તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તમે ‘માત્ર’ મગનલાલ છો?

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આપણા રસોઈયાની ઓળખાણ કરાવતાં કહેવાનું, ‘એ માત્ર અમારા ઘરના રસોઈયા નથી, બલ્કે એમના પોતાના ઘરના પણ રસોઈયા છે, કારણ કે એમની બૈરી ભાગી ગઈ છે
થોડાં વર્ષ પહેલાં એક જાણીતા હાસ્યલેખકની શ્રદ્ધાંજલિ સભામાં એક મહાનુભાવ ભાષણ કરતાં એમ બોલી ગયા કે, ‘તેઓ માત્ર હાસ્યલેખક નહોતા, એક સારા માણસ પણ હતા!’
લો બોલો! શું બીજા હાસ્યલેખકો ખરાબ માણસો છે?

પણ આપણે ત્યાં આવું કહેવાનો રિવાજ પડી ગયો છે: તેઓશ્રી માત્ર એક રાજકીય નેતા જ નહીં, એક પ્રામાણિક વ્યક્તિ પણ છે. માનનીય સ્વામીજી માત્ર એક ધર્મપ્રચારક જ નહીં, એક ચુસ્ત બ્રહ્મચારી પણ છે. શ્રી એડવોકેટ સાહેબ એક બાહોશ વકીલ જ નહીં, એક સત્યવાદી માનવી પણ છે.

એક મિનિટ, એક મિનિટ. આવું સાંભળીએ ત્યારે પહેલાં તો કાનને ખબર જ નથી પડતી કે આ શું બોલી ગયા? પછી ધીમે રહીને ટ્યૂબલાઇટ થાય કે, ‘બોસ, હોતું હશે?’ પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હોય છે.
આવાં છેતરામણાં વાક્યો બોલવાને બદલે સીધેસીધું કહી દેવું જોઈએ કે, ‘હવે તમે જેને સાંભળવાના છો તે માત્ર સારા વક્તા જ નથી, ક્યારેક એ સારા શ્રોતા પણ હોય છે, પણ ક્યારે? જ્યારે જ્યારે એ પોતાના કાનમાં ખોસેલું હિયરિંગ એઇડ ‘ઓન’ કરે ત્યારે!’
અમને તો લાગે છે કે રોજિંદા વ્યવહારમાં પણ આ સ્ટાઇલ અપનાવી લેવા જેવી છે. આપણા ફેમિલી ડૉક્ટરની ઓળખાણ કરાવતાં કહેવાનું, ‘સાહેબ માત્ર એક ડૉક્ટર જ નહીં, એક પેશન્ટ પણ છે. એમને ચોક્કસ જગ્યાએ ભગંદર થયું છે!’

આપણા રસોઈયાની ઓળખાણ કરાવતાં કહેવાનું, ‘એ માત્ર અમારા ઘરના રસોઈયા નથી, બલ્કે એમના પોતાના ઘરના પણ રસોઈયા છે, કારણ કે એમની બૈરી ભાગી ગઈ છે અને એમને જાતે રાંધીને ખાવું પડે છે!’
આપણા પાડોશીની ઓળખાણ તો બહુ આસાનીથી કરાવી શકાય. મનસુખરાયજી માત્ર અમારા પાડોશી નથી, એ તો બાજુવાળાં ચંપામાસીના, પાછળવાળા પુરુષોત્તમ કાકાના, આગળવાળાં અમરત ડોશીના, પાછળવાળા ફ્લેટના ઉપલા માળવાળાં શીલાબહેન, ગીતાબહેન, નયનાબહેન, ગોમતીબહેન, ભવાનીશંકર, સુમનરાય, ગોપાળદાસ તથા ચુન્નુ, મુન્નુ, ચિન્ટુ, બબલુ અને બંટીના પણ પાડોશી છે, બોલો!’

કેવી જાજરમાન ઓળખાણ છે નહીં? આવો, બીજી એક ઓળખાણ કરાવું.
‘આ મારાં મમ્મી છે. એ અમારા ઘરમાં માત્ર દાળ-ભાત, રોટલી, શાક જ નહીં, બલ્કે પૂરી, ભાખરી, ઢેબરાં, થેપલાં, પૂરણપોળી, સાદાં પરોઠાં, આલુ પરોઠાં, ગોબી પરોઠાં, છીણેલાં ગાજરનાં પરોઠાં, છીણેલાં મૂળાનાં તીખાં પરાેઠાં, હળદર-જીરા, મીઠાવાળી જાડી ભાખરી, પેલી રૂમાલી કહેવાય છેને એ અને સાદા ઢોંસા, મસાલા ઢોંસા, ઉત્તપ્પા, ઇડલી...’

ચાલ્યું તમતમારે!
ભઈ, ઓળખાણ આપવી તો વ્યવસ્થિત અને પૂરેપૂરી આપવી! શું સમજ્યા?

જોકે, આ ‘માત્ર ફલાણા જ નહીં, ઢીંકણાય છે’વાળા ચક્કરમાં હું એક વાર બહુ ખરાબ રીતે ફસાઈ ગયેલો.
એક લેખકમિત્ર આગળ મારા એક દોસ્તારની ઓળખાણ કરાવતાં મારાથી બોલાઈ ગયું, ‘ગિરીશભાઈ માત્ર મારા મિત્ર જ નથી...’

પછી હું સલવાણો! કારણ કે ન તો એ મારા પાડોશી હતા, ન નાતીલા હતા કે ન તો એક જ સોસાયટીમાં કે શહેરના એક જ અેરિયામાં રહેનારા હતા! અરે! અમારા બંનેની મોબાઇલ સર્વિસ પણ અલગ અલગ કંપનીની હતી! એમના લેન્ડલાઇન ફોનના છેલ્લા બે આંકડા મારા આધાર કાર્ડ નંબરના છેલ્લા કે પહેલાં બે આંકડાને મળતા આવતા નહોતા! હવે શું?

એટલે મેં અધૂરું વાક્ય પૂરું કરતાં કહ્યું, ‘સોરી, ગિરીશભાઈ મારા મિત્ર છે અને માત્ર મિત્ર છે!’
બિચારા ગિરીશભાઈને મેં ‘માત્ર મિત્ર’ કહ્યા એટલે એ રિસાઈને જતા રહ્યા. બીજે દિવસે મળ્યા તો કહે, ‘યાર, ખરા છો તમે? હું તમારો માત્ર મિત્ર છું?’
મેં કહ્યું, ‘જરા વિચાર કરો, જો હું એમ બોલ્યો હોત કે ગિરીશભાઈ મારા મિત્ર જ નહીં, પણ જથ્થાબંધ પસ્તીના વેપારી પણ છે, તો કેવું લાગે?’

ગિરીશભાઈ કહે, ‘કેમ, એમાં શું? હું તો પસ્તીનો વેપારી છું જ ને?’
‘યાર, જરા સમજો.’ મેં કહ્યું, ‘પેલા ભાઈ પણ લેખક હતા અને હું પણ લેખક છું. હવે એ તો એમ જ સમજેને, કે મારી પસ્તી ‘પધરાવવા’ માટે જ મેં તમારી દોસ્તી રાખી હશે!’
ગિરીશભાઈ હસવા લાગ્યા, ‘હોતું હશે? તમારી રોજની બે-પાંચ પાનાંની પસ્તીમાં મને શું મળે?’

ટૂંકમાં, હું રોજનાં જે બે-પાંચ પાનાં લખું છું એ ગિરીશભાઈને મન તો પસ્તી જ છે. સારું છે કે ગિરીશભાઈ અમારા છાપાના તંત્રીને નથી મળ્યા!

આ ‘માત્ર ફલાણા જ નહીં, પણ ઢીંકણા’વાળું સાવ ભળતીસળતી જગાએ પણ ફીટ થઈ શકે. જેમ કે,
‘જગુભાઈ જંબુસરિયા માત્ર સરકસના ઠિંગુજી જ નહીં, એક મુઠ્ઠી ઊંચેરા માનવી પણ છે!’

‘લાલજીભાઈ લંબોદરિયા માત્ર મુઠ્ઠી ઊંચેરો માનવી જ નહીં, પરંતુ એકસો છપ્પન પોઇન્ટ ચાર સેન્ટિમીટર લાંબા માણસ પણ છે!’
‘અને લવજીભાઈ લખોતરિયા માત્ર એકસો ને અઠ્ઠાવન પોઇન્ટ લાંબા માનવી જ નહીં, એમની પાસે હાઈ હિલ્સવાળા શૂઝ પણ છે!’
તમે નહીં માનો, એક ભાઈ પોતાની પત્નીની ઓળખાણ કરાવતાં એમ બોલ્યા કે, ‘મન્નુભાઈ, આ વિદિશા માત્ર મારી પત્ની જ નહીં, પણ...’

‘બીજા કોનાં કોનાં પત્ની છે?’ એવું મારાથી પુછાઈ ગયું!
બસ, એ પછીની ઘટનામાં મારા મોંમાંથી માત્ર એક દાંત જ હલબલી ગયો હોય તેવું નથી. બલ્કે...
અન્ય સમાચારો પણ છે...