તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘આ કોન્ફરન્સ એટલે વરી હુ કહેવાય?’

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘આ મિટિંગ એટલે તો જાણે હમજાયું. આ બધી સોસાયટીઓમાં મેન્ટેનન્સ રાખે છે એને મિટિંગો કહેવાય, પણ આ કોન્ફરન્સ એટલે વરી હુ કહેવાય?’ કલાકાકીએ મિટિંગનો કોન્સેપ્ટ ક્લિયર કરીને નવો પ્રશ્ન કર્યો. ત્યાં કંકુમાસીને વાંધો પડ્યો.
‘ના ના હવે, સોસાયટીઓમાં કાંઈ એકલું એની માટે જ મિટિંગો ના હોય, તહેવારોની ઉજવણી માટે ભેગા થાય, એનેય મિટિંગો જ કહેવાય.’

‘તે એ તો આપડે પોળમાંય કરીએ જ છીએને! પણ સવાલ મિટિંગનો છે જ નહીંને યાર. સવાલ કોન્ફરન્સ કોને કહેવાય એનો છે.’ હંસાકાકીએ ગાડી પાટે ચડાવતાં કહ્યું અને ઉમેર્યું, ‘કોન્ફરન્સમાં કદાચ વાંધાઓ પાડતા હશે અને પછી એનાં સોલ્યુસનો લાવતા હશે. એવું મને લાગે છે.’ ત્યાં મંજુબેન ઊતર્યાં એટલે આ મંજુ બહુ ફેશનેબલ છે તે એને તો ખબર જ હશે.

‘કોન્ફરન્સ અેટલે હુ હોય. બોલ હાલ.’ સવિતામાસીએ (ફેશન અને અંગ્રેજી વચ્ચેનો સંબંધ વધુ ગાઢ બનાવતાં)તક ઝડપીને પૂછી વાળ્યું. ‘કોન્ફરન્સમાં મિટિંગ કરતાં ટાઇમ વધારે હોય, એટલે ચર્ચાની સાથે સાથે નાસ્તો બી હોય.’ મંજુબેને એક વાક્યમાં જવાબ આપી દીધો.

‘તો પછી સેમિનાર એટલે શું?’ હંસાકાકી બઘવાયાં.
‘સેમિનાર બહારગામ હોય લગભગ. એટલે એમાં રહેવા જમવાનુંય આવે.’

‘તે એમાંય ચર્ચા જ કરવાની હોય?’ સવિતામાસીએ પૂછ્યું. એટલે મંજુબેને સેમિનારના સિક્કાની બીજી બાજુ દર્શાવતાં કહ્યું, ‘મિટિંગ, કોન્ફરન્સ કે સેમિનાર એ બધાંયમાં ચર્ચા તો કરે જ, પણ સેમિનારમાં છેને કોઈ એક વસ્તુની ટ્રેેનિંગ બી આપે.’

‘અં...હં... એટલે આપડે બે તૈણ દિ’ માટે ક્યાંક બહારગામ ભેગાં થઈને જો એકાબીજાને કાંઈક શિખવાડીએ, તો એ સેમિનાર કહેવાય.’ કલાકાકી યથાશક્તિ સમજી ગયાં.
‘એટલે મૂળ મુદ્દે સેમિનારમાં રહેવા જમવાનું, કોન્ફરન્સમાં નાસ્તા-પાણી અને મિટિંગમાં હાવેય કોરે ભાણે આરતી ઉતારવાની. હમજાઈ ગ્યું લ્યો.’ સવિતામાસીએ તો સમજણનોય સાર કાઢ્યો.

‘આપડે બાંકડાને બદલે કોઈના ઘેર ભેગાં થઈએ એને કોન્ફરન્સ જ કહેવાય.’ હંસામાસીએ સ્ટેટમેન્ટ આપ્યું.
‘બિઝનેસની વાતો હોય એને સેમિનાર કે કોન્ફરન્સ અને લેડીજોની વાતો હોય તો કિટી.’ કલાકાકીએ સબ્જેક્ટ વિશે વધુ ક્લેરિટી કરતાં ઉમેર્યું, ‘પેલામાં ઓફિસોવારા અને આમાં ફ્રેન્ડો એટલો ફેર.

‘આમ જોવા જાવ, તો પંચાત એટલે મિટિંગ, કિટી એટલે કોન્ફરન્સ. રસોઈ સો જોવા કોકના ઘેર રોજ ભેગાં થઈએ તો સેમિનાર.’ સવિતામાસીએ જાહેરાત કરતાં હોય એમ કહ્યું. એટલે હંસામાસી કેમ મૂંગાં રહે? એમણે તો હદ જ કરી નાખી.

‘આપડે રોજ આરતીમાં ગાઈએ જ છીએને, ‘એ બે એક સ્વરૂપ અંતર નવ ધરશો.’ એક રીતે આ પણ એના જેવું જ થયું.’ (નવરાત્રિ આઈ ગઈ બોસ!) એ લોકો જે પણ અર્થ કરે, મારા માટે તો પોળમાં જ રોજ બપોરે સેમિનાર. પંચાત સબ્જેક્ટ પર પીએચ.ડી. કરવા માટે રિસર્ચ કરવું હોય કે ગાઇડ શોધવા મારે ક્યાંય બહારગામ નહીં જવાનું.
અન્ય સમાચારો પણ છે...