દેશની સૌથી મોટી આઇટી ચેલેન્જ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશની સૌથી મોટી આઇટી ચેલેન્જ
જીએસટી નેટવર્ક પર દર મહિને 3 અબજ ઇનવોઇસનું પ્રોસેસિંગ થશે
તમે આ વાંચી રહ્યા છો તેના બે દિવસ પછી, ભારતના આઇટી ક્ષેત્રમાં વધુ એક ઐતિહાસિક પહેલ થશે – જીએસટી નેટવર્ક સ્વરૂપે. ભારતે હજી હમણાં જ તેની સમગ્ર વસ્તીને આધાર સ્વરૂપે યુનિક આઇડેન્ડિટી આપવાની કવાયત લગભગ પૂરી કરી છે. આધારમાં દેશના દરેક નાગરિકનો બાયોમેટ્રિક્સ ડેટા સાચવવાની બહુ મોટી,જોખમી જવાબદારી સરકારે માથે લીધી છે, તો બીજી બાજુ યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઇ) મારફતે દેશની મોટા ભાગની બેન્ક્સના ખાતેદારોની વિગતો એકમેક સાથે સાંકળીને તેને સંભાળવાની ચિંતા પણ હવે સરકાર માથે છે.

આ બંને જવાબદારી ઓછી હોય તેમ હવે દેશના લગભગ તમામ બિઝનેસના ડેટાને એકમેક સાથે સાંકળતું જીએસટી નેટવર્ક ઊભું કરવામાં આવ્યું છે. આધાર, યુપીઆઇ અને હવે આ જીએનટીએન – આ ત્રણેય ભારતના આઇટી ટેલેન્ટની જબરી કસોટી કરશે, કેમ કે અત્યારથી જ આ ત્રણેય પર પાકિસ્તાન અને ચીન તરફથી સાયબર એટેક થઈ રહ્યા હોવાના અહેવાલો આવવા લાગ્યા છે.

જીએસટીએન પર પહેલા જ દિવસથી દેશના 85 લાખ કરદાતા તરફથી, દર મહિને 3 અબજ જેટલા ઇનવોઇસીસનું પ્રોસેસિંગ કરવાની જવાબદારી આવવાની છે. અત્યાર સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારોનાં વિવિધ ખાતાં વચ્ચે આ બધું વહેંચાયેલું હતું, પણ હવે તો ‘એક રાષ્ટ્ર, એક કર’ યોજના હેઠળ દેશના તમામ કરદાતા (બિઝનેસ), કરવેરા વિભાગો, બેન્ક્સ, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા, એક્સટર્નલ સર્વિસ પ્રોવાઇડર્સ વગેરે તમામને એક જ આઇટી સિસ્ટમમાં સાંકળી લેવામાં આવ્યા છે.

એમ કહો કે દેશના સમગ્ર અર્થતંત્રનો તમામ ડેટા હવે એક જ જગ્યાએ એકઠો થવાનો છે. એટલે તેને નિશાન બનાવવાનું સહેલું થશે અને સલામત રાખવાનું મુશ્કેલ! આ માટેની તૈયારી 4-5 વર્ષથી ચાલી રહી હતી. સરકારે માર્ચ 2013ના રોજ ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નેટવર્ક (જીએસટીએન) નામે એક નોટ-ફોર-પ્રોફિટ, નોન-ગવર્નમેન્ટ, પ્રાઇવેટ લિમિટેડ કંપનીની સ્થાપના કરી છે. આ કંપનીમાં ભારત સરકારનો 24.5 ટકા હિસ્સો છે, 24.5 ટકા હિસ્સો તમામ રાજ્યો અને તેમના નાણામંત્રીઓની એક સમિતિનો છે અને બાકીનો 51 ટકા હિસ્સો બિનસરકારી નાણાં સંસ્થાઓ (બેન્ક્સ, એલઆઇસી હાઉસિંગ ફાઇનાન્સ વગેરે)નો છે. આ કંપનીએ જીએસટી માટેનું આઇટી નેટવર્ક અને સોફ્ટવેર તૈયાર કરવા 2015માં ઇન્ફોસિસ કંપનીને રૂ. 1380 કરોડનો કોન્ટ્રેક્ટ આપ્યો. ટીસીએસ, વિપ્રો, ટેક મહિન્દ્રા અને માઇક્રોસોફ્ટ જેવી કંપની પણ આ કોન્ટ્રેક્ટ મેળવવાની હરીફાઈમાં હતી. જીએસટીએન કંપની અને ઇન્ફોસિસે ઊભું કરેલું આઇટી નેટવર્ક કેટલું મજબૂત છે તેની ખરી કસોટી હવે થશે.

આ બધો ભાર એક વેબસાઇટ કે સિસ્ટમ ઉઠાવી ન જ શકે એટલે એક મુખ્ય પોર્ટલ અને તેને એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ (એપીઆઇ) દ્વારા એક્સેસ કરતાં વિવિધ જીએસટી સર્વિસ પ્રોવાઇડરનું એક નેટવર્ક ઊભું કરવામાં આવ્યું છે. આ લખાઈ રહ્યું છે ત્યારે વેપારીઓ-ઉદ્યોગ સંગઠનો તો ઠીક બેન્ક્સ પણ જીએસટીના અમલ માટે તૈયાર ન હોવાનું કહી રહી છે. કેન્દ્રના ગૃહ મંત્રાલય તરફથી જીએસએટીએન સલામત હોવાનું પ્રમાણપત્ર મળ્યું નથી.

જોકે, નાણાપ્રધાન એ માત્ર ઔપચારિકતા હોવાનું કહી જીએસટીના લોન્ચિંગ માટે મક્કમ છે. આપણે નોટબંધી જેવી જ અરાજકતા માટે તૈયારી રાખવી પડશે એવું લાગે છે – પણ એ અનિવાર્ય છે, કારણ કે આવા ધરખમ ફેરફાર માટે સંપૂર્ણ તૈયાર તો આપણે ક્યારેય થવાના નથી!