તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તૂ ના ચલેગા તો ચલ દેંગી રાહેં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તૂ ના ચલેગા  તો ચલ દેંગી રાહેં
1970ની એક ફિલ્મ ‘સફર’માં ઇન્દિવરે લખેલું એક ગીત, ‘નદિયા ચલે, ચલે રે ધારા, ચંદા ચલે, ચલે રે તારા, તુજકો ચલના હોગા.’ બહુ જ લોકપ્રિય થયેલું. કલ્યાણજી-આનંદજીએ સ્વરબદ્ધ કરેલું અને મન્ના ડેએ ગાયેલું આ ગીત આજે પણ એટલું જ લોકપ્રિય છે. હિન્દી સિનેમાનાં ગીતોની કવિતાઓ ઉપર આપણે ભાગ્યે જ ધ્યાન આપીએ છીએ. એ ફિલ્મી ગીતો આપણા માટે ગીતો જ બની જાય છે. ગણગણવા માટેના કે ફિલ્મમાં જોયેલાં દૃશ્યો સાથે યાદ કરવા માટેનાં ગીતો. એ ગીત સાથે જોડાયેલી કવિતા કે એની સાથે જોડાયેલા વિચારો આપણે ભાગ્યે જ નોંધીએ છીએ. આનું કારણ કદાચ એ છે કે, ભારતીય ફિલ્મી ગીતો એટલાં મધુરાં છે,
 
એમના કોમ્પોઝિસન્સ એટલા મીઠા છે કે આ કોમ્પોઝિસન્સ આપણને સહેલાઈથી યાદ રહી જાય છે. આપણે એની જોડે જોડે ગણગણતા પણ થઈ જઈએ છીએ. તેમ છતાં આ કવિતા અથવા ગીતના શબ્દો ઉપર આપણું ધ્યાન ભાગ્યે જ પડે છે! જિંદગીમાં પણ આવું થાય છે. એક સુંવાળી, સુંદર અને મજાની જિંદગી હોય ત્યારે આપણને જિંદગીમાં રહેલી શક્યતાઓ અથવા એ જિંદગી પાસેથી મળતી સમજ વિશે ભાગ્યે જ વિચારવાનો સમય રહે છે.

સહેજ ધ્યાનથી વિચારીએ તો સમજાય કે આ દુનિયામાં જે જીવે છે એ બધાની સામે ક્યારેક ને ક્યારેક તો સવાલ અને સમસ્યા આવે જ છે. ભાગ્યે જ કોઈ જિંદગી એવી હશે કે જેણે ક્રોસરોડ્સ અથવા ક્યાંકથી જુદા પડતા બે રસ્તાઓમાંથી એકની પસંદગી કરવાનો વારો ન આવ્યો હોય! આપણે બધા જ ક્યાંક ને ક્યાંક ‘ટુ બી ઓર નોટ ટુ બી’ અથવા ‘શ્રેય અને પ્રેમ’ વચ્ચે ઝૂલ્યા છીએ. આપણે બધા જ અર્જુન થયા છીએ. આપણાં ગળાં સુકાયાં છે,

ગાત્રો શિથિલ થયા છે, ગાંડીવ ધ્રૂજ્યા છે અને યુદ્ધ નહીં કરવાની નબળાઈ આપણે બધાએ ભોગવી જ છે. દરેકને કૃષ્ણ મળે એવું જરૂરી નથી. કેટલાકે પોતાના કૃષ્ણ જાતે બનવું પડે છે! આને સદ્્ભાગ્ય કહેવાય કે દુર્ભાગ્ય, એ તો સમય જ નક્કી કરે, પરંતુ આ જગતમાં એવા ઘણા માણસો છે જેમની નબળી ક્ષણને ફરીથી મજબૂત બનાવવા માટે એમની પાસે કોઈ દિશાસૂચક, પથદર્શક કે સારથિ નથી હોતો. આવા લોકોએ જાતે જ પોતાનો રસ્તો શોધી લેવો પડે છે. આમાંના કેટલાક રસ્તા શોધતાં શોધતાં આડે રસ્તે ચડીને ખોવાઈ જાય છે. અબ્દુલ હમિદ આદમનો એક શેર કહે છે, ‘સિર્ફ એક કદમ ગલત ઉઠા થા, રાહે શોક મેં, મંજિલ તમામ ઉમ્ર મુઝે ઢૂંઢતી રહી.’

કેટલાકનું જીવન આવી જ રીતે ખોવાઈ જાય છે અને અત્યંત ઉજ્જ્વળ ભવિષ્ય કે સુખી જીવન શક્ય હોવા છતાં આવા લોકો ક્યારેય પોતાના મુકામે પહોંચતા નથી. આ વાત ફક્ત દુન્યવી કે વ્યાવસાયિક સફળતા કે નિષ્ફળતાની નથી. આ વાત જીવન સાથે જોડાયેલી છે. અંગત લાગણીઓ, સંવેદનો કે સંબંધોમાં પણ કેટલીક વાર નિર્ણય કરવાની પળો આવતી હોય છે. આ પળે જે વ્યક્તિ આગળનું, ભવિષ્યનું કે ઉજ્જ્વળ દિશાનું ધ્યેય રાખે છે એ અંધારામાંથી બહાર નીકળી શકે છે, બાકીના એ જ અંધારા વિસ્તારમાં અટવાયા કરે છે.

‘કાલ’ શબ્દ સંસ્કૃત ભાષામાં બહુ રસપ્રદ રીતે પ્રયોજાય છે. ‘કાલ’નો અર્થ કાળ અથવા સમય થાય છે. ગઈ કાલ કે આવતી કાલ એ વ્યક્તિએ જાતે નક્કી કરવાનું છે. સમયખંડની આગળ ભૂતકાળના ટુકડા જોડવા કે સમયને ભવિષ્ય તરફ વહેવડાવવો એ આપણા જ હાથમાં છે. સમય તો અટક્યા વગર વહ્યા જ કરે છે. મહાભારતની એક કથામાં ગુરુના આદેશથી કુંડળ લેવા ગયેલો ઉત્તુંગ એક ચક્ર ફેરવતી બે સ્ત્રીઓને મળે છે. એકે સફેદ અને બીજીએ કાળાં કપડાં પહેર્યાં છે.

એ સ્ત્રીઓ જે ચક્ર ઘુમાવી રહી છે એને બાર ખૂંટા અને ત્રણસોને પાંસઠ આરી છે. છ હાથા સાથે આ સ્ત્રીઓ ચક્રને ફેરવે છે. આ કેટલું સુંદર પ્રતિકાત્મક ચિત્ર છે! કાળા અને સફેદ કપડાં પહેરેલી સ્ત્રીઓ રાત અને દિવસ છે. એ જે ચક્રને ઘુમાવે છે એની ત્રણસોને પાંસઠ આરી વર્ષના ત્રણસો પાંસઠ દિવસ છે, છ હાથા એ ઋતુઓ છે અને બાર ખૂંટા એ મહિના છે. આ બે સ્ત્રીઓનાં નામ ધાતા અને વિધાતા છે! સુખ-દુ:ખ, રાત-દિવસ, જીવન-મરણ, ઊંચાઈ અને ખીણ, શ્વેત અને રંગીન, દરિયો અને રણ, તડકો અને ચાંદની, સ્મિત અને આંસુ એકબીજાની સાથે જ ગોઠવાયાં છે. એકને ઉલટાવી દઈએ તો તરત જ બીજું પ્રગટ થાય છે.

આખીયે સૃષ્ટિ આ બે વિરોધાભાસની વચ્ચે જીવે છે. વૃક્ષ એ કોઈ ટેબલનો કે ખુરશીનો, કોઈ બારસાખનો કે કોઈ લાકડાની ઘોડીનો ભૂતકાળ છે. જ્યારે વૃક્ષ બીજની આવતી કાલ છે! આપણે બીજ બનીને આવતી કાલના વૃક્ષમાં પલટાવું છે કે કોઈ જડ વસ્તુ બનીને ગોઠવાઈ જવું છે એ આપણા સિવાય કોઈ કેવી રીતે નક્કી
કરી શકે?

જે વહ્યા કરે છે તે જીવંત રહે છે. રગોમાં વહેતું રક્ત વ્યક્તિના જીવંત હોવાનો પુરાવો છે. જે ક્ષણે એ રક્ત થીજી જાય છે એ ક્ષણે વ્યક્તિનું મૃત્યુ થાય છે. વહેતું જળ કેટલાંય જીવનને સીંચે છે, પણ એ જળ જો ખાબોચિયાંમાં બંધાય તો ગંધાય છે. ચાલતાં રહેવું, વહેતાં રહેવું, આગળ વધતાં રહેવું એ જીવન તરફની દિશા છે. અટકી ગયેલાઓએ છેવટે બટકી જવું પડે છે, કારણ કે જીવનના આ અફર નિયમમાંથી કોઈ છટકી શકતું નથી.

આપણે જ્યાં સુધી ચાલતાં રહીએ ત્યાં સુધી ક્યાંક પહોંચવાનો વિકલ્પ ખુલ્લો રહે છે. આપણી દિશા કેટલીક વાર સાચી ન હોય એમ લાગે તો પણ ચાલ્યા કરવાથી કદાચ સાચી દિશા જડી આવે એમ
પણ બને. આપણે ખોટી દિશામાં નહીં જવાના સંકોચ કે પાછા નહીં ફરી શકવાના ભયથી આગળ જવાનું જ ટાળી દઈએ છીએ. જે ક્ષણે આપણે પ્રવાસ અટકાવી દઈએ છીએ એ ક્ષણે પ્રયાસ પણ અટકી જાય છે. પ્રયાસ અટકી જાય પછી ઉજાસ કેવી રીતે મળે? ચાન્સ મળવો, તક મળવી અથવા ઓપર્ચ્યુનિટી ઊભી થવી સારી વાત છે, પણ દરેકને આવી ઓપર્ચ્યુનિટી મળે જ અથવા આગળ વધવાનો કે પોતે જે ઇચ્છે છે તે પામવાનો અવસર પ્રાપ્ત થાય જ એવું વચન જિંદગી આપતી નથી. જિંદગી તો માત્ર પ્રયાસ કરવાની તક આપે છે.

એ પ્રયાસમાં કેટલી નિષ્ઠા, કેટલું સત્ય છે અથવા પ્રયાસ પાછળ કઈ વૃત્તિ છે એના ઉપર પ્રયાસનું પરિણામ આધાર રાખે છે.  આ જગત ચાલ્યા જ કરે છે. આપણે કંઈ નહીં કરીએ તો પણ જગત ચાલશે. આપણે એક જગ્યાએ બેસી રહીશું તો પણ આપણે એ જગ્યાએ બેઠા રહી નહીં શકીએ, કારણ કે જડ રીતે આપણે ભલે ત્યાં બેઠા હોઈએ, પણ સૂક્ષ્મ રીતે તો પૃથ્વી દર ચાર મિનિટે એક રેખાંશ ફરી જાય છે. એનો અર્થ થયો કે આપણે બેઠાં બેઠાં પણ ફરીએ જ છીએ, સ્થિર નથી! સમયે પણ વહે છે, જે ક્ષણમાં આપણે છીએ તે ક્ષણમાં રહેવાના નથી.

સવારે બેઠા હોઈશું ને સાંજ સુધી ત્યાં જ બેસી રહીશું તો પણ સમય તો વહી જ જવાનો છે. તો પછી આપણી મરજીથી, ઇચ્છાથી અને આપણી પસંદ કરેલી દિશામાં રહેવું એ વધુ ઇચ્છનીય નથી?
ઇન્દિવરનું આ ગીત કહે છે,
‘જીવન કહીં ભી ઠહરતા નહીં હૈ,
આંધી સે, તુફાં સે રુકતા નહીં હૈ,
તૂ ના ચલેગા તો ચલ દેગી રાહેં,
મંજિલ કો તરસેગી તેરી નિગાહેં,
પાર હુવા વો જો રહા સફર મેં,
જો ભી રુકા ઘીર ગયા વો ભવર મેં,
નાવ તો ક્યા, બહ જાયે કિનારા,
ઇતની તેજ હૈ સમય કી યે ધારા.’
ને કદાચ એટલે જ,
આ ગીતનો સંદેશ છે,
‘તુઝકો ચલના હોગા!’  
 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો