તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવે તો મને ખુશીનો પણ ડર લાગે છે!

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દિલ કો સુકૂન, રૂહ કો આરામ આ ગયા, મૌત આ ગઈ કિ દોસ્ત કા પૈગામ આ ગયા,
દીવાનગી હો, અકલ હો, ઉમ્મીદ હો કી આશ, અપના વહી હૈ, વક્ત પે જો કામ આ ગયા.
- જિગર મુરાદાબાદી
ડર માણસનો સૌથી મોટો શત્રુ છે. જે માણસને ભય લાગતો હોય તેને કશું જ ભવ્ય લાગતું નથી. ખૌફ માણસને ખતમ કરી નાખે છે. ડર કાલ્પનિક છે. ડર હંમેશાં હોય એના કરતાં અનેકગણો વધુ લાગતો હોય છે. સાવ સામાન્ય કારણોસર માણસ થથરી જાય છે. આમ થશે તો શું થશે? કંઈ ન બનવાનું બની જશે તો? માણસ દુ:ખ તો હિંમતથી પસાર કરી નાખે છે, પણ સુખ શાંતિથી પસાર કરી શકતો નથી. સુખમાં પણ એ રડતો રહે છે. આનંદમાં પણ અટવાયેલો રહે છે. ખુશી હોય ત્યારે પણ તેના પર ડરનો ઓછાયો હોય છે. આ દુનિયામાં એવા પણ લોકો છે જેને હસતા પણ ડર લાગે છે.

એક માણસની આ વાત છે. એ તેના પરિવારજનો અને મિત્રો સાથે પિકનિક પર હતો. બધા જ એકદમ ખુશ હતા. જોક, મજાક અને મસ્તીનો માહોલ હતો. એક સમયે એવી વાત નીકળી કે બધા ખડખડાટ હસવા માંડ્યા. એ માણસ અચાનક ચૂપ થઈ ગયો. તેના મિત્રએ પૂછ્યું, શું થયું? કેમ આમ અચાનક ચૂપ થઈ ગયો. તેણે કહ્યું કે ડર લાગે છે. હું જ્યારે પણ ખુશ હોઉં છું એ પછી કંઈક એવું થાય છે કે હું દુ:ખી થઈ જાઉં. દુ:ખ મારી ખુશીનો દુશ્મન છે. તેના મિત્રએ કહ્યું કે, તને દુ:ખ નહીં, પણ દુ:ખનો ડર ડંસી રહ્યો છે. એકાદી ઘટના એવી બની હોય એનો મતલબ એવો નથી કે દર વખતે એવું જ થાય. અરે! તું એવું માનને કે જે થવાનું હોય એ થાય. અત્યારે આ ક્ષણ તો મને એન્જોય કરી લેવા દે. કંઈ જ થવાનું નથી. એ પણ હકીકત છે કે જે થવાનું છે એ થવાનું જ છે. માનો કે કંઈ ન ગમતું કે અયોગ્ય થાય ત્યારે લડી લેજેને, અત્યારે શા માટે તારા મનને મારે છે?

આપણા ડરનું એક કારણ એ પણ હોય છે કે આપણે અમુક ઘટનાઓને કારણ વગર આપણા નસીબ સાથે જોડી દેતા હોઈએ છીએ. જિંદગીનું ગણિત વિચિત્ર હોય છે. ત્યાં દર વખતે બે વત્તા બે ચાર જ નથી થતા. જિંદગીની ઘટનાઓના કોઈ નિયમો નથી હોતા. એક યુવતી પાર્ટીની વાત નીકળે એટલે ફટ દઈને ના પાડી દે. પાર્ટીની વાત જ નહીં કરવાની! મને ડર લાગે છે. તેની બહેનપણીએ એક વખત તેને પૂછ્યું, પાર્ટીમાં તને શું ડર લાગે છે? તેણે પોતાની સાથે બનેલી ઘટનાઓની વાત કરી. તેણે કહ્યું કે, હું એક વખત પાર્ટીમાં હતી ત્યારે મને એવા સમાચાર મળ્યા કે, તારા ડેડીનો એક્સિડન્ટ થયો છે. ડેડી માંડ માંડ બચ્યા. બીજી વખત પાર્ટીમાં હતી ત્યારે એવી ખબર પડી કે મારો એક અંગત મિત્ર મારી સાથે ચિટિંગ કરતો હતો.
ત્રીજી વખત એવું થયું કે, હું પાર્ટીમાં હતી ત્યારે મારા ઘરમાં ચોરી થઈ. પાર્ટી મારા માટે અનલકી છે. મેં નક્કી કર્યું છે કે હવે પાર્ટીમાં જઈશ જ નહીં, કંઈક ને કંઈક અજુગતું બને છે! તેની ફ્રેન્ડે કહ્યું, અચ્છા એવું છે? હવે મને એક વાતનો જવાબ આપ. પાર્ટીમાં હોય એ વખતે જે ઘટનાઓ બની એ સિવાય તારી જિંદગીમાં કોઈ અજુગતી ઘટના જ નથી બની? તને જ્યાં એડમિશન જોઈતું હતું ત્યાં ન મળ્યું ત્યારે તું ક્યાં પાર્ટીમાં હતી? તારા ડેડીની ફેક્ટરીમાં આગ લાગી ત્યારે તો તું ઘરે જ હતી! ખોટી રીતે તું પાર્ટી સાથે આવી ઘટનાને જોડે છે. તને પાર્ટીમાં આવવું ગમતું ન હોય અને તું ન આવે તો સમજી શકાય, પણ આવી વાહિયાત વાતોના કારણે તું પાર્ટીમાં આવતા ડરે એ વાજબી વાત નથી.

લક અને બેડલક મોટાભાગે યોગાનુયોગ બનેલી ઘટના હોય છે, જેને આપણે જિંદગીની માન્યતાઓ બનાવી લેતા હોઈએ છીએ અને પછી તેને જડની જેમ વળગી રહેતા હોઈએ છીએ. માણસ સૌથી વધુ પોતાની માન્યતાઓમાં કેદ હોય છે. અમુક માન્યતા હાનિકારક હોતી નથી, પણ દરેક માન્યતા નિર્દોષ પણ નથી હોતી. જે માન્યતા આપણને નબળા, અશક્ત કે ડરપોક બનાવે એ જોખમી હોય છે. આપણને એ આગળ વધતાં અટકાવે છે અને ઘણી વખત સાચા રસ્તેથી ભટકાવે પણ છે. શ્રદ્ધા સાથે જ્યારે શંકા ભળે છે ત્યારે એ શ્રદ્ધા મટી સંકટ બની જાય છે.

ડર, ભય, ચિંતા, સંશય અને સંકોચ માણસને સાંકડા બનાવી દે છે. માણસને સમજ જ નથી પડતી કે એ ક્યારે કોઈ અજાણ્યા કોચલામાં પુરાઈ જાય છે. દુ:ખ આવતું હોય છે અને તે જતું પણ રહે છે. અમુક સંજોગોમાં ચિંતા પણ થાય છે, પણ એ ઘટના પતે પછી તેને દૂર હડસેલી દેવી પડે છે. સંશય ખોટો પડે પછી તેનાથી મુક્ત થઈ જવાનું હોય છે. આપણે ‘બેગેજ’ સાથે લઈને ફરીએ છીએ અને એના ભાર નીચે ક્યારે દબાઈ જઈએ છીએ એનો અણસાર આપણને જ રહેતો નથી.

દુ:ખી કે ઉદાસ રહેવાની પણ ઘણાને આદત પડી જતી હોય છે. અમુક લોકો કારણ વગર જ મજામાં હોતા નથી. એક યુવાનની હાલત પણ આવી જ હતી. તેનો ચહેરો ભારે જ હોય. એક વખત તેની પ્રેમિકાએ કારણ પૂછ્યું. યુવાને કહ્યું કે તને ખબર નથી કે હું કેવી રીતે આગળ આવ્યો છું. મારાં મા-બાપે મહેનત મજૂરી કરીને મને ભણાવ્યો છે. મેં એવા દિવસો પણ જોયા છે જ્યારે બે ટંક જમવાના પણ સાંસા હોય. અમે સાવ નાનકડા ઘરમાં રહેતા હતા. હું ખરાબ સ્થિતિમાં ભણ્યો. સારી નોકરી મળી. ઘર લીધું. વાહન લીધું. હવે બધું થાળે પડી રહ્યું હોય એમ લાગે છે. પ્રેમિકાએ કહ્યું કે, તો પછી તારી પાસે જેટલું છે એને એન્જોય કરને! આવો ઉદાસ શા માટે રહે છે? યુવાને કહ્યું કે હવે તો મને ખુશીનો પણ ડર લાગે છે.
હું ખૂબ આનંદમાં હોઉં તો ડરી જાઉં છું. કંઈ અજુગતું બનશે તો? માંડ માંડ ગાડી પાટે ચડી છે એ પાછી ખોરવાઈ જશે તો? પ્રેમિકાએ કહ્યું કે, જો એવું હોત તો તું સુખી થયો જ ન હોત. હજુ એવી ને એવી હાલતમાં હોત. તેં મહેનત કરી છે. તારી પોતાની તાકાતથી તું આગળ આવ્યો છે. તને તો એ વાતનો ગર્વ હોવો જોઈએ. તારી જાત ઉપર ભરોસો રાખ. તારી જાતને કહે કે તું હજુ આગળ વધી શકીશ. જે મળ્યું છે એને તું એન્જોય કર. આ સુખને ફીલ કર. કંઈ જ ખરાબ થવાનું નથી. એ માત્ર તારા મનનો ભ્રમ છે. તેને મગજમાંથી કાઢી નહીં નાખે ત્યાં સુધી તું કોઈ વાતની મજા માણી નહીં શકે.

પોઝિટિવિટીનો એક મતલબ એવો પણ થાય છે કે જે થશે એ સારું જ થશે. ખરાબ થશે એવું વિચારવાનો કોઈ અર્થ જ નથી. વિચારમાં ગેબી શક્તિ હોય છે. તમે જેવું વિચારો એવું થાય છે. સારા વિચારો સાથે કંઈ કરતા હોવ ત્યારે સમગ્ર કાયનાત તમારી મદદે આવતી હોય છે. લો ઓફ એટ્રેક્શન પણ એવું જ કહે છે કે વિચારો જે તે સ્થિતિને તમારા તરફ આકર્ષે છે. એટલું યાદ રાખજો કે ખરાબ વિચારશો તો ખરાબ થશે જ અને સારું વિચારતા હોવ તો સારું જ થવાનું છે.
ઘણા લોકોને કોઈની બીમારી વિશે ખબર પડે તો પણ એ થથરી જાય છે. કોઈનું મોત કેન્સરથી થાય તો ડર લાગવા માંડે છે કે મને કેન્સર થશે તો? મને પણ એના જેવું થયું તો? મોટા ભાગે માણસ કોઈની તબિયત પૂછવા જાય ત્યારે કુતૂહલતાપૂર્વક એ પૂછે છે કે, આવું કેમ થયું? કેન્સર હોય તો ચેક કરશે કે કોઈ વ્યસન હતું. વ્યસન ન હોય તો એવું આશ્ચર્ય વ્યક્ત કરશે કે, કંઈ વ્યસન ન હતું તો પણ કેન્સર થયું. આવું વિચારીને ઘણા પોતાનાં વ્યસનો માટે આશ્વાસન પણ મેળવતા હોય છે. ઘણી વખત આપણે અાશ્વાસન મેળવતા હોઈએ તેની પાછળ ડર જ કારણભૂત હોય છે. મને તો આવું નહીં થાયને?

જે સારું છે એ સારું જ છે, જે ખરાબ છે એ ખરાબ જ છે. ખરાબથી દૂર રહો તો એ સૌથી સારું છે. આપણે બધું ડરથી જ કરીએ છીએ. ડૉક્ટર કડક ચેતવણી આપે એ પછી જ ચાલવાનું કે જિમ શરૂ કરીએ છીએ. કસરત પણ ઝાટકા પડતા હોય એ રીતે કરીએ છીએ. કેટલા લોકો વોકિંગને કે જિમને રિઅલ સેન્સમાં એન્જોય કરતા હોય છે? ઘણું બધું આપણે કરવું પડતું હોય છે એટલે જ કરતા હોઈએ છીએ. રોજ નહાવું જોઈએ એટલે આપણે નહાતા હોઈએ છીએ.
નહાવાને પણ કામ પતાવવાનું હોય એ રીતે જ જુએ છે. નહાવાને ખરેખર કેટલા લોકો એન્જોય કરે છે? આપણે ખોરાક પણ એન્જોય કરતા હોતા નથી. મોટા ભાગે પેટ ભરવા માટે જ ખાતા હોઈએ છીએ. નોકરીમાં આઠ કે નવ કલાક આપવાના છે તો આપવાના જ છે. તમે ત્યાં છો ત્યાં સુધી નક્કી કરો કે અહીં મારે કામ કરવાનું જ છે, તો કંઈ જ આકરું નહીં લાગે. મજા લેવાની હોય છે ત્યારે અને ત્યાંથી આપણે મજા લેતા નથી એટલે જ્યાં ડરવાનું ન હોય ત્યાં આપણે ડરતા રહીએ છીએ.

જિંદગી સુંદર છે. લાઇફ રોકિંગ છે. ખરાબ કશું જ નથી. કંઈ ખરાબ થવાનું પણ નથી. થશે તો તેના હજારો ઉપાય છે. એ ત્યારે વિચારીશું. આપણે વર્તમાનમાં જીવવું જોઈએ એવી વાત તમામ ફિલોસોફર કહી ગયા છે, આપણને એ ખબર પણ હોય છે, છતાં જીવી શકાતું નથી. ભૂતકાળની ઘટનાઓ અને ભવિષ્યકાળનો ભય આપણી ઉપર છવાયેલો હોય છે. આપણે વર્તમાનમાં જીવવું હોય તો ભૂતકાળ અને ભવિષ્યકાળથી પીછો છોડાવવો પડે. ભય સૌથી મોટો ભ્રમ છે. જિંદગીના મર્મને જાણવો અને માણવો હોય તો ભ્રમને ભગાડો, દરેક ક્ષણો જીવતી જ રહેશે.

છેલ્લો સીન: દરિયાનાં સપનાં જોવામાં ઘણી વખત આપણે ફૂલની પાંદડી પર રચાયેલા ઝાકળ બિંદુના સૌંદર્યને માણવાનું ભૂલી જતા હોઈએ છીએ. -કેયુ
kkantu@gmail.com
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો