તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્વપરીક્ષણ દ્વારા સ્તન કેન્સરને જાણો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્તન કેન્સરના કૌટુંબિક ઇતિહાસવાળી સ્ત્રીઓ કે જેમાં માતા, દાદી, માસી કે બહેનનો સમાવેશ થાય છે તેમાં 10% સ્તનકેન્સર આનુવંશિક છે
સ્તન કેન્સર એ રોગ છે કે જેમાં સ્તનની પેશીઓમાં કે કેન્સરગ્રસ્ત (વિષમ પ્રકારના) કોષો જોવા મળે છે. સ્તનની નલિકાઓમાં થતું કેન્સર એ સ્તન કેન્સરનો સૌથી વધારે જોવા મળતો પ્રકાર છે. (Ductal carcinoma) સ્તનના વિવિધ ખંડ (Lobes) અથવા ખંડિકા (Lobules)થી શરૂ થતા કેન્સરને લોબ્યુલર (Lobular carcinoma) - (ખંડીય) કેન્સર કહે છે.
સ્તન કેન્સરની ભારતમાં વ્યાપકતા

સ્તન કેન્સર એ ભારતીય સ્ત્રીઓમાં સૌથી વધુ જોવા મળતું કેન્સર છે. દર વર્ષે ભારતમાં લગભગ 1,00,000 નવા દર્દીઓ જોવા મળે છે. ભારતમાં દર 26માંથી એક સ્ત્રીને સ્તન કેન્સર થાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO - World health organization) અનુમાન કરે છે કે, 2020 સુધીમાં ભારતમાં સ્તન કેન્સરનું પ્રમાણ અમેરિકા અને યુરોપ જેટલું હશે. (દર સાતમાંથી એક સ્ત્રી.) કમનસીબીની વાત એ છે કે ભારતમાં 70થી 80% સ્તન કેન્સરના દર્દીઓએ સ્ટેજ III અને IVના હોય છે, જ્યારે તેની વિરુદ્ધમાં વિકસિત દેશોમાં 80%થી 90% દર્દીઓ સ્ટેજ-I અને IIમાં જ હોય છે.
સ્તન કેન્સર માટે જોખમી પરિબળો

- સ્તન કેન્સરના કૌટુંબિક ઇતિહાસવાળી સ્ત્રીઓ (કે જેમાં માતા, દાદી, માસી કે બહેનનો સમાવેશ થાય છે.) 10% સ્તનકેન્સર આનુવંશિક છે, આથી જેની માતા, બહેન અથવા માસીને સ્તન કેન્સર થયેલું હોય, તેમણે ખાસ કરીને યુવાન અવસ્થામાં વધારે સંભાળ લેવી જોઈએ.
- એક સ્તનમાં સ્તન કેન્સર થયેલું હોય તેવી સ્ત્રીઓ.
- થોડાંક જોખમી પરિબળો : જે સ્ત્રીઓમાં -
- પ્રથમ બાળકનો જન્મ ઘણી મોટી ઉંમરે થયો હોય,
- બાળકો ન હોવાં,
- પ્રથમ વખતે માસિચક્રનો સમય બહુ વહેલો હોય, (ઘણી નાની ઉંમરે માસિકચક્રની શરૂઆત)
- ઘણી મોટી ઉંમરે મેનોપોઝ (માસિકચક્રનો અંત)
- એવું સાબિત થયેલું છે કે જે સ્ત્રીઓ તેમનાં બાળકોને ઓછામાં ઓછા એક વર્ષ સુધી સ્તનપાન કરાવે છે, તેઓમાં સ્તન કેન્સર થવાની ઘણી જ ઓછી શક્યતાઓ હોય છે.
- મેદસ્વિતા.
- આધુનિક ગર્ભનિરોધક ગોળીઓ એ સ્તન કેન્સર પ્રેરે છે એવો કોઈ મજબૂત પુરાવો નથી.
સ્તન કેન્સરના નિદાન માટેની પદ્ધતિઓ

- સ્તનનું સ્વ પરીક્ષણ
- ડોક્ટરી તપાસ
- મેમોગ્રાફી

સ્તનનું સ્વપરીક્ષણ પદ્ધતિસરની એક એવી પ્રયોગાત્મક તાલીમ છે કે જે દરેક સ્ત્રીએ (પોતાનાં સ્તનમાં) કોઈ ફેરફાર છે કે નહીં તે જાણવા દર મહિને કરવી જરૂરી છે, જેથી તે તબીબી ધ્યાન ખેંચી શકે (જો જરૂરી લાગે તો ડૉક્ટરનો સંપર્ક કરી શકે.)
સ્તન કેન્સરની સારવાર સર્જરી અને રિકન્સ્ટ્રક્શન (પુનર્રચના)

- ‘મોડીફાઇડ રેડિકલ માસ્ટેક્ટમી’ કે જેમાં સમગ્ર સ્તન અને બગલમાંથી બધી જ લસિકાગ્રંથિઓ કાઢી નાખવામાં આવે છે.
- બ્રેસ્ટ કન્ઝર્વેશન સર્જરી (BCS) - સ્તન સંરક્ષણ/જાળવણી માટેની સર્જરી
સ્તન સંરક્ષણ માટેની સર્જરીમાં માત્ર કેન્સરગ્રસ્ત ગાંઠ તેના માર્જિન સાથે દૂર કરવામાં આવે છે. બગલની લસિકાગ્રંથિઓને બીજા અલગ કાપા દ્વારા દૂર કરવામાં આવેલ હોય છે. જે સ્તનમાં ગાંઠ નાની હોય તેમ ડૉક્ટર દ્વારા આપવામાં આવતા વિકલ્પો વધારે હોય છે. તમારા ડૉક્ટર સાથે આ વિકલ્પ અંગે ચર્ચા કરો. BCS પછી વિકિરણ સારવાર અંગે આગળ ચર્ચા કરવામાં આવી છે.
માસ્ટેક્ટમી - BCS (સ્તન દૂર કરવું) પછી પુનર્રચનાના વિકલ્પો
સ્ત્રી માટે સ્તન એ સૌંદર્ય કલાવિજ્ઞાન અથવા રસશાસ્ત્રની દૃષ્ટિએ ઘણું મહત્ત્વનું અંગ છે. કેન્સરની સર્જરીની સાથે જ તરત જ (પ્રાથમિક) અથવા પછીથી (Secondary), સ્તનની પુનર્રચના કરવામાં આવે છે. (ક્રમશ:)
સ્તન કેન્સરનાં લક્ષણો

- સ્તન : દર્દરહિત ગાંઠ
- સ્તનની ત્વચામાં ખાડા પડવા
- સ્તનની આકારાત્મક રૂપરેખામાં ફેરફાર થવો
- ડીંટડી (Nipple) : ઉઝરડા અથવા ચાંદું પડવું
- Nipple અંદરની તરફ ખેંચાવી.
- રુધિરયુક્ત પ્રવાહીનો સ્ત્રાવ.
- ચાંદું (પછીની અવસ્થામાં)
- બગલ : ગાંઠ અથવા ભરાવો (પછીની અવસ્થામાં)
- હાથ : સોજો (પછીની અવસ્થામાં)
અન્ય સમાચારો પણ છે...