આજે બારમામાં બેસેને, તો ફેલ થાય!’
***

‘કેટલા ટકા’ કેટેગરી
એક્ઝામો ચાલતી હોય ત્યારે ઉપર લખ્યો એ ટાઇપનો એકાદ ડોઝ પૂરતો છે, પણ પરીક્ષાઓ પતે પછી પણ આ અંકલ અને આન્ટીઓ તમારો છાલ છોડશે નહીં. જ્યાં મળે ત્યાં પૂછ્યા કરશે, ‘સુચ્છેએએએ? કેટલા ટકા ધાર્યા છેએએ?’

આવે વખતે તરત જ મેરી કોમની જેમ સામો પંચ ફટકારી દેવાનો, ‘અંકલ, તમારા કેટલા ટકા આવેલા?’
‘હેંહેંહેં..., મારા તો...’ અંકલનું મોં ગુરુત્વાકર્ષણના નિયમોને ભૂલીને ચારે દિશામાં હલતું થઈ જશે, ‘હેંહેં, અમે ક્યાં તારી જેમ, અમારું તો ઠીક બસ, પાસ થઈ ગયેલા, હેંહેંહેં...’
‘બસ, તો હું પણ પાસ થઈ જવાનો.’ તમારે શાંતિથી અશ્વિનની જેમ ગુગલી નાખી દેવાની.

જોવાની વાત એ છે કે ‘તમારા ટકાની’ આટલી બધી પરવા કરનારા વડીલ એક જ વર્ષ પછી જ્યારે તમને મળે ત્યારે એને યાદ પણ નથી હોતું કે તમે કેટલા ટકે પાસ થયેલા, કારણ કે એમના મનમાં તો એમ જ હોયને કે ‘આપણે કેટલા ટકા, હેં?’
***
‘કરિયર’ કેટેગરી
રિઝલ્ટ આવે ત્યારે આ જ વડીલો પૂછવાના ‘સુચ્છેએએએ? કેટલા ટકા આવ્યાઆઆ?’ તમે ગમે તે આંકડો કહો કે, તરત હસતાં હસતાં સહેજ મોં બગાડીને કહેશે, ‘થોડા ઓછા પડ્યા નહીં?’ પછી તરત જ વડીલ કરિયરના ગિયરમાં ગાડી નાખી દેશે:

‘સુચ્છેએ પછીઈઈ? કઈ લાઇન લેવાની છેએ?’
જોવાની વાત એ છે કે વડીલ પોતે ચલાવતા હોય કરિયાણાની દુકાન, પણ તમને સલાહ શું આપશે, ‘ભઈ, આજકાલ તો મેનેજમેન્ટનું સખ્ખત ચાલ્યું છે! વચમાં છાપામાં આવેલું તે વાંચેલું કે નહીં? આઈઆઈએમમાંથી પાસ થતાંની સાથે ફોરેનમાં લાખ્ખો ડોલરની નોકરી મળે છે! તું બી બકા, એમબીએ જ કરી નાખજે હોં?’

તમે કહો કે, ‘વડીલ, એમબીએ તો માસ્ટર ડિગ્રી છે. પહેલાં બેચલર ડિગ્રી લેવી પડે.’
‘તો લઈ લેવાનીને? તું એક કામ કર બેટા, બેચલરમાં જ એડમિશન લઈ લે? શું છે? આજકાલ મેનેજમેન્ટમાં જ કરિયર છે.’

વડીલને કહેવાનું મન થઈ આવે કે કાકા, તમે તમારી આ કરિયાણાની દુકાન મેનેજ કરતાં શીખો તોય ઘણું છે. ઉધારીવાળા ટોપી કરી જાય છે. ઘરાકીના ટાઇમે દુકાનમાં ઊભા રહેવાની જગ્યા નથી હોતી એમાં અડધા ઘરાક તો મોલમાં  જતા થઈ ગયા છે.
છતાં, વર્ષ પછી એ કાકા મળશે તો જરૂર પૂછશે, ‘સુચ્છેએએ? પછી બેચલરમાં જ લીધુંને!’
***

‘સ્કોપ’ કેટેગરી
અમુક આન્ટીઓને તમારા ‘સ્કોપ’ની બહુ ચિંતા હોય છે, ‘જો બેબી, 65 ટકાથી ઓછા આવે તો તો પછી કોઈ સ્કોપ જ નહીંને? પછી તો સાદું બીએસસી કે એમએસસી જ કરવા મળેને? પછી એમાં સ્કોપ શું, હેં?’
આવે વખતે ટીવીની મહિલા પત્રકારની સ્ટાઇલમાં આન્ટીના મોં આગળ માઇક ધરીને પૂછી નાખવાનું, ‘આન્ટી, તમે ગ્રેજ્યુએટ થઈને કઈ સ્કોપવાળી જોબ લીધેલી?’

‘હેં? હું તો...’, ‘આન્ટી, તમારાં તો પછી મેરેજ થઈ ગયેલા નહીં? અત્યારે તમે જે આ સાડી, ઘરેણાં અને ગાડીની કમ્ફર્ટમાં જીવો છો એમાં જ તમારો આખો સ્કોપ છેને? તો આન્ટી, મારો વિચાર પણ તમારી જ લાઇન લેવાનો છે!’
***

ઠીક છે, તમારા વડીલોને આવું બધું મોઢે ના સંભળાવવું હોય તો વાંધો નહીં, માત્ર આ આર્ટિકલનું કટિંગ એમનું ધ્યાન પડે ત્યાં પહોંચાડી દો. અડધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે!
 
 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો